- સૌથી વધુ બેકારીનો દર આંદામાન-નિકોબારમાં
- આંધ્રપ્રદેશમાં 24 ટકા બેકારી હતી
- NSSO દ્વારા સમયાંતરે લેબર ફોર્સનો સરવે કરાય છે
દેશમાં ગ્રેજ્યુએટ અને 15 વર્ષ કે તેથી વધુ ઉંમરની વય જૂથનાં લોકોમાં બેકારીનાં દરમાં ઘટાડો થયો છે. સરકાર અને ઈકોનોમી માટે આ રાહતનાં સમાચાર છે. સરકારનાં સરવેનાં તારણો દર્શાવે છે કે 2022-23માં ગ્રેજ્યુએટ બેકારીનો દર ઘટીને 13.4 ટકા થયો છે જે એક વર્ષ અગાઉ 14.9 ટકા હતો. સરકારનાં જણાવ્યા મુજબ જુલાઈ 2022થી જૂન 2023 વચ્ચેનાં ગાળામાં ગ્રેજ્યુએટ બેકારીનો દર ઘટયો હતો. કેન્દ્રનાં મિનિસ્ટ્રી ઓફ સ્ટેટિસ્ટિક્સ એન્ડ પ્રોગ્રામ ઈમ્પ્લીમેન્ટેશન દ્વારા પીરિયોડિક લેબર ફોર્સ સરવે (PLFS)માં જણાયું હતું કે 2022-23માં 15 વર્ષ કે તેથી વધુ ઉંમરનાં ગ્રેજ્યુએટ લોકોમાં બેકારીનો દર ચંડીગઢમાં 5.6 ટકા હતો જ્યારે દિલ્હીમાં તેનું પ્રમાણ 5.7 ટકા નોંધાયું હતું.
સૌથી વધુ બેકારીનો દર કયા રાજ્યમાં
સરવેમાં જણાયા મુજબ સૌથી વધુ બેકારીનો દર આંદામાન-નિકોબારમાં 33 ટકા હતો તે પછી લદાખમાં 26.5 ટકા અને આંધ્રપ્રદેશમાં 24 ટકા બેકારી હતી. મોટા રાજ્યોની વાત કરીએ તો રાજસ્થાનમાં બેકારીનો દર 23.1 ટકા જ્યારે ઓડિશામાં 21.9 ટકા હતો. લેબર ફોર્સમાં બેકારોની સંખ્યાને ધ્યાનમાં રાખીને જોબલેસનેસ અને બેકારીનાં દરની ગણતરી કરવામાં આવે છે. લેબર ફોર્સનાં ડેટાનાં મહત્ત્વને ધ્યાનમાં રાખીને NSSO દ્વારા સમયાંતરે લેબર ફોર્સનો સરવે કરાય છે.


