ભારતભરમાં ભગવાન શંકરનાં એવાં ઘણાં મંદિરો છે જે ખૂબ જ પ્રાચીન છે. આ પ્રાચીન મંદિરોનું પણ અનેરું માહાત્મ્ય છે. તેમજ આ દરેક મંદિરનો ભવ્ય ઇતિહાસ છે. અલબત્ત, આ પૈકીનાં ઘણાં મંદિરોનું વર્ણન વેદ-પુરાણો અને શાસ્ત્રોમાં પણ જોવા મળે છે. મધ્ય પ્રદેશમાં એવાં ઘણાં પ્રાચીન મંદિરો છે જે ભવ્યાતિભવ્ય ઇતિહાસ ધરાવે છે. મધ્ય પ્રદેશમાં આવેલા ખજુરાહોના પરિસરમાં અઢળક પ્રસિદ્ધ મંદિરો જોવા મળે છે. આ પરિસરમાં આવેલું કન્દારિયા મહાદેવનું અનેરું ધાર્મિક મહત્ત્વ છે. આ મંદિરને અંગે એવી ધાર્મિક માન્યતા છે કે, અહીં જે કોઈ પણ ભક્ત સાચા મનથી મહાદેવનાં દર્શન કરવા આવે છે તેમની મનની ઇચ્છાઓ સત્વરે પૂરી થાય છે.
કન્દારિયા મહાદેવ મંદિરનો ઇતિહાસ
મધ્યકાલીન સમયમાં સૌથી આકર્ષક મંદિરોમાં કન્દારિયા મહાદેવ મંદિરનો સમાવેશ થાય છે. આ મંદિર ખજુરાહોના પરિસરમાં આવેલા સૌથી મોટા કહેવાતા મંદિર પૈકીનું એક મંદિર છે. આ મંદિરનું નિર્માણ ઈસવીસન 1025-1050માં ચંદેલ વંશના રાજા વિદ્યાધર દ્વારા કરવામાં આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે, આ મંદિર ખજુરાહોનું સૌથી મોટું અને વધુ ઊંચાઈ ધરાવતું ઉપરાંત સૌથી આકર્ષક કલાત્મક મંદિર છે જેને `ચતુર્ભુજ મંદિર’ તરીકે વિશેષ ઓળખવામાં આવે છે. નોંધનીય છે કે વર્ષ 1986માં આ મંદિરની વાસ્તુકલા અને અન્ય આકર્ષણ કોતરણીઓને ધ્યાનમાં લઇને તેની નોંધ યૂનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટ્સમાં પણ લેવામાં આવી હતી.
કન્દારિયા મહાદેવ મંદિરની સંરચના
- ખજુરાહોના પરિસરમાં આવેલા આ કન્દારિયા મંદિરની ઊંચાઈ અંદાજે 31 મીટર સુધીની છે. આ મંદિર ત્યાં આવેલાં મંદિરોમાં સૌથી મોટું મંદિર છે.
- આ મંદિરનું પરિસર પણ ખૂબ વિશાળ છે.
- આ મંદિરના પરિસરમાં કન્દારિયા મતંગેશ્વર અને વિશ્વનાથ મંદિર પણ આવેલું છે.
- આ મંદિરની વાસ્તુકલાની નોંધ વિશ્વભરમાં લેવાય છે.
- આ મંદિરમાં જે શિવલિંગ છે તે આરસપહાણનું બનેલું છે.
- ખજુરાહોના પરિસરમાં આવેલું આ મંદિર સૌથી પહેલાં નજરે ચડે છે, કારણ કે તેને 13 ફૂટ ઊંચા પ્લેટફોર્મ (ઓટલા) પર બનાવવામાં આવ્યું છે.
- કન્દારિયા મહાદેવના મંદિરનું નિર્માણ રાજપૂતોના વશંજો ચંદેલો દ્વારા કરવામાં આવ્યું હતું.
મંદિરમાં ઉત્સવોની પરંપરા
આ મંદિરમાં મહાશિવરાત્રી ઉત્સવ ખૂબ જ ધૂમધામથી અને સંપૂર્ણ ધાર્મિક રીતે ઉજવવામાં આવે છે. મહાશિવરાત્રીના થોડા દિવસ પહેલેથી જ મંદિરમાં ભક્તજનોની ભીડ ધીમે ધીમે વધતી જાય છે તેમજ મંદિરને પણ વિશેષ રીતે ફૂલ-હાર દ્વારા અને પાંદડાંઓથી સજાવવામાં આવે છે. જ્યારે શિવરાત્રીના દિવસે અહીં અસંખ્ય માનવમેદની ઉમટે છે. મંદિરના દર્શનાર્થે આવતા મોટાભાગના ભક્તો મહાશિવરાત્રીનો ઉપવાસ કરે છે અને ભગવાન શંકરનાં દર્શન કરીને ધન્યતા અનુભવે છે.
