ગંગા લોકો માટે બસ એક નદી જ નથી, તે ઘણી બધી વસ્તુઓ છે. તેને પવિત્ર માનવાનું કારણ એ છે કે સમયાંતરે કેટલાક લોકોએ નદીના અમુક ભાગોની પ્રાણ પ્રતિષ્ઠા કરી છે. જો તમે તેના માટે ખુલ્લા છો, તો તે ખૂબ શક્તિશાળી બની શકે છે. જોકે, આધ્યાત્મિકતા અને જીવનનાં આંતરિક પરિમાણો પ્રત્યેનો મારો અભિગમ ખૂબ વૈજ્ઞાનિક છે, તેમ છતાં નદીની પ્રકૃતિને કારણે હું ગંગા સાથે ભાવનાત્મક રીતે જોડાયેલા રહેવાનું ટાળી નથી શકતો. આ એવી વસ્તુ છે જેનું વર્ણન ન કરી શકાય. એક વ્યક્તિએ નદીને એક જીવંત શક્તિ તરીકે અનુભવવી જોઈએ.
આપણા શરીરનો 70 ટકા ભાગ પાણી છે અને જો જળાશયો એક ચોક્કસ ઊર્જાથી ભરપૂર હોય, તો આ જગ્યાઓ માનવ ચેતના પર ઘણી શક્તિશાળી અસર કરી શકે છે. આવી અસર ગંગાના પ્રારંભિક માર્ગમાં ચોક્કસ હાજર છે. બસ નદીની ઉપસ્થિતિમાં અને આસપાસના વિસ્તારોમાં હોવું એ એક અત્યંત ઉન્નત કરનારો ને ઊર્જાવાન અનુભવ છે.
છેલ્લા ત્રણ દાયકાઓમાં, ઘણી વખત ગોમુખ ખાતે ગંગાના ઉદ્ગમ સુધી, તપોવન અને શિવલિંગ પર્વત જેવા તેનાથી આગળનાં સ્થળોએ ટ્રેકિંગ કર્યું છે. એકવાર તમે આ જગ્યાઓ પર પહોંચો, તો ત્રણ દિવસ સુધી જમવાનું ન લો તો પણ, જો તમારી પાસે નદીનું થોડું પાણી હોય તો તમે હજુ પણ ટ્રેકિંગ કરી શકો છો. તે શરીરમાં નબળાઈ લાવ્યા વિના તમને આગળ વધારે રાખે છે. આ એવી વસ્તુ છે જે વારંવાર નોંધી છે અને ઘણા બીજા લોકોને પણ આવા અનુભવો થયા છે.
આજે વૈજ્ઞાનિકો પાણીનો અભ્યાસ કરી રહ્યા છે અને તેમાંથી કેટલાક કહી રહ્યા છે કે પાણીમાં સ્મૃતિ હોય છે. તે જેને પણ સ્પર્શ કરે છે તે બધું યાદ રાખે છે. આ વાત આપણે ભારતીય સંસ્કૃતિમાં હંમેશાંથી જાણીએ છીએ. આ કારણે પરંપરાગત ઘરોમાં લોકો તાંબાનું વાસણ રાખે છે જેને તેઓ રોજ ધોવે છે, તેની પૂજા કરે છે અને પછી જ તેમાં પીવાનું પાણી ભરે છે. મંદિરોમાં તેઓ તમને તીર્થ આપે છે, જેના માટે કરોડપતિ પણ લડે છે, કેમ કે તે પાણી તમે ક્યાંયથી ખરીદી નથી શકતા. તે એવું પાણી છે જે દિવ્યતાને યાદ રાખે છે. આ જ કારણ છે કે લોકો પોતાની સાથે ગંગાજળ લઈ જાય છે. ગંગા પવિત્ર ભૂમિમાંથી અને ખૂબ શક્તિશાળી રીતે પ્રાણ પ્રતિષ્ઠિત કરાયેલ સ્થળોમાંથી વહી છે, એટલે પાણીમાં તે સ્મૃતિ છે.
જ્યારે તમારા ઘરમાં કોઈ મરી રહ્યું હોય, તેમણે કદાચ આધ્યાત્મિક રીતે મહત્ત્વનું જીવન જીવ્યું ન હોય, પણ તેમના જીવનની છેલ્લી ક્ષણે જો તમે તેમના મોંમાં આ થોડાં ટીપાં નાખો, તો અચાનક તેમના શરીરમાં સ્મૃતિ ફૂટી નીકળે છે. જ્યારે કોઈ મરી રહ્યું હોય, ત્યારે શરીર સાથેનો તેમનો સંબંધ ખૂબ ઢીલો હોય છે અને જો તમે આ પાણી આપો, તો તરત જ તેઓ ખરેખર વાસ્તવમાં કોણ છે તેની સ્મૃતિ પ્રબળ બની જાય છે. નહીંતર મરતી વખતે પણ તેઓ તે જ વસ્તુઓ માટે તરસશે જેની તેઓ જીવતી વખતે ઈચ્છા કરતા હતા.
દુર્ભાગ્યે આજે એક નદી જેને આ સંસ્કૃતિમાં ખૂબ પવિત્ર સ્થાન આપવામાં આવ્યું છે, તે પ્રદૂષિત પાણી ધરાવતું જળાશય બની ગઈ છે. ઉત્તર ભારતના સંતો અને ઋષિઓ સહિત ઘણા ચિંતિત લોકો આ વિશે કંઈક કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે. આશા રાખું છું કે આપણે તેને માતા જેવા પાત્રની તેની નિર્મળ છબી પાછી મેળવવામાં મદદ કરી શકીશું જે બધાની અશુદ્ધિઓ શોષી લેવા અને તેમને સ્વચ્છ ભવિષ્ય આપવા સક્ષમ છે. આ નદીને સ્વચ્છ રાખવી બસ આપણા અસ્તિત્વ અને આપણી જરૂરિયાત વિશે નથી. માણસોની ભાવનાને ઉત્સાહિત અને ઉપર ઊઠેલી રાખવા માટે આવાં પ્રતીકો ખૂબ જરૂરી છે.
આવીજ પોસ્ટ વાંચવા માટે ક્લિક કરો


