- દીકરાને સુરક્ષિત સ્થળે ન જવા દીધો અને દીકરો મોતને ભેટ્યો: પિતા
- ઇઝરાયલમાં હિઝબુલ્લાના રોકેટ હુમલામાં ભારતીય મૂળના નગરિકનું મોત
- ભારતીય મૂળના નાગરિકના મોતને લઈને ઇન્ડિયન એમ્બેસીએ જાહેર કરી એડવાઇઝરી
ઇઝરાયેલના મારગૈલિયટમાં થયેલ મિસાઇલ હુમલામાં ભારતીય મૂળના એક નાગરિકનું મોત થયું હતું. આ મિસાઈલ હુમલામાં અન્ય બે લોકો પણ ઘાયલ થયા છે. મૃતકની ઓળખ પેટ નિબિન મેક્સવેલ તરીકે થઈ છે. ત્રણેય પીડિતો કેરળના હોવાનું સામે આવ્યું છે.
પિતાએ વર્ણવી મોતની આપવીતી
હમાસના સમર્થનમાં હિઝબુલ્લાએ ઉત્તરી ઇઝરાયેલમાં રોકેટ હુમલા કર્યા હતા. મૃતકના પિતા પેથરોઝ મેક્સવેલના જણાવ્યા અનુસાર, ઈઝરાયેલના અધિકારીઓ તેમના દીકરાને સુરક્ષિત સ્થળે જવાની પરવાનગી નહોતા આપી રહ્યા. મીડિયા સાથે વાત કરતા મેક્સવેલે જણાવ્યું, “મારો મોટો દીકરો પણ ઈઝરાયેલમાં છે. તેણે મને સોમવારે 4.30 વાગ્યે ફોન કર્યો અને કહ્યું કે નિબિન ઘાયલ છે અને તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. મધરાતે 12.45ની આસપાસ તેના મૃત્યુના સમાચાર આવ્યા.”
પિતાએ જણાવ્યું કે પૈટ નિબિન મેક્સવેલ બે મહિના પહેલા કામ માટે ઇઝરાયલ ગયો હતો. યુદ્ધ દરમિયાન તે ફાર્મમાં કામ કરી રહ્યો હતો. તે પોતાની પત્ની અને પાંચ વર્ષની દીકરી સાથે રહેતો હતો. તેની પત્ની સાત મહિનાની ગર્ભવતી છે. અન્ય બે ઘાયલો શખ્સની ઓળખ બુશ જોસેફ જોર્જ અને પોલ મેલવિન તરીકે થઈ છે.
ઈઝરાયેલી દૂતાવાસે વ્યક્ત કર્યો શોક
આ ઘટનાને લઈને ઇઝરાયેલી દૂતાવાસે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર (X) પર દુઃખ વ્યક્ત કર્યું છે. તેમણે લખ્યું છે, “અમે ભારતીય મૂળના નાગરિકના મૃત્યુ અને ઘાયલ થવાના સમાચારથી દુ:ખી છીએ. આ હુમલો શિયા આતંકવાદી સંગઠન હિઝબુલ્લાહ દ્વારા તે સમયે કરવામાં આવ્યો જ્યારે તે મારગૈલિયટમાં એક બગીચામાં ખેતી કરી રહ્યો હતો.” આ ઘટના બાદ ભારતે ઈઝરાયેલમાં રહેતા ભારતીયો માટે એડવાઈઝરી જાહેર કરી છે.
એડવાઈઝરીમાં કહેવામાં આવ્યું છે કે, સુરક્ષાની સ્થિતિ અને સ્થાનિક સુરક્ષા સલાહને ધ્યાનમાં રાખીને, ઈઝરાયેલમાં રહેતા તમામ ભારતીયો, ખાસ કરીને સરહદી વિસ્તારોમાં રહેતા લોકોએ ઈઝરાયેલમાં જ કોઈ સુરક્ષિત જગ્યાએ જવું જોઈએ. દૂતાવાસ સતત ઇઝરાયેલ સત્તાવાળાઓના સંપર્કમાં છે. ભારતીય દૂતાવાસે 24×7 હેલ્પલાઇન નંબર (+972-35226748) પણ જારી કર્યો છે. નાગરિકો ઈમેલ (cons1.telaviv@mea.gov.in) દ્વારા પણ એમ્બેસીનો સંપર્ક કરી શકે છે.


