- ATSના હાથ ટૂંકા પડયા કે જાણીજાઈને પાડયા ? આ મુદ્દો પોલીસબેડામાં ચર્ચાનો વિષય
- 26મી જાન્યુઆરીએ 12.35એ FIR થઇ, તરલ ભટ્ટ સાંજના 5.11 સુધી વોટ્સએપ પર એક્ટિવ
- તોડકાંડ કેસ અંગે મગનું નામ મરી પાડવા તપાસ અધિકારી ડીવાયએસપી શંકર ચૌધરી તૈયાર નહીં
પાતાળમાંથી આંતકીઓને શોધી લાવનાર તેમજ કરોડોનું ડ્રગ્સ પકડીને ગુજરાત એટીએસ વાહવાહી અવાર નવાર મેળવી હોય છે ત્યારે આ જ એટીએસના હાથ વિવાદીત તરલ ભટ્ટને પકડવા માટે ટૂંકા પડયા છે. ફરિયાદ નોંધી છતાં પાંચ કલાક સુધી પીઆઇ તરલ ભટ્ટ ઓનલાઇન રહ્યા છતાં તપાસ એજન્સી તેમજ જૂનાગઢ પોલીસ વિવાદીત તરલ ભટ્ટની શોધીને પકડી શકી ન હતી. બીજી તરફ, તોડકાંડ કેસ અંગે ATSના ડીવાયએસપી તેમજ તપાસ અધિકારી શંકર ચૌધરી મગનું નામ મરી પાડવા તૈયાર નથી.
જૂનાગઢ તોડકાંડની ફરિયાદ વિવાદીત પીઆઇ તરલ ભટ્ટ, SOG પીઆઇ એ.એમ.ગોહિલ અને ASI દિપક જાની વિરુદ્ધ 26મી જાન્યુઆરીને બપોરે 12.35 વાગ્યાની આસપાસ નોંધાતા સમગ્ર પોલીસબેડામાં ભારે હલચલ મચી ગઇ હતી. જેથી બન્ને પીઆઇ અને ASI ત્રણેય ભૂગર્ભમાં ઉતરી ગયા હતા. આમ છતાં, વિવાદીત પીઆઇ તરલ ભટ્ટ બિન્દાસપણે 26મી સાંજના 5.11 વાગ્યા સુધી વોટ્સએપ પર ઓનલાઇન રહીને ઉપયોગ કરી રહ્યા હતા. બીજી તરફ, વિવાદ વધતાં રાજય પોલીસ વડાએ ATSને તપાસ સોંપી હતી. જો કે, તરલ ભટ્ટ ભૂગર્ભમાં જતા પહેલા ATSમાં ફરજ બજાવતા એક પીએસઆઇ જે તેઓના ખૂબ જ અંગત છે. આ PSI સતત તરલ ભટ્ટને તપાસ અંગે અપડેટ આપી રહ્યા છે તેમજ જાંબાઝ ATSના હાથ ટૂંકા પડયા કે તોડકાંડનું ભિનું સંકેલવા જાણી જોઇને ટૂંકા પાડયા ? આ મુદ્દો પોલીસબેડામાં ચર્ચાનો વિષય બન્યો છે. આ ઉપરાંત, તપાસ અધિકારી Dy.Sp શંકર ચૌધરી પણ જાણે જુનિયર PI તરલ ભટ્ટને બચાવી રહ્યા હોય તેમ તેઓ કેસ અંગે મગનું નામ મરી પાડવા તૈયાર નથી. મહત્વનું છે કે, તરલ ભટ્ટ અગાઉથી કોલ સેન્ટરના માસ્ટરમાઇન્ડ વિશાલ પંડયા સાથે ઘરોબો ધરાવે છે તેની જાણ ઉચ્ચ અધિકારીઓની હોવા છતાં તેમની સામે ક્યારે પણ કોઇ કાર્યવાહી કરવામાં આવી નથી. ફરીથી એક વખત તોડકાંડ કેસમાં પણ વિશાલ પંડયા અને તેના ભાઇનું નામ ખુલ્યુ છે ત્યારે શું એટીએસ આ બન્નેની પૂછપરછ કરશે કે નહીં તે આગામી દિવસોમાં જોવુ રહ્યુ.


