અષાઢ સુદ એકાદશી એટલે દેવશયની (દેવપોઢી) એકાદશીની ભગવાનના પાતાળમાંના શયનનો શુભારંભ થાય એટલે હિન્દુ શાસ્ત્ર અનુસાર ચાતુર્માસનો પ્રારંભ થાય અને શ્રી હરિના ચાર માસના શયન પછી છેક કારતક સુદ એકાદશી(દેવઊઠી)ના દિવસથી શ્રીહરિ જાગ્રત થાય. સજીવમાત્રની ઊંઘ એક રાતની અને શ્રીહરિની ઊંઘ ચાર માસની. શ્રી હરિના ખેલને જાણો અને માણો. સૃષ્ટિના રચયિતા, પોષક અને સંહારક હરિ આટલા પ્રબંધ કાળ સુધી સૂએ ખરા? જો સૂએ તો તેનું પરિણામ શું આવે? સૂતેલા શ્રીહરિ વિના પાંદડું હાલે ખરું? સૃષ્ટિનું અસ્તિત્વ ટકી શકે ખરું? શ્રીહરિ તો સદાય ચૈતન્ય સ્વરૂપ છે. શ્રીહરિજી આ સૃષ્ટિ અને પ્રત્યેક જીવમાં ધબકે છે.
આ ચાતુર્માસ દરમિયાન પુરાણોમાં વર્ણવ્યા મુજબ બુધાષ્ટમી, શ્રીકૃષ્ણ જન્માષ્ટમી, દુર્ગાષ્ટમી, શ્રી વૃક્ષનવમી, ગોવત્સદ્વાદશી, દેવશયની અને દેવોત્થાની એકાદશી, શિવચતુર્થી વ્રત અને અનંત ચતુર્દશી વગેરે જેવાં વ્રતો આવે છે.
વળી, પુષ્ટિમાર્ગમાં જન્માષ્ટમી, નંદ મહોત્સવ, રાધાષ્ટમી, દાન-એકાદશી, વિજયાદશમી, ગૌવર્ધન પૂજન, અન્નકૂટ, ગોપાષ્ટમી, ગંગાદશહરા, પ્રબોધિની, તુલસીવિવાહ, સ્નાનયાત્રા, રથયાત્રા ઠકુરાની તીજ, પવિત્ર એકાદશી અને દ્વાદશી (પુષ્ટિમાર્ગની સ્થાપના દિવસ) વગેરે ઉત્સવ ઉત્સાહપૂર્વક અને ઉમંગથી ચાતુર્માસમાં ઉજવાય છે. આ ઉત્સવો પર અભ્યંગ, પંચામૃત વગેરેનો વિશેષ શૃંગાર થાય છે. પ્રભુને વિશેષ ભોગ ધરાવાય છે, તેમજ પ્રસંગોને અનુરૂપ કીર્તન-ગાન કરાય છે.
શારદીય નવરાત્રિમાં આરાધના, અર્ચના તથા નિયમિત સેવાદિ વ્રતોથી શક્તિ-સંચયનો ઉદ્દેશ સિદ્ધ થાય છે. શક્તિની સમુચિત સાધના દ્વારા સુમતિથી દુમતિ, સતથી અસત, સદાચારથી અનાચાર અને અન્યાચાર, પ્રેમથી ઈર્ષા અને દ્વેષ, મૃદુતાથી પરુષતા તથા કરુણા અને મૈત્રી દ્વારા નિર્દયતા અને વેરભાવને સરળતાપૂર્વક જીવી શકાય છે. આ સમય દરમિયાન સઘળી પ્રકૃતિમાં આશા, ઉત્સાહ અને સ્વાભિમાનના ઉત્તાલ તરંગો સતત તરંગાવિત થતા જોવા મળે છે.
આ સમય દરમિયાન અનેકવિધ જાગતિક ભેદોને મટાડીને અસદ વૃત્તિઓ પર વિજય પ્રાપ્ત કરવાનો સુઅવસર પ્રાપ્ત થાય છે. અન્યાય, ગરીબી, અભ્રણ, ભેદીય ભેદ, વૈષમ્યા, અનૈતિકતા, ચોરી, લૂંટ, શોષણ અને હિંસાને સમૂળ ફેંકી દેવાનો અવસર મળે છે. અષાઢ માસના ઉત્સવ-પર્વમાં શ્રી રાધાકૃષ્ણ પૂજન, શુક્લ પક્ષની પુષ્ય નક્ષત્રયુક્ત બીજની ભગવાન શ્રી હરિને સુંદર સુસજ્જિત રથ પર બિરાજમાન કરી રથયાત્રા સંપન્ન શુક્લપૂર્ણિમા, વ્યાસપૂર્ણિમા, શ્રાવણમાં અનેક ઉત્સવ, હરિયાલી ત્રીજ, પવિત્ર, એકાદશી, રક્ષાબંધન, શ્રાવણી ઉપાકર્મ, શ્રીકૃષ્ણ જન્માષ્ટમી, નંદ મહોત્સવ, કુશાગ્રહવી અમાસ.
