સૂચિત કાયદાના વિરોધમાં નેશનલ પરમીટ ધરાવતાં ડ્રાઇવરોનો ચકકાજામ
ગોંડલ, રાજકોટ યાર્ડે ખેડૂતોને જણસ ન લાવવા જાહેરાત કરી
આગામી ૧ એપ્રિલથી હીટ એન્ડ રનના કેસમાં વાહનચાલક વાહન મૂકીને નાશી જાય તો તેને સાત વર્ષની કેદ અને દસ લાખ રૂપિયા સુધીનો દંડ કરતો સૂચિત કાયદો અમલી બનનાર છે. આ કાયદાના વિરોધમાં દેશભરમાંથી ખાસ કરીને ટ્રક વાહનોના ચાલકોએ હડતાલ શરૂ કરી છે. ગુજરાતમાં દસ લાખ ગુડઝ કેરેજ વાહનો છે. જેમાંથી હાલ પ૦ ટકા વાહનચાલકો આ હડતાલમાં જોડાયા હોવાથી અને ખાસ કરીને નેશનલ પરમીટ ધરાવતાં ગુજરાત બહારના રાજયોના ટ્રક વાહન ચાલકોની હડતાલને કારણે હવે માલપરિવહનને ગંભીર અસર પડવાની સંભાવના છે. રાજકોટ,ગોંડલ સહિતના માર્કેટીંગ યાર્ડોએ ચોકકસ જણસોની આવક બંધ કરી છે. ખેડૂતોને આ જણસો ન લાવવા આજથી જ જાહેરાત કરી દીધી છે.
ટ્રાન્સપોર્ટ સૂત્રોના જણાવ્યા મુજબ નેશનલ પરમીટ ધારક ટ્રક ચાલકોએ આગામી ચોથી તારીખે દેશવ્યાપી હડતાલનું આયોજન કર્યુ છે. જેની કોઇ જાહેરાત સતાવાર રીતે નથી થઇ. પરંતુ સૂત્રોના મતે આ દિવસો સુધીમાં ટ્રક વાહનો તેમના હોમસ્ટેટમાં ચાલ્યા જશે. બાદમાં નવી ટ્રીપનું બુકીંગ બંધ છે.


