શતાબ્દીઓ પહેલાં સિંધુ પ્રદેશમાં મિર્ખ શાહ નામનો એક રાજા રાજ કરતો હતો. તો ખૂબ જ દંભી અને અસહિષ્ણુ પ્રકૃતિનો હતો. તે હંમશાં પોતાની પ્રજા પર અત્યાચાર કરતો હતો. તેના શાસનકાળમાં સાંસ્કૃતિક અને જીવનમૂલ્યોનું કોઈ જ મહત્ત્વ નહોતું. આખો સિંધ પ્રદેશ રાજાઓના અત્યાચારથી ત્રસ્ત હતો. પ્રજાને આ ક્રૂર શાસકના અત્યાચારમાંથી મુક્તિ ઝંખતી હતી, પણ તેમને મુક્તિનો કોઈ માર્ગ મળતો નહોતો.
લોકકથાઓમાં આ વાત ઘણી પ્રચલિત છે કે મિર્ખ શાહ જ્યારે માનસિક ત્રાસ ગુજારવા માંડ્યો ત્યારે પ્રજાએ ઈશ્વરની શરણ લીધું. સિંધુ નદીના તટે ઈશ્વરનું સ્મરણ કર્યું તથા વરુણ દેવ ઉદેરોલાલે જલપતિના રૂપમાં મત્સ્ય પર સવાર થઈને દર્શન આપ્યાં ત્યારે આકાશવાણી થઈ કે ઈશ્વર નસરપુરના ઠાકુર ભાઈ રતનરાયના ઘરે માતા દેવકીની કૂખે જન્મશે અને તે બાળક સૌની મનોકામના પૂર્ણ કરશે.
સમય વીત્યો અને નસરપુરના ઠાકુર રતનરાયના ઘરે માતા દેવકીએ ચૈત્ર સુદ બીજ ને સંવત 1007ના રોજ એક બાળકને જન્મ આપ્યો. આ બાળકનું નામ ઉદયચંદ રાખવામાં આવ્યું. આ ચમત્કારિક બાળકના જન્મની જાણ જ્યારે મિર્ખ શાહને થઈ ત્યારે તેણે તે બાળકને પોતાનો અંત માનીને તેને સમાપ્ત કરી નાખવાની યોજના બનાવી. બાદશાહના સેનાપતિ દળ-બળ સાથે રતનરાયને ત્યાં પહોંચ્યા અને બાળકના અપહરણનો પ્રયત્ન કર્યો, પરંતુ મિર્ખ શાહની ફોજની તાકાત પાંગળી બની ગઈ. તેમને ઉદેરોલાલ સિંહાસન ઉપર બિરાજેલ દિવ્ય પુરુષનાં દર્શન થયાં. સેનાપતિઓ સઘળી હકીકત બાદશાહને જણાવી.
ઉદેરોલાલે કિશોર અવસ્થામાં જ પોતાનું ચમત્કારી પરાક્રમ દેખાડીને જનતાને વિશ્વાસ અપાવ્યો અને યુવાન બનતા જ જનતાને કહ્યું કે તે કોઈ પણ જાતના ડર કે ચિંતા વગર રહે અને કામ કરે. ઉદેરોલાલે બાદશાહને સંદેશો મોકલ્યો કે શાંતિ જ પરમ સત્ય છે, પરંતુ આ વાતને ચેતવણી માનીને બાદશાહે ઉદેરોલાલ પર આક્રમણ કર્યું. બાદશાહનો પરાજય થયો અને તેણે ઉદેરોલાલનાં ચરણોમાં સ્થાન માગ્યું. ઉદેરોલાલે સર્વધર્મ સમભાવનો સંદેશ આપ્યો. તેની અસરથી મિર્ખ શાહ ઉદયચંદનો પરમ શિષ્ય બનીને તેમના વિચારોના પ્રચારમાં જોડાઈ ગયો.
ઉપાસક ભગવાન ઝુલેલાલજીને ઉદેરોલાલ, ઘોડેસવારો, જિન્દપીર, લાલસાંઈ, પલ્લેવારો, જ્યોતિનવારો, અમરલાલ વગેરે નામથી પૂજવામાં આવે છે. સિંધુ ઘાટી સભ્યતાના લોકો ચૈત્ર માસના ચંદ્ર દર્શનના દિવસે ભગવાન ઝુલેલાલજીનો ઉત્સવ સંપૂર્ણ વિશ્વમાં ચેટીચંડ (ચેટીચાંદ)ના તહેવારના સ્વરૂપમાં પરંપરાગત હર્ષોલ્લાસ સાથે મનાવે છે.
ભગવાન ઝુલેલાલને જળ અને જ્યોતિનો અવતાર માનવામાં આવે છે. આથી કાષ્ટનું એક મંદિર બનાવવામાં આવે છે. જેને બરિહાણા સાહબ પણ કહેવામાં આવે છે. તેમાં એક લોટી વડે જળ અને જ્યોતિ પ્રજ્વલિત કરવામાં આવે છે. આ મંદિરને શ્રદ્ધાળુઓ ચેટીચંડના દિવસે પોતાના માથા પર ઊંચકીને ભગવાન વરુણદેવનું સ્તુતિગાન કરે છે તથા સમાજનું પરંપરાગત છેજ નૃત્ય કરે છે. ઝૂલેલાલ ઉત્સવ ચેટીચંડને સિંધી સમાજ સિંધી દિવસ તરીકે ઉજવણી કરે છે. આ ઉત્સવ સર્વધર્મ સમભાવના પ્રતીક સમાન છે.
ઝુલેલાલને જળના દેવતા પણ કહેવામાં આવે છે. ચેટીચાંદ સાથે અનેક દંતકથા જોડાયેલી છે. તેમાંની એક એ પણ છે કે સિંધી સમાજ સામાન્ય રીતે વ્યાપાર સાથે જોડાયેલો હોય છે. સિંધી વેપારી જ્યારે સમુદ્ર પાર વેપાર કરવા જતાં ત્યારે તેમને અનેક કુદરતી આફતો અને લૂંટફાટનો સામનો કરવો પડતો હતો, તેથી સિંધી સમાજની સ્ત્રીઓ જળના દેવતા ઝુલેલાલને પ્રાર્થના કરતી અને પતિની સલામતી માટે ઝુલેલાલની માનતા રાખતી. જ્યારે પતિ સકુશળ ઘરે પાછા આવતાં ત્યારે ચેટીચાંદ ઉત્સવના રૂપમાં મનાવવામાં આવતો, માનતા પૂરી કરવામાં આવતી, ભંડારા કરવામાં આવતા. સિંધી સમાજના લોકો સિવાય સમુદ્રકિનારે વસતા લોકો પણ ઝુલેલાલને બહુ શ્રદ્ધા સાથે માને છે.