- IPS અધિકારી સંપત કુમારને 15 દિવસની જેલની સજા
- મહેન્દ્ર સિંહ ધોનીએ કોર્ટમાં માનહાનિનો દાવો કરીને કેસ કર્યો
- ફેંસલો ધોનીના પક્ષમાં આવ્યો
મદ્રાસ હાઈકોર્ટે મહેન્દ્ર સિંહ ધોનીના પક્ષમાં મોટો નિર્ણય સંભળાવ્યો છે. હાઈકોર્ટે IPS અધિકારી સંપત કુમારને 15 દિવસની જેલની સજા ફટકારી છે. IPSએ ધોની પર ફિક્સિંગમાં સામેલ હોવાનો આરોપ લગાવ્યો હતો. મદ્રાસ હાઈકોર્ટે અવમાનના કેસમાં પોતાનો ચુકાદો આપ્યો છે.
ધોનીએ કોર્ટમાં માનહાનિનો દાવો કર્યો
જસ્ટિસ એસએસ સુંદર અને સુંદર મોહનની બેન્ચે આ કેસની સુનાવણી કરી હતી. કોર્ટે સજાને 30 દિવસ માટે સ્થગિત કરવાનો વિકલ્પ આપ્યો, જેના પર સંપત કુમારને અપીલ દાખલ કરવાની તક મળી. મહેન્દ્ર સિંહ ધોનીએ કોર્ટમાં માનહાનિનો દાવો કરીને કેસ દાખલ કર્યો હતો.
ધોનીએ કર્યો હતો માનહાનીનો કેસ
ધોનીએ પોતાની અરજીમાં ભારતની એક મોટી મીડિયા સંસ્થા તથા સંપત કુમાર વગેરે વિરૂદ્ધ કેસની સુનાવણી કરવાની વિનંતી કરી હતી. આ વાત મદ્રાસ હાઈકોર્ટે સ્વીકારી હતી. 2013 IPLમાં સટ્ટાબાજી અને મેચ ફિક્સિંગમાં ધોનીની સંડોવણી અંગે નિવેદનોને કારણે કેસ દાખલ કરવામાં આવ્યો હતો. ધોનીએ માંગ કરી હતી કે તેની વિરૂદ્ધ અપમાનજનક નિવેદનો પ્રસારિત ન કરવા જોઈએ. તેમાં સંપત કુમાર પણ હતો. આ પહેલા કોર્ટે મીડિયા હાઉસ, સંપત કુમાર અને અન્ય લોકોને ધોની વિરૂદ્ધ નિવેદન ન આપવા જણાવ્યું હતું. કોર્ટે તેના પર પ્રતિબંધ મુકવાનો નિર્ણય કર્યો હતો.
IPS સંપત કુમારને સજા
મીડિયા હાઉસે ધોનીના કેસમાં કોર્ટમાં પોતાનું લેખિત નિવેદન રજૂ કર્યું હતું. આ પછી ધોનીએ સંપત વિરૂદ્ધ અરજી દાખલ કરી હતી. જેમાં કોર્ટના તિરસ્કારનો કેસ ચલાવવાની વિનંતી કરવામાં આવી હતી. કોર્ટે પણ આ કેસની સુનાવણી કરવાનું પસંદ કર્યું અને હવે આઈપીએસ કુમારને સજાની જાહેરાત કરી છે. પીઆર રમન ધોનીને કાનૂની સમર્થન આપવા માટે ત્યાં હતા, તેમણે કોર્ટમાં ધોનીનો પક્ષ રજૂ કર્યો. જો કે આ મામલામાં સમય લાગી ગયો પરંતુ હવે ફેંસલો ધોનીના પક્ષમાં આવ્યો છે. સંપત કુમારને કોર્ટની અવમાનના બદલ સજા આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.


