સુહન્મિત્રાર્યુદાસીનમધ્યસ્થા દ્વેષ્યબધુષુ ।
સાધુસઃવપિ ચ પાપેષુ સમબુદ્ધિર્વિશિષ્યતે ॥ 6/9 ॥
અર્થ : હિતેચ્છુ, મિત્ર, શત્રુ, તટસ્થ, નિષ્પક્ષ મધ્યસ્થી, દ્વેષપાત્ર સ્વજનો, પવિત્ર અને પાપીઓ – સૌ પ્રત્યે જે સમાન ભાવ રાખે છે તે મનુષ્ય સૌથી ચઢિયાતો છે.
આ શ્લોકમાં જીવનમાં ચઢિયાતું કોણ? કોણ શ્રેષ્ઠ? એ પ્રશ્નનો અદ્ભુત અને સંતોષજનક જવાબ અપાયેલો છે. તમારે તમે જ્યાં છો ત્યાં શ્રેષ્ઠ થવું છે, ચઢિયાતા બનવું છે તો તેનો એક રામબાણ ઉપાય છે સમદૃષ્ટિ. સૌ પ્રત્યે સમતાનો ભાવ રાખીએ તો એ ભાવ વ્યક્તિને જીવનમાં ઉચ્ચતા બક્ષે છે. આ ઉચ્ચતા એટલે શું? કોઇ ઊંચો અને મોટો હોદ્દો? જી ના. આ ઉચ્ચતા એટલે અન્ય લોકોના મનમાં આપણા પ્રત્યેની માનની ભાવના. કોઈ આપણો મિત્ર હોય કે શત્રુ હોય, કોઇ તટસ્થ છે કે નથી, કોઇ પવિત્ર છે કે પાપી છે તેની પરવા કર્યા વિના આપણે સૌને એકસરખી દૃષ્ટિથી જ જોવાના છે. અમીર સગાંની આગતાસ્વાગતા વધારે સારી રીતે કરવી ને ગરીબ સગાંને જેમતેમ ચલાવી લેવું તેવી ભાવના રાખવાની નથી. કોઈ અન્ય આપણને માનની નજરે જુએ તો પછી આપણી પણ એ ફરજ થઈ જાય છે કે આપણા પ્રત્યેની એની માનભરી નજર – દૃષ્ટિ કાયમના માટે જળવાઇ રહે તેનું આપણે સતત ધ્યાન રાખવું જ પડે.
યોગી ઉજ્જીત સતતમાત્માનં રહસિ સ્થિત: II
એકાકિ યત્ચિતાત્મ: નિરાશીરપરિગ્રહ: II 6/10 II ”
અર્થ : યોગીએ એકલા એકાંત સ્થળમાં રહી મનને સદા ચીવટથી અંકુશમાં રાખી ઇચ્છામાત્ર અને સંગ્રહવૃત્તિને ત્યજી દઇ પોતાના મનને નિરંતર પરમાત્મામાં એકાગ્ર કરવું જોઈએ.
અહીં ભગવાને મનને પરમાત્મામાં કઈ રીતે એકાગ્ર કરી શકાય તેનો ઉપાય બતાવ્યો છે. મનને ઈશ્વરમાં એકાગ્ર કરવા માટે યોગીએ એકાંતમાં જવું જોઈએ, મનને નિયંત્રિત કરવું, ઇચ્છાઓનો ત્યાગ કરવો અને સંગ્રહવૃત્તિ ત્યજવી. આટલું તમે કરી શકો તો તમને ઈશ્વરનો સાક્ષાત્કાર થઇ જ જશે એવું શ્રીકૃષ્ણ પોતે અર્જુન મારફતે સમગ્ર જગતને કહી રહ્યા છે.
હવે એકાંતમાં રહેવા માટે આપણે દૂર દૂર જંગલમાં કે કોઇ ગુફામાં ચાલ્યા જવાની જરૂર નથી, તમે તમારા ઘરમાં વહેલી પરોઢે અથવા તો દિવસ દરમિયાન એકાંત મેળવી શકો જ છો. આ અવસ્થામાં તમારે તમારી ઇચ્છાનો ત્યાગ કરવાનો છે, કશુંક ધન, દર-દાગીના વગેરેનો સંગ્રહ કરવાની ભાવના પણ હંમેશ માટે જતી કરી દેવાની છે. જો તમે આવું ન કરી શકો તો તમને પ્રભુનો સાક્ષાત્કાર થઈ શકશે નહીં. સંગ્રહની વૃત્તિ મનુષ્યના મનમાં જન્મજાત અને સ્વાભાવિક રીતે પડેલી જોવા મળે છે. દેશમાં લાખો લોકો અને વેપારીઓ ઘણીબધી વસ્તુઓનો સંગ્રહ કરીને કૃત્રિમ અછત ઊભી કરીને વધારે નફો મેળવવા પ્રયત્નશીલ હોય છે તે આપણે સૌ જાણીએ છીએ. ભવિષ્યમાં સમાજમાં લોકો આવું બધું કરવાના છે તે બાબત ભગવાન જાણતા જ હોવાથી તેમણે ઇચ્છાઓ અને સંગ્રહવૃત્તિને ત્યજવાની વાત વર્ષો પહેલાં ભગવદ ગીતામાં આવરી લીધેલી છે.