ભાદ્રપદમાં શ્રી ગણેશ જયંતી ઋષિપંચમી, શ્રી બલદેવ જયંતી, શ્રી રાધાષ્ટમી, જળઝૂલણી એકાદશી, શ્રી વામન જયંતી, અનંત ચતુર્દશી, શ્રાદ્ધકર્મ.
આસો માસના પર્વોમાં શુક્લ પક્ષમાં શ્રી સરસ્વતી શયન, વિજયાદશમી, શરદપૂર્ણિમા, નવરાત્રિ.
કારતકમાં કૃષ્ણ પક્ષ અને શુક્લ પક્ષનાં વિવિધરૂપે ઉત્સવ, વ્રત અને પર્વનો એક અદ્ભુત સંગમ છે. કાર્તિકી સ્નાન, શ્રી ધન્વંતરિ જયંતી, દીપાધ્વન, શ્રી ગોવર્ધન પૂજા, અન્નકૂટ મહોત્સવ, શ્રી ગોપાષ્ટમી, મહાયજ્ઞ, દેવ પ્રબોધિની એકાદશી, શ્રી તુલસીવિવાહ, પૂર્ણિમા એ પુષ્કરાદિ તીર્થોમાં સ્નાન, શ્રી નિમ્બાકાચાર્ય જયંતી વગેરે જયંતીઓ આવે છે.
ચાતુર્માસના વ્રતોને પાળવાની દૃષ્ટિએ અને આરોગ્ય પ્રાપ્તિની દૃષ્ટિએ અદ્વિતીય માનેલ છે. જો આ સમયગાળા દરમિયાન સારી રીતે પાલન કરવામાં આવે તો આરોગ્ય પ્રાપ્તિની સાથોસાથ આધ્યાત્મિક શાંતિ પણ મળી શકે છે. ચાતુર્માસમાં વાત અને પિત્તનો પ્રકોપ વધુ રહે છે, તેથી શાકભાજીઓનો ત્યાગ કરવો કલ્યાણકારી હોય છે. આ દિવસો દરમિયાન આરોગ્યની દૃષ્ટિએ હલકું ભોજન લેવું.
વૈદ્યાના શારદી માતા વિતા ચ કુસુમાકર. અર્થાત્ ચિકિત્સકો માટે શરદઋતુ લાભકારી છે. તે માતાની જેમ વૈદ્ય લોકોની પરવરિશ કરે છે. જ્યારે વસંતઋતુ પિતાની જેમ તેનું પાલન-પોષણ કરે છે.
આ બંને ઋતુઓનો પ્રભાવ સ્વાસ્થ્ય પર પડે છે. આ ઋતુઓની સાથે જ્વર, મલેરિયા, કમળો વગેરે રોગોનો પ્રકોપ હોય છે. તે સઘળાથી બચવાનો ઉપાય ધાર્મિક વ્રતોનું પાલન કરી ખાન-પાન પર ધ્યાન કેન્દ્રિત કરવું અને ઈશ્વરીય ઉપાસના કરવી એ છે. આનાથી શારીરિક લાભ ઉપરાંત આધ્યાત્મિક લાભ પણ થાય છે. વર્ષાઋતુમાં શાકભાજીઓ દૂષિત થઈ જાય છે. સરોવરોનું જળ પણ મલિન રહે છે. મચ્છર અને અન્ય જીવાણુઓ પેદા થાય છે. આ બધામાંથી મુક્તિ મેળવવા માટે ધાર્મિક વ્રતોનું વિશેષ આયોજન રહે છે, જેમાં શારીરિક પવિત્રતા અને મિતાહારી રહેવાને કારણે રોગે પણ થતા નથી.
ચાતુર્માસના ઉપવાસ અને નિયમ ધર્મની દૃષ્ટિએ ખૂબ જ ઉપયોગી હોય છે. ઉપવાસ અને નિયમ ધર્મોનું પાલન કરવાથી સ્વાસ્થ્ય તો સ્વસ્થ રહે છે. એટલું જ નહીં, પણ તે સાથે વ્યક્તિત્વનો વિકાસ પણ થાય છે. આસો માસની વદ નોમને માતૃનવમી કહેવામાં આવે છે. જેવી રીતે પુત્ર પોતાના પિતા વગેરે પૂર્વજોના નિમિત્તે પિતૃપક્ષમાં શ્રાદ્ધ-તર્પણ વગેરે કરે છે, તેવી જ રીતે સુગૃહિણીઓ પણ પોતાની દિવંગત સાસુ, માતા વગેરેના નિમિત્તે આ દિવસે બ્રહ્મભોજન વગેરે કરાવે છે.
