ઊર્જા વિશેનો વિચાર ઊર્જાની હકીકત કરતાં સાવ જુદો જ છે. સર્વોચ્ચ ગુણવત્તા ધરાવતી ઊર્જા કેવી રીતે મેળવવી તે વિશે આપણા મનમાં સૂત્રો અને સામાન્ય ધારણા છે. ઊર્જાની પોતાને ફરી નવીન અને તાજી બનાવવાની ક્ષમતા કે તેની ગુણવત્તા બદલવાની ક્ષમતા સૂત્રોથી તદ્દન અલગ બાબત છે. ઊર્જાની આ સર્વોચ્ચ ગુણવત્તા, એ સર્વોચ્ચ બિંદુ મનની એવી અવસ્થા છે કે જેમાં અસ્પષ્ટ વિચાર કે ધારણાને કોઈ સ્થાન જ નથી, કોઈ વિચારને પણ સ્થાન નથી અને તેમાં કોઈ દિશા કે પ્રેરક હેતુ પણ નથી હોતાં. એ શુદ્ધ, પરમ ઊર્જા છે. ઊર્જાની એ ગુણવત્તા મેળવી શકાતી નથી. તમે એમ ન કહી શકો કે, `સારું, તે કેવી રીતે પ્રાપ્ત કરવી તે કહો, તેને પ્રાપ્ત કરવાનો રસ્તો બતાવો.’ તેના સુધી પહોંચવા માટે કોઈ રસ્તો નથી. આપણે ખુદ એ ઊર્જાની પ્રકૃતિ શોધી કાઢવા માટે આપણી રોજેરોજ વેડફાતી ઊર્જાને સમજવાની શરૂઆત કરવી જોઈએ. આપણે વાતચીત કરીએ છીએ તે માટેની ઊર્જા, આપણે કોઈ પક્ષીને સાંભળીએ, કોઈ અવાજ સાંભળીએ, જ્યારે નદી જોઈએ ત્યારે, વિશાળ આકાશ અને ગામડાંના લોકોને જોઈએ, એ ગંદકી, કુપોષિત, અર્ધભૂખ્યા લોકોને જોઈએ અને એ સંધ્યા સમયનું વૃક્ષ કે જે દિવસનો પૂરો પ્રકાશ હરી લે છે. આ પ્રત્યેક બાબતનું નિરીક્ષણ કરવામાં તે જ ઊર્જાનો ઉપયોગ થાય છે. આ શારીરિક, રોજિંદી ઊર્જા, જે આપણામાં છે, તે ખોરાક, સૂર્યનાં કિરણો દ્વારા મેળવીએ છીએ. તે દેખીતી રીતે જ આપણી ઊર્જાને વધારે છે, વિકસિત કરે છે.
હકીકતને સાંભળવાની ક્રિયા મનને મુક્ત કરવાની ક્રિયા છે
કોઈ તમને કાંઈક કહે છે, તમે તે સાંભળો છો. આ સાંભળવાની ક્રિયા મુક્ત થવાની, હળવાફૂલ થવાની ક્રિયા છે. સાંભળવાની ક્રિયા, કોઈ બાબતને હકીકત તરીકે સમજવાની નિરીક્ષણની ક્રિયા વિચારના પ્રયત્ન વગરની એક અસાધારણ અસર ધરાવે છે. આપણે એક ઉદાહરણ લઈએ; જેમ કે, મહત્ત્વાકાંક્ષા. જે મન મહત્ત્વાકાંક્ષી હોય છે તે સહાનુભૂતિ દર્શાવવી એટલે શું, દયા રાખવી, પ્રેમ કરવો એટલે શું એ બધું ક્યારેય જાણી કે સમજી ન શકે. મહત્ત્વાકાંક્ષી મન ક્રૂર મન છે, ભલે પછી તે મહત્ત્વાકાંક્ષા આધ્યાત્મિક હોય કે ભૌતિક હોય, બાહ્ય હોય કે આંતરિક હોય. તમે તે સાંભળ્યું છે. તમે તે સાંભળો છો; જ્યારે તમે તે સાંભળો છો, ત્યારે તમે તેનું અર્થઘટન કરો છો અને કહો છો, `હું મહત્ત્વાકાંક્ષાથી ભરેલા આ વિશ્વમાં કેવી રીતે રહી શકું?’ તેનો અર્થ એ કે તમે સાંભળ્યું નથી. તમે માત્ર પ્રતિભાવ દર્શાવ્યો, તમે એક હકીકત સામે પ્રતિક્રિયા દર્શાવી તેથી તમે એ હકીકતને સમજી નથી રહ્યા. તમે એ હકીકતનું કેવળ અર્થઘટન કરો છો અથવા એ હકીકત વિશે કેવળ તમારો અભિપ્રાય દર્શાવો છો અથવા એ હકીકત સામે જવાબ આપો છો, પ્રતિભાવ દર્શાવો છો; તેથી તમે તે હકીકતને જોતા નથી. જો તમે તે હકીકતને સાંભળો, કોઈ પણ અર્થઘટન કર્યા વગર, પ્રતિભાવ દર્શાવ્યા વગર કે તેના વિશે કોઈ નિર્ણય કર્યા વગર જો તમે સાંભળો તો ચોક્કસપણે એ હકીકત એવી ઊર્જા ઉત્પન્ન કરે છે કે જે સંઘર્ષ ઉત્પન્ન કરતી મહત્ત્વાકાંક્ષાને ભૂંસી નાખે છે, નષ્ટ કરે છે.