- પોલીસ સામે ફરિયાદ નોધવા સરકારે 14449 નંબર આપ્યો
- હેલ્પલાઇન 24*7 રહેશે અનેે 15 દિવસમાં નંબર એક્ટિવ થશે
- રાજ્યમાં મહિલા હેલ્પલાઇન નં. 1091 જાહેર કર્યો
થોડાં સમય પહેલા અમદાવાદમાં પોલીસ દ્વારા એક દંપતી સાથે કરવામાં આવેલા તોડકાંડ મામલે ગુજરાત હાઈકોર્ટે સુઓમોટો અરજી ધ્યાનમાં લીધી હતી. જેના પર આજે રાજ્ય સરકારે પોતાનો જવાબ આપતાં પોલીસ વિરુદ્ધ ફરિયાદ નોંધવા માટે હેલ્પલાઇન 14449 નંબર આપ્યો છે જે આગામી 15 દિવસમાં ચાલુ થશે તેવી માહિતી આપવામાં આવી છે.
આ અંગે સરકાર તરફથી એડવોકેટ જનરલ કમલ ત્રિવેદીએ જણાવ્યું હતું કે હેલ્પલાઈન નંબર 14449 આગામી 15 દિવસમાં ચાલુ કરાશે. ત્યાર બાદ જનજાગૃતિ માટે એની જુદાં જુદાં માધ્યમો થકી જાહેરાત કરાશે. કેન્દ્ર સરકાર દ્વારા રાજ્યને આ નંબર આપવામાં આવ્યો છે. આ હેલ્પલાઇન 24X7 કાર્યરત રહેશે.
ક્યા નંબરનો કેવો છે ઉપયોગ
રાજ્યમાં ભ્રષ્ટાચાર નિવારણ માટે એન્ટી કરપ્શન બ્યૂરોની હેલ્પલાઇન 1064 અને મહિલાઓની મદદ માટે વુમન હેલ્પલાઇન 1091 પણ પ્રચલિત છે. એવી જ રીતે પોલીસ સામે ફરિયાદ નોંધાવવા આ હેલ્પલાઇન નંબર પણ પ્રચલિત કરવામાં આવશે. આ ઉપરાંત કેટલાક મહત્ત્વના ઈમરજન્સી નેશનલ હેલ્પલાઇન નંબરની પણ જાહેરાત કરવા માગ કરવામાં આવી હતી, જે મુદ્દે રાજ્યએ હકારાત્મક પ્રતિક્રિયા દર્શાવી હતી. આ મુદ્દે વધુ સુનાવણી 16 ફેબ્રુઆરીએ હાથ ધરાશે.
અગાઉની સુનાવણીમાં ઓગણજ તોડકાંડ કેસમાં કોર્ટે પોલીસ સામે ફરિયાદ માટે અલગ હેલ્પલાઈન આપવાનું જણાવ્યું હતું. સરકારે કહ્યું, 100 નંબર પર જ એક્સટેન્શન અપાય, કારણ કે એ સરળ છે અને લોકોને યાદ છે. 112 નંબર કેન્દ્ર સરકારના સૂચનથી જાહેર કરાયો છે. 112 નંબર પણ 100 નંબરની લાઈન પર જાય છે, 100ને એક્સટેન્શન આપી એનું રેકોર્ડિંગ કરાય છે. 1064 નંબર ACB માટે છે.
શું બની હતી ઘટના
નોંધનીય છે કે, અમદાવાદમાં ઓગણજ પાસે પોલીસે એરપોર્ટથી પરત ફરી રહેલાં દંપતી સાથે કરેલા તોડકાંડના કેસમાં ગુજરાત હાઈકોર્ટે ગંભીર નોંધ લઈને સુઓમોટો સંજ્ઞાન લીધું હતું, જેની સુનાવણી ચીફ જસ્ટિસ સુનિતા અગ્રવાલ અને જજ અનિરુદ્ધ માયીની બેંચ સમક્ષ ચાલી રહી છે. એ મુદ્દે આજે હાઇકોર્ટમાં વધુ સુનાવણી હાથ ધરાઈ હતી. કોર્ટના ગત આદેશ મુજબ રાજ્ય સરકારે આજે હાઇકોર્ટમાં એફિડેવિટ પર પોલીસ સામે ફરિયાદ નોંધવા માટે હેલ્પલાઇન 14449 નંબર આપ્યો છે.


