- બારમાસી અનાજ-મસાલાની ખરદી કરતી ગૃહિણીઓમાં કચવાટ
- હળદર, મરચા, મરીના ભાવોમાં 12 ટકાના વધારાથી ખરીદીમાં ઘટાડો
- ગૃહિણીઓના બજેટ ઉપર પણ ભાવવધારાની અસરો સર્જાઇ
ચરોતરમાં અનાજ, ખાંડ, ઘી-ખાદ્યતેલ, શાકભાજીની ઉંચી કિંમતો વચ્ચે ગરમ મસાલના ભાવોમા વધારો તોળાતા મધ્યમવર્ગીય ગરીબ પરિવારોને ભાવવધારો કમ્મરતોડ સાબિત થયો છે. હળદર, મરચા, મરીના ભાવોમા 10 થી 12 ટકા જેટલો વધારો થતાં કિંમતો ઉચકાઇ છે. જેમાં હળદરની વાવણીમા 18 ટકા જેટલો ઘટાડો થતાં પ્રતિ કિવન્ટલ ભાવ 12,600 રૂપિયાની સપાટીએ પહોંચ્યા છે.
ચરોતર વાસીઓમાં કેટલાક પરિવારો દ્વારા પ્રત્યેક અનાજની સિઝન તેમજ મસાલાની મોસમમાં પરિવારની વર્ષભરની જરૂરિયાતને ધ્યાને લઇને અનાજ-મસાલાની સાગમટે ખરીદી કરીને સંગ્રહિત કરતા હોય છે. જોકે સ્થાનિક તેમજ અનાજ-મસાલાનુ ઉત્પાદન કરતા પ્રદેશોમાં સમયાંતરે ભારે પવનો, વાવાઝોડા તેમજ કમોસમી વરસાદની સ્થિતિને લઇને ખાદ્યાન્ન તેમજ મસાલાના ઉત્પાદનમાં નોધપાત્ર ઘટાડો સર્જાતા માંગ સામે પુરવઠો ઘટતા કિંમતોમાં તોતિંગ વધારો સર્જાયો છે. પરિણામે બારમાસી અનાજ-મસાલાની ખરીદી કરતી ગૃહિણીઓના બજેટ ઉપર પણ ભાવવધારાની અસરો સર્જાઇ છે. જેમા જીરૂ, હળદર, ધાણા, સુકા મરચાની કિંમતો ઉચકાતા ચાલુ વષે ખરીદી મોઘી સાબિત થઇ છે. જીરૂ પાકમા ગત વર્ષની અપેક્ષાએ નવેમ્બર માસમાં ભાવો નોધપાત્ર રીતે ઉચકાયા હતા. ગયા વર્ષ કરતા ચાલુ વર્ષે નવેમ્બર માસમાં હળદર-મરચાનો બન્નેનો ફુગાવો 10.6 ટકા નોધાયો હતો. પરિણમે પરિવારની દૈનિક રસોઇ ઉપરાંત ફરસાણ ઉદ્યોગ, ચટણી, જામ, પેકેજીંગ ખાદ્ય ઉત્પાદનો, મસાલા ઉદ્યોગો ઉપર પણ ભાવવધારાની અસરો વર્તાઈ શકે છે.


