બેંગાલુરૂની ક્રેડિટ હેલ્થ સૌથી સારી, બીજા ક્રમે અમદાવાદ
અમદાવાદ : ભારત દિવસે-દિવસે તેની સાંસ્કૃતિક ઓળખ ગુમાવી રહ્યું છે જ્યારે ભારતીયોને ગળથૂથીમાંથી શીખવવામાં આવતા ‘ચાદર હોય એટલા જ પગ પસારવા’ની વાતો હવે સમય સાથે વિસરાઈ રહી છે. અમેરિકા, બ્રિટન જેવા લક્ઝરી દેશોની માફક ભારતમાં પણ ઉધારી જીવનનું ચલણ વધી રહ્યું છે. પૈસાબઝારના એક એનાલિસિસમાં જાણવા મળ્યું છે કે ભારતમાં ૩૦ વર્ષથી ઓછી ઉંમરના લોકો પાસે સામાન્ય રીતે ત્રણ કરતાં વધુ ક્રેડિટ એકાઉન્ટ હોય છે, પ્રથમ સેલરી આધારિત ક્રેડિટ કાર્ડ મેળવવાની સરેરાશ ઉંમર ૨૮ વર્ષ છે અને સ્વ-રોજગાર વ્યક્તિઓ માટે આ ઉંમર ૩૦ વર્ષ છે.
દેશના ૩.૭ કરોડ ગ્રાહકોના ક્રેડિટ ડેટાનું વિશ્લેષણ કરતા અહેવાલમાં જણાવાયું કે ભારતમાં લોકો સામાન્ય રીતે ૨૮ વર્ષની ઉંમરે તેમનું પ્રથમ ક્રેડિટ કાર્ડ લે છે, જ્યારે પ્રથમ વ્યક્તિગત લોન અને કન્ઝયુમર ડયુરેબલ લોન માટેની સરેરાશ ઉંમર ૨૯ વર્ષ છે. અતિ મહત્વપૂર્ણ અને જીવનના લક્ષ્યાંકો સાથે જોડાયેલી હોવાથી હોમ લોન સામાન્ય રીતે પછીની ઉંમરે લેવામાં આવે છે અને તેની સરેરાશ ઉંમર ૩૩ વર્ષ છે.
૫૩ ટકા ભારતીયોએ તેમની પ્રથમ વ્યક્તિગત લોન ૩૦ વર્ષની ઉંમર પહેલા લીધી હતી અને ૨૨ ટકા પર્સનલ લોન ગ્રાહકો ૨૫ વર્ષથી ઓછી ઉંમરના હતા. તેવી જ રીતે ૫૭ ટકા લોકોએ ૩૦ વર્ષની ઉંમર પહેલા તેમનું પ્રથમ ક્રેડિટ કાર્ડ લીધું હતું. ૨૪ ટકા લોકોએ ૨૫ વર્ષની ઉંમર પહેલા ક્રેડિટ કાર્ડ લીધું હતું.
અભ્યાસ દર્શાવે છે કે ધઅડધાથી વધુ ગ્રાહકોએ ૩૦ વર્ષની ઉંમર પહેલાં તેમની પ્રથમ વ્યક્તિગત લોન અથવા ક્રેડિટ કાર્ડ લીધું હતું, જ્યારે તેમાંથી માત્ર ૩૧ ટકા લોકોએ ૩૦ વર્ષની વય પહેલાં તેમની પ્રથમ હોમ લોન લીધી હતી અને અપેક્ષા મુજબ માત્ર ૮ ટકાએ ૨૫ વર્ષની ઉંમર પહેલા હોમલોન લીધી છે. આ સિવાય પ્રથમ વખત હોમ લોન લેનારાઓમાં ૪૫ ટકા વર્ગ ૩૦થી ૪૦ વર્ષની વચ્ચેનો હતો.
સ્ટડીમાં ટોચના ૧૦ શહેરોમાં ગ્રાહકોના ધિરાણ સ્વાસ્થ્યનું પણ વિશ્લેષણ કરવામાં આવ્યું હતું અને જાણવા મળ્યું હતું કે બેંગાલુરૂ ભારતમાં સૌથી વધુ ક્રેડિટ-હેલ્થી શહેર એટલેકે ૭૭૦+નો ક્રેડિટ સ્કોર હતો. ત્યારબાદ અમદાવાદ, મુંબઈ, પુણે, ચેન્નાઈ અને દિલ્હી આવે છે. રસપ્રદ આંકડો છે કે આજે લીધેલ ૫માંથી ૧ વ્યક્તિગત લોન ટ્રાવેલ-સંબંધિત ખર્ચ એટલેકે ફ્લાઇટ ટિકિટ, હોટેલ બુકિંગ અને રજાઓની ખરીદી માટે કર્યો હતો.
ક્રેડિટ કાર્ડ ૨૫ વર્ષથી ઓછી ઉંમરના લોકો માટે સૌથી વધુ લોકપ્રિય પસંદગી હતી અને બે ક્રેડિટ કાર્ડ રાખવા પસંદ કરે છે. ૩૦ વર્ષથી વધુ ઉંમરના ગ્રાહકોમાં સૌથી લોકપ્રિય સંયોજન ૨ ક્રેડિટ કાર્ડ અને ૧ વ્યક્તિગત લોન છે. ૩૦ ટકા સ્વ-રોજગાર વ્યક્તિઓનો ક્રેડિટ સ્કોર ખરાબ હતો, જ્યારે માત્ર ૨૨ ટકા પગારદાર ગ્રાહકોનો સ્કોર ખરાબ હતો. પુરૂષ અને સ્ત્રી ગ્રાહકોના ક્રેડિટ હેલ્થમાં કોઈ તફાવત જોવા મળ્યો નથી. ૨૦ ટકા પુરૂષ ગ્રાહકોનો તો ૧૯ ટકા મહિલા ગ્રાહકોનો ક્રેડિટ સ્કોર સારો છે.