- હુકમ છતાં તમામને વળતર ન ચૂકવાતા હાઈકોર્ટે સરકારની ઝાટકણી કાઢી
- સફાઈ કામદારોના મૃત્યુ થતાં અટકે તેની નીતિના અમલનોય ખુલાસો માંગ્યો
- ગુજરાતમાં ગટર સફઇ કામદારોના રક્ષણ માટે સુપ્રીમ કોર્ટના ચુકાદો
ગુજરાતમાં ગટર સફઇ કામદારોના રક્ષણ માટે સુપ્રીમ કોર્ટના ચુકાદા અને માર્ગદર્શિકાની અમલવારીની દાદ માંગતી જાહેર હિતની અરજીમાં અરજદારે હાઇકોર્ટનું ધ્યાન દોર્યું હતું કે, હજુ 16 જેટલા મૃતકોના પરિજનોને સરકાર દ્વારા વળતર ચૂકવાયું નથી. જે અંગે ચીફ્ જસ્ટિસની ખંડપીઠે ગંભીર નારાજગી વ્યકત કરી હતી અને જવાબી સોંગદનામું રજૂ કરવા રાજય સરકાર અને શહેરી વિકાસ વિભાગના પ્રિન્સિપાલ સેક્રેટરીને હુકમ કર્યો હતો. હાઈકોર્ટની ખંડપીઠે એક તબક્કે સરકારને ઝાટકતાં જણાવ્યું હતું કે, આ કંઇ સંતાકૂકડીની રમત નથી ચાલી રહી કે અમે તમારી પાછળ પાછળ ફરીએ. અગાઉ પણ તમને વળતર ચૂકવી દેવા કોર્ટે કહ્યું હતું તો તમે બે જણાંને વળતર ચૂકવો છો, ત્રણ જણાંને ચૂકવો છો અને પછી સુનાવણી નીકળે એટલે ફરી તમે સરકારમાં સૂચના લેવાની વાત કરો અને કોર્ટ તમને ફરી હુકમ કરે કે, હવે બાકીનાને વળતર ચૂકવી દો, આ શું ચાલી રહ્યું છે? સરકાર તેનું વલણ સ્પષ્ટ કરે કે, બાકી લોકોને વળતર ચૂકવવા માટે સરકારે શું પગલાં લીધા ? સરકારે જણાવ્યું હતુ કે, નિયમોનુસાર આઠ જણાંને જ વળતર ચૂકવવાનું બાકી છે. દરમ્યાન હાઇકોર્ટના હુકમો છતાં ભાવનગર મનપાની હદમાં સફઇ કામદારના મૃત્યુ અંગે અરજદારે હાઇકોર્ટનું ધ્યાન દોરતાં હાઇકોર્ટે આ મામલે ભાવનગર મનપા કમિશનર સહિતના સત્તાવાળાઓને પણ જવાબ રજૂ કરવા જણાવ્યું હતું.