હિન્દુ ધર્મના અન્ય કેટલાક તહેવારોમાં પણ ભક્તજનો પૂરી શ્રદ્ધાથી અહીં ભગવાન શિવનાં ચરણોમાં પોતાનું મસ્તક નમાવે છે. હોળી-ધુળેટી, દશેરા અને દિવાળીમાં પણ અહીં ભારતભરમાંથી શ્રદ્ધાળુઓ ભોળાનાથનાં દર્શન કરવા આવે છે જ્યારે બીજી તરફ અહીં ખજુરાહો ડાન્સ ફેસ્ટિવલ પણ ઉજવાય છે. જેમાં દુનિયાભરમાંથી પ્રસિદ્ધ નર્તકો ભાગ લે છે. અહીં યોજાતા ડાન્સ ફેસ્ટિવલમાં કથક, ભરતનાટ્યમ, ઓડિસી, મણિપુરી જેવાં ભારતીય નૃત્યોનો સમાવેશ થાય છે. જેને જોવા વિશ્વભરમાંથી લોકો આવે છે.
કન્દારિયા મહાદેવ મંદિરની આસપાસનાં મંદિરો
માતા લક્ષ્મી અને વરાહ મંદિર
કન્દારિયા મહાદેવ મંદિરની આજુબાજુમાં ઘણાં મંદિરો આવેલાં છે. આ મંદિરોમાં માતા લક્ષ્મી અને વરાહના મંદિરનો સમાવેશ થાય છે. મૂળ આ બંને નાનાં મંદિરો છે જે ભગવાન વિષ્ણુને સમર્પિત છે.
લક્ષ્મણ મંદિર
આ મંદિરની બીજી તરફ લક્ષ્મણ મંદિર પણ આવેલું છે. ભારતભરનાં મંદિરોમાં આ લક્ષ્મણ મંદિરનું સૌથી અલગ મહત્ત્વ છે, કારણ કે આ મંદિરમાં જે પથ્થરોનો ઉપયોગ કરવામાં આવ્યો છે તે પથ્થરો ખૂબ જ જૂનાપુરાણા છે.
ભગવાન બ્રહ્મા અને હનુમાનજીનું મંદિર
જે ભક્તજનો પ્રાચીન મંદિરોની યાત્રા કરતા હોય છે તેમના માટે આ પરિસરમાં આવેલાં મંદિરો ખૂબ જ માહાત્મ્ય ધરાવે છે, કારણ કે અહીં આવેલું ભગવાન બ્રહ્મા અને હનુમાનજીનું મંદિર સૌથી જૂનામાં જૂનું મંદિર માનવામાં આવે છે.
વિશ્વનાથ અને નંદી મંદિર
આ મંદિરની સરખામણી કન્દારિયા મંદિર સાથે કરવામાં આવે છે. આ મંદિર પણ ભગવાન શિવને જ સમર્પિત છે. આ મંદિરની રચના અને વાસ્તુકલા અદ્ભુત છે.
પાર્શ્વનાથ મંદિર
ખજુરાહોમાં સૌથી વધુ પ્રભાવશાળી મંદિરોમાં પાર્શ્વનાથ મંદિરનો પણ સમાવેશ કરવામાં આવે છે. આ મંદિરનું નિર્માણ 10મી શતાબ્દીની મધ્યમાં ધનદેવના શાસનકાળ દરમિયાન કરવામાં આવ્યું હતું. આ મંદિરની કલાત્મક રચના અને કોતરણીઓ જોવા માટે માત્ર ભારતના જ નહીં પરંતુ વિશ્વભરના પર્યટકો પણ આવે છે.
દર્શન કરવાનો શ્રેષ્ઠ સમય
આમ તો કન્દારિયા મંદિરે તમે કોઈ પણ સમયે દર્શન કરવા જઇ શકો છો, પરંતુ ઓક્ટોબરથી લઇ ફેબ્રુઆરી મહિના સુધીનો સમય અહીં શ્રેષ્ઠ ગણાય છે. મૂળ અહીં શિયાળામાં આવવાનું વધારે અનુકૂળ ગણાય છે, કારણ કે ગરમીની ઋતુમાં અહીં ખૂબ જ ગરમી પડે છે તેથી ગરમી કરતાં ઠંડીની ઋતુમાં અહીં દર્શનાર્થે આવવું હિતાવહ ગણાય છે.
કેવી રીતે પહોંચશો?
ખજુરાહો સડકમાર્ગ અને હવાઈમાર્ગ દેશનાં મુખ્ય શહેરો સાથે જોડાયેલું છે. ખજુરાહોમાં ખજુરાહો નામે જ રેલવે સ્ટેશન છે જ્યાં મુખ્ય શહેરોથી મોટાભાગની ટ્રેન આવે છે. જ્યારે અહીં નજીકનું એરપોર્ટ ખજુરાહો એરપોર્ટ છે જે દેશનાં મુખ્ય શહેરો નવી દિલ્હી, ભોપાલ અને અન્ય રાજ્યોનાં નામી શહેરો સાથે જોડાયેલું છે. જો તમે ટ્રેન માર્ગે અહીં આવવા માંગતો હો તો ખજુરાહો રેલવે સ્ટેશન અંદાજે પાંચ કિમી. જ દૂર છે. તો બીજી તરફ સડકમાર્ગથી આવવા માટે પણ ભારતનાં મોટાં શહેરોની બસ અહીં સુધી આવે છે. અલબત્ત, મંદિરથી સડકમાર્ગ, રેલવે કે એરપોર્ટ ખૂબ જ નજીવા અંતરે છે જેથી તમે સરળતાથી મંદિર સુધી પહોંચી શકો છો.