કારતક કૃષ્ણ (વદ) પક્ષની ચન્દ્રોદયવ્યાપિની ચોથને કરવાચોથ વ્રત કહેવામાં આવે છે. આ પણ સ્ત્રીઓનું એક મુખ્ય વ્રત છે. આ દિવસનો ઉપવાસ દાંપત્યના પ્રેમને વધારનાર છે, કેમ કે આ દિવસમાં ગોળાર્ધની સ્થિતિ, ચંદ્રકલાઓ, નક્ષત્ર પ્રભાવ અને સૂર્ય માર્ગનું સંમિશ્રણ શરીરગત અગ્નિની સાથે સમન્વિત થઈ શરીર અને મનની સ્થિતિને એવી તો ઉપયુક્ત બનાવી દે છે કે જે દાંપત્યના સુખને સુદૃઢ અને ચિરસ્થાયી બનાવવામાં ભારે સહાયક હોય છે.
ચાતુર્માસ દરમિયાન અનેક પર્વ, વ્રત અને તહેવાર આવે છે. જેમ કે, વ્યાસપૂજા, ગુરુપૂર્ણિમા, શ્રાવણનો સોમવાર, મંગલાગૌરી વ્રત, અશૂન્ય શયન વ્રત, ત્રીજ પર્વનાં વિવિધ રૂપ, કજલી ત્રીજ, હરિયાલી ત્રીજ, નાગપંચમી, રક્ષાબંધન, શ્રાવણી પર્વ-સ્વાધ્યાય પર્વ, બકુલા ચોથ, શ્રીકૃષ્ણ જન્માષ્ટમી, શ્રી ગોગાનવમી, ગોવત્સદ્વાદશી, કુશોત્પાટિની અમાસ, હરિતાલિકાવ્રત, શ્રી ગણેશચતુર્થી, ઋષિપંચમી, દુબડી સપ્તમી, શ્રી રાધા જન્માષ્ટમી, વામન જયંતી, અનંતચતુર્દશી, શ્રીમહાલક્ષ્મી વ્રત (સોરકિયા વ્રત), પિતૃપક્ષ, જીવત્યુ ત્રિકાવ્રત, શારદીય નવરાત્રિ, વિજયાદશમી (દશેરા), શરદપૂર્ણિમા, કોજાગર વ્રત, કરવાચોથ, ગોવત્સદ્વાદશી વ્રત, ધનતેરસ, ભગવાન ધન્વંતરી જન્મોત્સવ, ગોત્રિરાત્ર વ્રત, નરક ચતુર્દશી, હનુમન જન્મ મહોત્સવ, દીપાવલી, અન્નકૂટ મહોત્સવ, ગોવર્ધન પૂજન, ભાઈબીજ, સૂર્યષષ્ઠી મહોત્સવ, ગોપાષ્ટમી મહોત્સવ, અક્ષયનવમી, દેવોત્થાપની એકાદશી, તુલસીવિવાહ, વૈકુંઠ ચતુર્દશી, ભીષ્મપંચક વ્રત.
અષાઢ માસના પ્રથમ દિવસે વર્ષાનું આગમન થાય છે. એકાદશી એ ભગવાન વિષ્ણુના શયનનો દિવસ છે અને આ દિવસથી ચતુર્માસ વ્રતનો આરંભ થાય છે. આ ચાર મહિનાઓમાં બૌદ્ધ, જૈન, ભિક્ષુક, મુનિઓ એક સ્થાન પર રોકાઈને સ્વાધ્યાય કરે છે. ચાતુર્માસ દરમિયાન જૈન ધર્મનું `પર્યુષણ’ પર્વ આવે છે. પર્યુષણનો અર્થ છે ઉપાસના. અર્થાત્ શ્રેષ્ઠ આત્મ-સ્વભાવની ઉપાસના. આ ઉપાસના દસ દિવસો સુધી દસ ગુણોના માધ્યમથી પોતાના આત્મ-સ્વભાવને ઓળખવા અને શોધવાથી પૂર્ણ થાય છે. આ દસ દિવસોના આત્મ-શોધનમાં માધ્યમના દસ ગુણ આ પ્રમાણે છે : (1) ઉત્તમ ક્ષમા (2) ઉત્તમ માર્દવ અર્થાત્ મૃદુતા (3) ઉત્તમ અર્જવ અર્થાત્ સરળતા (4) ઉત્તમ સત્ય (5) ઉત્તમ શૌચ અર્થાત્ બાહ્ય અને આંતરિક શુદ્ધિ (6) ઉત્તમ સંયમ (7) ઉત્તમ નય અર્થાત્ ઈચ્છાઓનું દમન (8) ઉત્તમ ત્યાગ (9) અકિંચન અર્થાત્ સંચયનો ત્યાગ અને (10) ઉત્તમ બ્રહ્મચર્ય. આ દિવસો દરમિયાન જૈન વ્યક્તિઓ દાન આપે છે. મિતાહાર કરે છે, કડવી ભાષાનો પ્રયોગ કરતા નથી. આ દિવસોમાં જૈન દેરાસરોમાં આનંદ છવાયેલો રહે છે. પર્યુષણનો અંતિમ દિવસ સંવત્સરી કે ક્ષમા વાણી પર્વના રૂપમાં ઊજવવામાં આવે છે.