- વોરંટ વિના HCના મહિલા વકીલને ત્યાં દરોડા પાડી દસ્તાવેજો જપ્તીનો કેસ
- અસીલોના ખાનગી દસ્તાવેજો કેવી રીતે લઈ શકે, આમ તો કોઈ સલામત ન રહી શકે’
- હાઇકોર્ટે તમામ પક્ષકારોને સાંભળ્યા બાદ IT ડિપાર્ટમેન્ટને હુકમ કર્યો
અધિકૃત વોરંટ વિના ગુજરાત હાઈકોર્ટમાં પ્રેકટીસ કરતી મહિલા વકીલની પ્રિમાઇસીસમાં દરોડો પાડી ત્યાંથી મનસ્વી રીતે ડિજિટલ અને ફીઝીકલ દસ્તાવેજો અને ફઇલો જપ્ત કરવાના પ્રકરણમાં ગુજરાત હાઇકોર્ટે આવકવેરા વિભાગ તરફ્થી હાજર થતાં વકીલને બહુ સણસણતા સવાલ કર્યા હતા કે, ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટ કેવી રીતે કોઇ એડવોકેટની પ્રિમાઇસીસમાંથી કાગળો-દસ્તાવેજો જપ્ત કરી શકે? શું ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટ એ પોલીસ છે? વકીલ પાસે તેના અસીલોના ખાનગી દસ્તાવેજ હોય છે, તે આવકવેરા વિભાગ તેની પાસેથી કેવી રીતે લઇ જઇ શકે? આવતીકાલે તમે પણ સલામત નહી રહો. આ તો ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટ દમનકારી સત્તા અખત્યાર કરી રહ્યું હોય તેવું ચિત્ર સામે આવી રહ્યું છે. જો આમ કરવાની મંજૂરી અપાય તો તો કાલ ઉઠીને કોઇપણ માણસ સુરક્ષિત કે સલામત નહી રહી શકે. હાઇકોર્ટે ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટની કાર્યવાહી પરત્વે ભારોભાર નારાજગી વ્યકત કરી હતી. હાઇકોર્ટે મહિલા વકીલની ઓફ્સિમાંથી જપ્ત કરાયેલ દસ્તાવેજોના દૂરપયોગ કરવામાં નહી આવે તે સંદર્ભે સોગંદનામું રજૂ કરવા પણ ઇન્કમટેક્સ ડિપા.ને નિર્દેશ કર્યો હતો.
આ કેસમાં ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટના બચાવમાં સુપ્રીમ કોર્ટના એડિશનલ સોલીસીટર જનરલ એન.વેંકટરામને આઇટી ડિપા.નો બચાવ કરતાં જણાવ્યું કે, વકીલના ત્યાં રેડ પાડવામાં કોઇ ઇરાદાપૂર્વક ટાર્ગેટ કરાયું નથી પરંતુ કરચોરી શોધવાના ભાગરૂપે કાર્યવાહી કરાઈ હતી. અમારી તપાસનો હેતુ અન્ય કોઇ હોઇ જ ના શકે. અરજદાર પક્ષ તરફ્થી હાઇકોર્ટનું ફરી ધ્યાન દોરાયું હતું કે, બંદૂકની અણીએ કેવી રીતે કોઇ મહિલા વકીલની પ્રિમાઇસીસમાંથી ગેરકાયદે રીતે દસ્તાવેજો લઇ જઇ શકે અને તેને અટકાયતમાં રાખી શકે? એટલે સુધી કે, મહિલા વકીલને હાઇકોર્ટ પણ જવા દેવાયા ન હતા, તેથી આ એક ગેરકાયદે અટકાયત જ નહી પરંતુ રાઇટ ટુ પ્રાઇવસીનો પણ સરેઆમ ભંગ છે. હાઇકોર્ટે તમામ પક્ષકારોને સાંભળ્યા બાદ IT ડિપાર્ટમેન્ટને હુકમ કર્યો હતો કે, ડિપાર્ટમેન્ટ દ્વારા જપ્ત કરાયેલ સંબધિત દસ્તાવેજોનો કોઇ દુરુપયોગ થશે નહીં તે અંગે સોંગદનામું આગામી મુદત સુધીમાં રજૂ કરો.


