સ્ટેટસક્વોની સ્થિતિ જાળવી રાખવા બદલ ફટકાર : હાઇકોર્ટે તા.૨૫ જુલાઇ સુધીમાં સીટ, કોર્પોરેશનની કામગીરી શાળાઓમાં ફાયર સેફટી સહિતના વિવિધ અહેવાલો પણ માંગ્યા
પૂર્વ ટીપીઓ મનસુખ સાગઠીયાની ધરપકડ કર્યા બાદ ત્રણ-ત્રણ સીટની રચના અને તપાસ છતાં કોઇ મુખ્ય આરોપીઓ સુધી તપાસ સમિતિ પહોંચી શકી નથી તે મામલે હવે વધુ એક વખત હાઇકોર્ટે ગુજરાત સરકારને ફટકાર લગાવી છે. ગુજરાત સરકારે સાગઠીયા સુધી અટકી ગયેલી તપાસ પદાધિકારીઓ અને અન્ય સુત્રધારો સુધી પહોંચી નથી તેનો આડકતરો ઉલ્લેખ કરી સરકારને સ્ટેટસક્વોની સ્થિતિ જાળવી રાખવા બદલ કાન ખેંચ્યો છે. હાઇકોર્ટે તમામ એજન્સીઓની તપાસનો રિપોર્ટ ૨૫ જુલાઇ સુધીમાં રજૂ કરવા આદેશ કર્યો છે.
રાજકોટ ટીઆરપી ગેમ ઝોનમાં અગ્નિકાંડ કેસની સુઓમોટો પીઆઇએલ અને એડવોકેટ અમિત પંચાલ દ્વારા દાખલ કરાયેલી અરજીમાં રાજય સરકાર દ્વારા ત્રણ સભ્યોની ઉચ્ચ સ્તરીય સમિતિનો ફેકટ ફાઇન્ડીંગ રિપોર્ટ સીલબંધ કરવામાં ગુજરાત હાઇકોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. ચીફ જસ્ટીસ સુનિતા અગ્ર્વાલ અને જસ્ટિસ પ્રણવ ત્રિવેદીની ખંડપીઠે જણાવ્યું હતું કે રિપોર્ટ જોયા બાદ અદાલત યોગ્ય હુકમ કરશે. બીજી બાજુ હાઇકોર્ટે ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડમાં સરકારને સીધો સવાલ કર્યો હતો કે સીટનો રિપોર્ટ કયાં છે….? એમ કહીને સરકારને આગામી મુદતે સીટનો રિપોર્ટ રજૂ કરવા હુકમ કર્યો હતો. સાથે સાથે રાજયની આવી કરુણ દુર્ઘટનાઓને લઇ તમામ મ્યુનિસિપલ કોર્પોરેશનોની કામગીરીની તપાસ અંગેનો રિપોર્ટ અને રાજયની શાળાઓમાં ફાયર સેફટીની સુવિધા અંગેનો રિપોર્ટ હાઇકોર્ટે પણ માંગ્યો હતો. સરકાર તરફથી આ તમામ અહેવાલો તા.૨૫મી જુલાઇના રોજ આગામી મુદ્દતે રજૂ કરવાની તૈયારી બતાવાઇ હતી.
આજે ટીઆરપી ગેમઝોન અગ્નિકાંડની સુનાવણી દરમિયાન હાઇકોર્ટે ફરી એકવાર રાજય સરકાર અને સત્તાવાળાઓને ચેતવણી આપી હતી કે અમુક લોકો સામે પગલા લેવાય અને પછી જૈસેથેની સ્થિતિ થઇ જાય છે તેવું આ વખતે ના થવું જોઇએ. ચેક એન્ડ બેલેન્સની સીસ્ટમ હોવી જોઇએ. કેટલાક લોકો સામે પગલાં લઇ પછી શાંતિ રાખવાની તેવું ના થવું જોઇએ. સમગ્ર મામલામાં જે કોઇ કસૂરવાર કે જવાબદાર હોય તેની સામે કોઇપણ જાતની શેહશરમ રાખ્યા વિના આકરી કાર્યવાહી કરો અગાઉ આ કેસમાં હાઇકોર્ટે શહેરી વિકાસ વિભાગના પ્રિન્સીપાલ સેક્કેટરીને કોર્પોરેશનના આવા મ્યુનિસિપલ કમિશનરો સહિતના જવાબદારો સામે આકરા પગલાં લેવા હુકમ કર્યો હતો. હાઇકોર્ટે સીટને સમાંતર ત્રણ સભ્યોની ઉચ્ચ સ્તરીય સમિતિની રચના કરવા અને તેને તપાસ પૂર્ણ કરી અહેવાલ રજુ કરવા હુકમ કર્યો હતો.
જેના અનુસંધાનમાં આજે શહેરી વિકાસ વિભાગના પ્રિન્સીપાલ સેક્રેટરી અશ્વિનીકુમારે સોગંદનામા સાથે આ સમિતિનો ફેકટ ફાઇન્ડિંગ રિપોર્ટ સીલબંધ કવરમાં હાઇકોર્ટ સમક્ષ રજુ કર્યો હતો. સરકાર દ્વારા જણાવાયું હતું કે ત્રણ સિનિયર સનદી અધિકારીઓ પી.સ્વરૂપ, રાજકુમાર બેનીવાલ અને શ્રીમતી મનીષા ચંદ્રા એમ ત્રણ સભ્યોની ઉચ્ચ સ્તરીય સમિતિ રચાઇ છેઅને તેના દ્વારા સમગ્ર મામલામાં ઝીણવટભરી તપાસ કરી તેનો ફાઇનલ રિપોર્ટ તા.3જી જુલાઇએ રજૂ કરાયો છે. જેમાં રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનના ટાઉન પ્લાનિંગ ડિપાર્ટમેન્ટના ફાયર ડિપાર્ટમેન્ટના અને પોલીસ તંત્રના કેટલાક અધિકારીઓ જવાબદાર હોવાનું સામે આવ્યું છે. સમિતિ દ્વારા કેટલાક મહત્વના સૂચનો પણ કરવામાં આવ્યા હતા. વધુમાં સમિતિ હાઇકોર્ટના નિર્દેશાનુસાર બહુ ગંભીરતાપૂર્વક અને બારીકાઇપૂર્વક તપાસ ચલાવી રહી છે અને સમગ્ર પ્રકરણમાં જે કોઇ દોષિત કે કસૂરવાર હશે તેને બક્ષવામાં આવશે નહી. સરકાર તરફથી જે અધિકારીઓએ આ મામલામાં ફરજમાં બેદરકારી કે નિષ્કાળજી દાખવી છે તેઓની સામે કડકમાં કડક પગલા લેવાની હાઇકોર્ટને ખાતરી આપવામાં આવી હતી. હાઇકોર્ટે સરકાર અને સત્તાવાળાઓ પાસે સીટ સહિત તમામ રિપોર્ટ માંગી કેસની વધુ સુનાવણી તા.૨૫મીએ જુલાઇએ રાખી હતી.