- દાયકાઓ સુધી મૂળિયા ઊંડા ઉતારવા મોદીએ ઝીણુંઝીણું કાંત્યું
- મધ્યપ્રદેશ અને રાજસ્થાન, છત્તીસગઢમાં ‘ગુજરાત મોડલ’ આગળ વધ્યુ
- દિલ્હીમાં કોંગ્રેસની આગેવાનીમાં UPA સરકાર હતી
પહેલા અનામત આંદોલનો, ભ્રષ્ટ્રાચાર, લાગવગશાહી અને બાદમાં કોવિડ- 19ની મહામારીને કારણે સર્જાયેલી અરાજકતામા છાશવારે ઉત્પન્ન થતી ‘એન્ટિઈન્કમ્બ્સી’ અર્થાત સરકાર- સત્તાવિરોધી લહેરને તોડી પાડવા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સપ્ટેમ્બર- 2021માં ગુજરાતમાં મુખ્યમંત્રી સહિત આખેઆખી સરકારને બદલી ભાજપમાં નવીપેઢીને સત્તાહસ્તાંરણ કરાવ્યું હતું. બરાબર એ જ રીતે મધ્યપ્રદેશ અને રાજસ્થાન, છત્તીસગઢમાં ‘ગુજરાત મોડલ’ આગળ વધ્યુ છે. જ્યાં મુખ્યમંત્રીપદ માટે પોતાનો જ પ્રથમ અધિકાર હોવાની છાપ ઉપસાવતા મોટા નેતાઓને સાઈડલાઈન કરી દેવાયા છે. સાવ નવા પણ રાષ્ટ્રીય સ્વંય સેવક સંઘ- RSS સંલગ્ન પુષ્ઠભૂમિમાંથી આવતા અને ભાજપમાં પાયાના કાર્યકર તરીકે જાણિતા નવી પેઢીને સત્તાનું સુકાન સોંપાયુ છે. મુખ્યમંત્રી તરીકે પસંદગી કરાઈ છે. જેથી પૂર્વકાળના મુખ્યમંત્રી સહિતના નેતાઓ સામે ઘટ્ટ થયેલી અપ્રિયતાને કાળની ગર્તતામાં ઘકેલી ભાજપના મુળિયા વધુને વધુ ઊંડા કરી શકાય. ‘સંદેશ’ સાથેની વાતચીત દરમિયાન ગુજરાત ભાજપના જાણકારોએ કહ્યુ કે, ”વર્ષ 2007માં અને ત્યારબાદ અહીં પણ એન્કાઉન્ટ કેસ, ગોધરાકાંડ સંલગ્ન તપાસ પંચો લઈને ડાર્કઝોન, સિંચાઈનું પાણી, સેઝ માટે જમીન સંપાદન સહિત અનેક મોરચે આંદોલનો ચાલી રહ્યા છે. તેની વચ્ચે સ્થાનિક પ્રભૂત્વ ધરાવતા ભાજપના જ નેતાઓ ભાજપની સામે હતા. દિલ્હીમાં કોંગ્રેસની આગેવાનીમાં UPA સરકાર હતી ત્યારે મુખ્યમંત્રી રહેતા નરેન્દ્ર મોદીએ વર્ષ 2010માં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાની ચૂંટણી વખતે આવી એન્ટિઈન્કમ્બ્સીને ખાળવા નવા ચેહરોને ટિકિટો આપીને ભાજપમાં નવી પેઢી માટે સત્તાનું હસ્તાંતરણ કરાવ્યુ હતુ. એ જ પ્રયોગ સપ્ટેમ્બર- 2021માં ગુજરાતમાં મુખ્યમંત્રી સમેત આખુ મંત્રીમંડળ બદલીને કર્યો. નવી પેઢી ઉતારવા પાછળ દાયકાઓ સુધીના ભાજપના મુળિયા ઊંડા કરવાનું તેમણે ઘુંટેલા ગણિતને તેમણે તાજેતરમાં ત્રણેય રાજ્યોમાં આગળ કર્યુ છે” આમ, ‘ચહેરો બદલો અને એન્ટિઈન્કમ્બસી તોડો’ એ સિધ્ધાંતે મોદીએ ગુજરાતમાં ભાજપને તો મજબૂત કર્યુ જ છે, હવે બાજુના રાજ્યોમાં પણ આ સિદ્ધાંતથી વિચારધારાનો વધુ વિસ્તાર કરશે તેમ મનાય છે.
