- SCનો મોહલત આપવાનો નનૈયો
- તમામ દોષીઓને રવિવાર સુધીમાં સરેન્ડર કરવા માટે સુપ્રીમ કોર્ટનો આદેશ
- દોષીઓએ અરજીમાં આપેલાં કારણો સરેન્ડર કરતા રોકી ન શકે : સુપ્રીમ કોર્ટ
સુપ્રીમ કોર્ટે બિલ્કિસ બાનુ કેસના તમામ 11 દોષીઓને રવિવાર સુધીમાં સરેન્ડર કરવાનો આદેશ આપ્યો છે. કોર્ટે વધુ મોહલત આપવાની દોષીઓની અરજી ફગાવી દીધી છે. ઉલ્લેખનીય છે કે 2002ના ગુજરાતના કોમી રમખાણો દરમિયાન બિલ્કિસ બાનુ પર ગેંગરેપ કરીને તેમના પરિવારના સાત સભ્યોની હત્યાના કેસમાં 10 દોષીઓએ સુપ્રીમ કોર્ટમાં ગત બુધવારે અરજી દાખલ કરીને આત્મસમર્પણ કરવા માટે વધારે સમય આપવાની વિનંતી કરી હતી. શુક્રવારે દોષીઓની અરજી ફગાવતા ન્યાયમૂર્તિ બીવી નાગરત્નાની અધ્યક્ષતા હેઠળની બેન્ચે દોષીઓને આગામી રવિવાર સુધીમાં જેલ પરત ફરવાનો આદેશ આપ્યો છે. ન્યાયમૂર્તિ બીવી નાગરત્ના અને ઉજ્જવલ ભુઇયાંની બેન્ચે કહ્યું હતું કે દોષીઓએ પોતાની અરજીમાં વધારે સમય આપવા માટે જે કારણ દર્શાવ્યા છે, તેમાં કોઇ દમ નથી અને આ કારણો તેમને સરેન્ડર કરતા ના રોકી શકે. આ પહેલા દોષીઓ વતી હાજર થયેલા વકીલોએ એક-એક કરીને પોતાની અરજીઓ બેન્ચ સામે રજૂ કરી હતી. જેમાં ઘડપણ, આરોગ્ય સમસ્યાઓ, સર્જરી અને વૃદ્ધ માતા-પિતાની સારસંભાળથી માંડીને શિયાળુ પાકની કાપણી અને પરિવારની જવાબદારી જેવા કારણો ગણાવ્યા હતા. અરજી જોયા બાદ કોર્ટે કહ્યું હતું કે અમે તમને પહેલા જ બે અઠવાડિયાનો સમય આપ્યો હતો જેથી તમે તમારા કામો પૂરા કરી શકો. ગત ગુરુવાર સુધીમાં કેસના 10 દોષીઓએ સરેન્ડરની મુદ્દત વધારવાની અરજી કરી હતી.
ગુજરાત સરકારે સત્તાનો દુરુપયોગ કર્યો
બેન્ચે કહ્યું હતું કે અમારે અન્ય મુદ્દાઓ પર જવાની જરૂર નથી. કાયદાના શાસનનો ભંગ થયો છે કારણ કે ગુજરાત સરકાર પાસે જે પાવર નહોતો તેને પણ તેણે પોતાના હાથમાં લીધો હતો અને તેનો દુરુપયોગ કર્યો હતો. આ આધાર પર છૂટના આદેશ પણ રદ કરાવા યોગ્ય છે. અમે ગુજરાત સરકાર દ્વારા શક્તિના દુરુપયોગને આધારે છૂટના આદેશને પણ રદ કરીએ છીએ. આ પહેલા દોષીઓએ આત્મસમર્પણની સમયમર્યાદા વધારવા માટે ખરાબ આરોગ્ય, સર્જરી, પુત્રના લગ્ન, ઊભા પાકની કાપણી જેવા કારણોનો હવાલો આપ્યો હતો. તમામ દોષીઓની સરેન્ડરની મર્યાદા 21 જાન્યુઆરીએ સમાપ્ત થાય છે.


