ભારતીય પરંપરાના સ્વસ્તિક એટલે કે સાથિયાનું ખૂબ જ મહત્ત્વ છે. વહેલી સવારે ગૃહલક્ષ્મી ઘરના ઉંબરે કંકુ વડે સ્વસ્તિક બનાવતી હોય છે. આપણે ત્યાં કોઈ પણ ધાર્મિક કે માંગલિક વિધિમાં અથવા કોઈ પણ શુભ પ્રસંગોમાં સ્વસ્તિકની હાજરી અગ્રેસર હોય છે.
શુભ પ્રસંગ કે તહેવાર હોય ત્યારે ઘરના પ્રવેશદ્વાર પર બંને બાજુ લાલ રંગના સાથિયા ચીતરવામાં આવે છે. કોઈ પણ ઘર એવું નહીં હોય કે જ્યાં શુભ પ્રતીક સાથિયો જોવા ન મળે.
ઘણાં ધાર્મિક સ્થળે શુભ પ્રસંગો વખતે વિવિધ ધાન્યનો સ્વસ્તિક બનાવવામાં આવે છે. પરંપરામાં જેને આટલું મહત્ત્વ આપવામાં આવ્યું છે તે સ્વસ્તિકનાં ચિહ્નોનો અર્થ પણ સમજવો જરૂરી છે.
સ્વસ્તિક ચિહ્નમાં વત્તા એટલે કે ઉમેરવાનો સ્પષ્ટ સંકેત જોઈ શકાય છે. ગણિતશાસ્ત્રમાં આ ચિહ્નને પ્લસ એટલે કે કોઈ વસ્તુ કે સંખ્યામાં બીજી વસ્તુ કે સંખ્યા ઉમેરવી તેમ ગણવામાં આવે છે, જ્યારે પદાર્થ વિજ્ઞાનમાં આ ચિહ્નને પોઝિટિવ અને નેગેટિવ (હકારાત્મક અને નકારાત્મક તત્ત્વ)નું મિલન ગણવામાં આવે છે. જ્યારે પોઝિટિવ અને નેગેટિવ બંને તત્ત્વો મળે છે ત્યારે નવીન શક્તિનું નિર્માણ થાય છે. આમ સ્વસ્તિકના મુખ્ય ભાગ ક્રોસમાં નવીન શક્તિના ઉદયનો, સંપન્નતાનો અને પ્રસન્નતાનો સંકેત છે. આથી આ ચિહ્નને શક્તિના ઉદયનું ચિહ્ન ગણવામાં આવે છે.
ખૂબ જ અદ્ભુત વાત એ છે કે સ્વસ્તિકનું ચિહ્ન દુનિયાના મોટા ભાગના દેશોમાં જોવા મળે છે. એટલે કે આ ચિહ્ન સર્વસામાન્ય ચિહ્ન છે, કારણ કે તે ચારેય દિશાઓનો સંકેત આપે છે, સાથે શક્તિના સ્રોતનો પણ શુભ સંકેત આપે છે.
સ્વસ્તિકનો બીજા અર્થ સૌભાગ્ય પણ થાય છે. સ્વસ્તિક શબ્દ સ અને ઉપસર્ગપૂર્વક અસ ધાતુથી બન્યો છે. સ્ એટલે સાર, મંગળ, શ્રેષ્ઠ, કલ્યાણમય જ્યારે અસ એટલે સત્તા. આમ સ્વસ્તિકનો અર્થ બને છે કલ્યાણમય સત્તા. બીજા શબ્દોમાં કહીએ તો માંગલ્યનું અસ્તિત્વ. સ્વસ્તિક ચિહ્નમાં વિશ્વના મંગલમય વિકાસની ભાવના રહેલી છે.
સ્વસ્તિકને અતિ પ્રાચીન મનાય છે. માનવમાત્રના મંગલમય વિકાસ માટેનું આ ચિહ્ન ધાર્મિક અને વૈજ્ઞાનિક કસોટીમાં ખરેખર પાર ઊતરે છે. જૈન ધર્મમાં પણ સ્વસ્તિકનું ખાસ્સું મહત્ત્વ જોવા મળે છે. જૈન પુરુષો જ્યારે દેરાસરમાં જાય છે ત્યારે પ્રભુની સ્તુતિ કરતાં પહેલાં પાટલા ઉપર ચોખા વડે સ્વસ્તિક બનાવે છે, પછી જ ભક્તિની શરૂઆત કરે છે. જૈન સાધુઓ જ્યારે વિહાર કરીને એક નગરમાંથી બીજા નગરમાં પ્રવેશ કરે છે ત્યારે ચોખાના સાથિયાઓની હુગલી કરી તેઓને ચોખા વડે વધાવવામાં આવે છે. જૈન ધર્મમાં સ્વસ્તિકની ચાર પાંખોને ચાર ગતિના સંકેત સ્વરૂપ માનવામાં આવે છે. જે ચાર ગતિ આ પ્રમાણે છે. દેવગતિ, મનુષ્યગતિ, પશુ-પક્ષી-વનસ્પતિ ગતિ અને નરકની ગતિ. મનુષ્ય જેવાં કર્મ કરે છે તે પ્રમાણે તેની બીજા ભવમાં એટલે કે જન્મમાં આ મુજબની ગતિ મળે છે તેવું માનવામાં આવે છે. પાલિ ભાષામાં સ્વસ્તિકને સાક્ષી નામથી સંબોધિત કરવામાં આવ્યો છે. તેને સાક્ષિયો કર્મ: એટલે કે પ્રત્યેક શુભ અને મંગલમય કાર્યોમાં તે સાક્ષી તરીકે ઉપસ્થિત રહે. સાક્ષિયોનું અપભ્રંશ થઈને સાખિયો પછીથી સાથિયો થઈ ગયું હોવાનું મનાય છે.