સ્થાનિક સ્તરે પ્રભુત્વની ‘સાડાબારી’રાખ્યા વગર ત્રણેય CM પસંદ કર્યાં
એક સમયે સમાજજીવનમાં ઉપલા વર્ગના પરંતુ, સ્થાનિક પ્રભૂત્વ ધરાવતા જ્ઞાતિજુથોના નેતાઓનો પક્ષ ગણતા ભાજપે છેલ્લા એક દાયકામાં અનેક રાજ્યોમાં પોતાનો ખીલો મજબૂત કરવા અનેકવિધ પ્રયોગો કર્યા છે. હરિયાણામાં જાટના બદલે પંજાબી મુળના મનોહર ખટ્ટરની પસંદગીનો પ્રયોગ ભાજપને ફળ્યો, જ્યાં મુખ્યમંત્રીપદે ખટ્ટરની બીજી ટર્મ છે. કોંગ્રેસની મજબૂત પકડ ધરાવતી વોટબેંક, ક્ષેત્રોમાં ભાજપની સ્થિતિને મજબૂત કરવા સ્થાનિક સ્તરે પ્રભૂત્વની પરવાહ કર્યા વગર ઝીંણુઝીણું કાંતિને ત્રણ રાજ્યોમાં મોદીએ મુખ્યમંત્રી પસંદ કર્યાનું ચિત્ર ઉપસ્યુ છે. જેથી ઉત્તર, મધ્ય અને પશ્ચિમ ભારતમાં જ્યાં હિંદુત્વ આધારિત રાજનીતિ છે ત્યાં દાયકાઓ સુધી શાસન કાયમ રહે તો નવાઈ નહી ! મધ્યપ્રદેશના યાદવથી ચારેક રાજ્યોને સંકેત : પહેલીવાર પશુપાલન આધારિત જ્ઞાતિસમૂહના મોહન યાદવ (OBC)ને મુખ્યમંત્રી તરીકે પસંદ કરીને ઉત્તરપ્રદેશ, મધ્યપ્રદેશ, રાજસ્થાન, ગુજરાત, મહારાષ્ટ્રમાં આ સમૂહ અને તેના નવા નેતૃત્વને ભાજપ તરફ આકર્ષિત કરવા પ્રયાસ કર્યો છે. છત્તીસગઢમાં પ્રથમ આદિવાસી મુખ્યમંત્રી : કોંગ્રેસની સરકારો પણ આદિવાસીને મુખ્યમંત્રી તરીકે મૂકી શકતી નહોતી ! ભાજપ વિષ્ણુદેવ સાયને પંસદ કરીને પોતાની સરકારો ધરાવતા રાજ્યોમાં પ્રથમ અને એકમાત્ર આદિવાસી મુખ્યમંત્રી તરીકે રજુ કરીને આદિવાસી મતોને અંકે કરશે ! રાજસ્થાનમાં બ્રાહ્મણ, ક્ષત્રિય, SC સંયોજન : ભાજપે પહેલીવાર અહીં મુખ્યમંત્રી તરીકે બ્રાહ્મણ અને બે ઉપમુખ્યમંત્રી પૈકી રાજવી, ક્ષત્રિય પરિવારમાંથી મહિલા અને અનુસૂચિત જાતિ- SCનું સંયોજન રચીને રાજસ્થાનમાં રૂઢિચુસ્ત સમાજજીવનને સમાનતાના સિદ્ધાંતે સંતુલિત કરવા પ્રયત્ન કર્યો છે.


