– આયાતમાં અવરોધની કોઈ ફરિયાદ મળી નહીં હોવાની સ્પષ્ટતા
Updated: Oct 27th, 2023
મુંબઈ : રાજકીય વિવાદ વચ્ચે પણ કેનેડા ખાતેથી ભારતમાં મસૂરનો પૂરવઠો સ્થિર જળવાઈ રહ્યાનું ગ્રાહક બાબતોના વિભાગ દ્વારા જણાવાયું છે. ભારત માટે કેનેડા લેન્ટિન્સ (મસૂર)નો મુખ્ય પૂરવઠેદાર દેશ છે. કેનેડા ખાતેથી સ્થિર પૂરવઠો જળવાઈ રહેતા વર્તમાન વર્ષના પ્રથમ દસ મહિનામાં ભારતની મસૂરની આયાતમાં વધારો જોવા મળ્યો હોવાનું ગ્રાહક બાબતો વિભાગના સુત્રોએ જણાવ્યું હતું.
વર્તમાન વર્ષમાં ભારતે કુલ ૧૦.૯૦ લાખ ટન મસૂરની આયાત કરી છે, જેમાંથી ૪.૬૩ લાખ કેનેડા ખાતેથી આયાત કરવામાં આવી છે. મસૂર માટે કેનેડા, ભારતનો મુખ્ય આયાત સ્રોત છે. કેનેડા ખાતેથી આયાતમાં અવરોધ આવતો હોવાની કોઈ ફરિયાદ સરકારને પ્રાપ્ત થઈ નથી એમ પણ તેમણે સ્પષ્ટતા કરી હતી. જો કે ભારતના ખરીદદારોએ ગયા મહિને ખરીદી ધીમી પાડી હતી.
જૂનમાં એક શીખ અલગતાવાદી નેતાની કેનેડામાં હત્યા બાદ બન્ને દેશો વચ્ચે રાજકીય સંબંધો ખાટા થયા હતા. કેનેડા ખાતેથી આયાત અટકી પડશે તેવી ચિંતાએ ભારતના આયાતકારોએ ઓસ્ટ્રેલિયા ખાતેથી મસૂરની મંગાવવાનું શરૂ કર્યું હતું, પરંતુ કેનેડા સાથેના સંબંધો ફરી સુધરવા લાગતા ખરીદદારો ફરી કેનેડા ખાતેથી માલ મંગાવી રહ્યા છે.
ભારત વર્ષે ૨૪ લાખ ટન્સ મસૂરનો વપરાશ કરે છે પરંતુ ઘરઆંગણે તેટલી માત્રામાં ઉત્પાદન થતું નથી. ગયા નાણાં વર્ષમાં ભારતે કેનેડા ખાતેથી ૪.૮૫ લાખ ટન મસૂરની આયાત કરી હતી.


