- પત્થરના ઘા ઝીંકી અડધુ માથું છુંદી કેશરબાઈની હત્યા કરાઈ
- બોથડ પદાર્થના ઘા ઝીંકી હત્યા કરાયાનું જણાવ્યુ
- કેશરબાઈની ગોદળું વીંટાળેલી અને કોહવાઈ ગયેલી લાશ મળી આવી
રાજકોટ પડધરી તાલુકામાં પતિએ પત્નીની હત્યા કર્યા બાદ ચોંકાવનારી કબૂલાત કરી છે. ખોખરી ગામમાં મૂળ મધ્યપ્રદેશના સંતોષ રાધેશ્યામ બુડળીયાએ પત્ની કેશરબાઈની પત્થરોના ઘા ઝીંકીને ઘાતકી હત્યા કરી નાખી હતી. જે બાદ વાડીમાં જ પતિએ પત્નીની લાશ દાટીને ચાર બાળકોને લઇને ફરાર થઇ ગયો હતો.
કનકસિંહને ખેતરમાંથી કોઇ વિચિત્ર દુર્ગંધ આવતી
પડઘરી પોલીસે તેને ઝડપી પાડીને પૂછપરછ કરતા આ તમામ હકિકત સામે આવી છે. પોલીસની પૂછપરછમાં તેણે નિવેદન આપ્યું છે કે, ‘તેણે પત્નીની હત્યા નથી કરી પરંતુ તેના શરીરમાં પ્રવેશેલી આત્માએ પત્નીની હત્યા કરી છે. આરોપી જ્યાં કામ કરતો હતો તે કનકસિંહને ખેતરમાંથી કોઇ વિચિત્ર દુર્ગંધ આવતી હતી. જેથી તેણે પડધરી પોલીસને આ અંગેની જાણ કરી હતી. જેથી પોલીસે ત્યાં તપાસ શરૂ કરી હતી. આ ખેતરમાં ખોદકામ કરાવતાં કેશરબાઈની ગોદળું વીંટાળેલી અને કોહવાઈ ગયેલી લાશ મળી આવી હતી. આ જોતાની સાથે ત્યાં ઉભેલા તમામ લોકોના હોંશ ઉડી ગયા હતા. જે બાદ મૃતદેહને ફોરેન્સિક પોસ્ટમોર્ટમ માટે રાજકોટની સિવિલમાં ખસેડવામાં આવ્યો હતો. જયાં તબીબોએ બોથડ પદાર્થના ઘા ઝીંકી હત્યા કરાયાનું જણાવ્યુ હતુ.
પત્થરના ઘા ઝીંકી અડધું માથું છુંદી કેશરબાઈની હત્યા કરાઈ
પોલીસને વધુ તપાસમાં જાણવા મળ્યું કે, પત્થરના ઘા ઝીંકી અડધું માથું છુંદી કેશરબાઈની હત્યા કરાઈ છે. બીજી બાજુ તેનો પતિ સંતોષ બાળકો સાથે ગાયબ હતો. જેથી પોલીસને પતિ પર શંકા જતા તેની શોધખોળ શરૂ કરીને તેને ઝડપી પાડ્યો હતો. પોલીસની કડકાઇભરી પૂછપરછમાં આરોપી સંતોષે કહ્યું કે, તેણે પત્નીની હત્યા કરી નથી, તેના શરીરમાં પ્રેતાત્મા પ્રવેશ કરી ગઇ હતી અને તેને પત્નીની હત્યા કરી છે. પોલીસ તપાસમાં સામે આવ્યુ કે, આરોપી પતિએ ત્રીજી તારીખ અને રવિવારે પત્ની કેશરબાઈની હત્યા કરી નાખી હતી. ત્યારબાદ તે ચારેય સંતાનોને લઈ વતન જવા રવાના થઈ ગયો હતો. ઈન્દોર સુધી પહોંચી પણ ગયો હતો. પરંતુ ત્યાંથી જ્યાં કામ કરતો હતો તે કનકસિંહે તેને પાછો બોલાવ્યો હતો. જેથી તે પરત આવતા આ આખી વાત બહાર આવી હતી.
આરોપી મૂળ એમપીના બાગલી તાલુકાનો વતની
આરોપી મૂળ એમપીના બાગલી તાલુકાનો વતની છે. તેને સંતાનમાં ત્રણ પુત્ર અને એક પુત્રી છે. તે પરિવાર સાથે છેલ્લા ઘણાં સમયથી ખોખરી ગામમાં કનકસિંહ બહાદુરસિંહ જાડેજાની વાડીમાં કામ કરતો હતો. આરોપી એટલો ચાલાક હતો કે, તેણે કનકસિંહને ફોન કરીને કહ્યુ હતુ કે, તેની પત્ની કોઈની સાથે ભાગી ગઇ છે. જેથી પોલીસમાં કોઇ ઓળખતું હોય તો ફરિયાદ નોંધાવવાની પણ ઇચ્છા દર્શાવી હતી. જોકે, ખેતર માલિક અને પોલીસની સતર્કતાથી હત્યાનો ભેદ ઉકેલાઇ ગયો છે.


