સુજનીપુર નજીકથી મળેલ નવજાત બાળકીને ત્યજી દેનાર યુવક-યુવતીની ઓળખ થઇ
નિખીલ જોષી
અગ્ર ગુજરાત, પાટણ
પાટણ સુજનીપુર રોડ પર આવેલ સૂર્યનગર નજીક ક્રિષ્ના રો હાઉસના ગેટ પરથી ગત દિવસો દરમિયાન વહેલી સવારે સાત વાગ્યાના અરસામાં એક નવજાત બાળકી ત્યજી દેવાયેલી હાલતમાં મળી આવી હતી જેની જાણ ત્યાંથી પસાર થતાં ખેડૂતને તેમજ આજુબાજુના રહીશોને થતા રહેશો દ્વારા પાટણ ૧૦૮ મારફતે બાળકીને સિવિલ હોસ્પિટલ ખસેડાઈ હતી. જ્યાં મળી આવેલ બાળકી બાબતે એક રહીશ દ્વારા પોલીસ મથકે ફરિયાદ નોંધાવા પામી હતી જેની તપાસ દરમિયાન બાળકીને ત્યજી દેનાર તેના વાલી વારસાઓની ભાળ મળવા પામી હતી.
મળતી વિગતો મુજબ પાટણ શહેર નજીક આવેલ સુજનીપુર રોડ નજીકના ક્રિષ્ના રો હાઉસના ગેટ પરથી ગરમ કપડામાં વીંટાળેલ હાલતમાં નવજાત બાળકી મળી આવી હતી જેની જાણ ત્યાંથી પસાર થતા ખેડૂતને થતા તેઓ દ્વારા આજુબાજુના રહીશોને જાણ કરવામાં આવી હતી તેમજ રહેશો દ્વારા તંત્રને જાણ કરવામાં આવતા ૧૦૮ દ્વારા પાટણ સિવિલ હોસ્પિટલ બાળકીને ખસેડાઈ હતી જ્યાં બાળકી મળી આવ્યાના પ્રકરણમાં પાટણ શહેર એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવા પામી હતી જ્યાં તપાસના અંતે બાળકીના વાલી વારસોની ભાળ મળતા પોલીસ દ્વારા વાલી વારસોની પૂછપરછ કરતા જાણવા મળ્યું હતું કે સરસ્વતી તાલુકાના એક ગામમાં રહેતા એક યુવાનને તેના જ ગામની યુવતી સાથે પ્રેમ સંબંધ બંધાયો હતો જે પ્રેમ સંબંધ ગામ લોકોને મંજૂર ન હોય તેઓને ઠપકો આપવામાં આવતા તેઓ દ્વારા પાટણ ખાતે રહેવાનું પસંદ કર્યું હતું જ્યાં યુવતીને આઠ માસનો ગર્ભ હતો ત્યારે યુવતી દ્વારા પાટણની ખાનગી હોસ્પિટલમાં બાળકીને જન્મ આપ્યો હતો તેમજ યુવતી કુવારી હોય સમાજના ડરથી જન્મેલ બાળકીને સુરક્ષિત જગ્યાએ મૂકી આવવાનું પસંદ કર્યું હતું જેથી કરીને ત્યાંથી પસાર થતા લોકો દ્વારા બાળકીને ધ્યાનમાં રાખીને તંત્રને જાણ કરે આ બાબતે પોલીસ દ્વારા બંને જણાના નોટિસ આપી જામીન ભરાવી મુક્ત કર્યા હતા
આ બાબતે જિલ્લા બાળ કલ્યાણ સમિતિના સચિવ પિયુષભાઈ દવેએ જણાવ્યું હતું કે ૬૦ દિવસમાં તેના વાલી વારસો મળી ગયા હોવાથી હવે તેના વાલી દ્વારા બાળ કલ્યાણ સમિતિ સમક્ષ રજૂ કરાયેલ રજૂઆતો અને તેની સુરક્ષાને ધ્યાને રાખીને તેના વાલી વારસો ને બાળકી સોંપવી કે નહીં તેનો આખરી નિર્ણય સમિતિ દ્વારા લેવાશે.


