- તમામ ટીમો માટે પણ ટીમની જાહેરાત માટે પહેલી મે ડેડલાઇન રહેશે
- બીજી જૂને અમેરિકા અને કેનેડા વચ્ચેની ઓપનિંગ મેચ સાથે વર્લ્ડ કપનો પ્રારંભ થશે
- બે એસોસિયેટ ટીમની મેચ સાથે ટી20 વર્લ્ડ કપનો પ્રારંભ થશે તેવું પ્રથમ વખત બનશે
અમેરિકા અને વેસ્ટ ઇન્ડિઝની સંયુક્ત યજમાનીમાં બીજી જૂનથી આઈસીસી ટી20 વર્લ્ડ કપનો પ્રારંભ થશે જેનો પ્રોગ્રામ જાહેર થઈ ચૂક્યો છે. ટૂર્નામેન્ટમાં ભાગ લેનાર તમામ ટીમો ધીમે ધીમે પોતાની ટીમોને અંતિમ સ્વરૂપ આપી રહ્યા છે. વર્લ્ડ કપ માટેની ટીમ જાહેર કરવાની અંતિમ તારીખ પહેલી મે હોઈ શકે છે પરંતુ હજુ સુધી આઈસીસી દ્વારા સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. પહેલી મે સુધીમાં ટીમોની જાહેરાત થઈ જશે અને પ્રત્યેક ટીમ પાસે પ્રેક્ટિસ મેચનો વિકલ્પ રહેશે. જેના આધારે ટીમો પોતપોતાના વેન્યૂ ઉપર પહોંચીને પ્રેક્ટિસ મેચના વિકલ્પનો ઉપયોગ કરી શકે છે. પ્રત્યેક ટીમોએ પહેલી મે સુધીમાં પોતાના 15 ખેલાડીઓની જાહેરાત કરી દેવી પડશે અને 15 સભ્યોની ટીમમાં 25મી મે સુધીમાં કોઈ પણ ફેરફાર કરી શકશે. આ ડેડલાઇન પછીના કોઈ પણ ફેરફાર માટે આઈસીસીની ટેક્નિકલ સમિતિની મંજૂરી લેવી પડશે. ટી20 વર્લ્ડ કપ માટેના પ્રાઇઝ મનીની પણ ટૂંક સમયમાં જાહેરાત કરવામાં આવી શકે છે. બીજી જૂને અમેરિકા અને કેનેડા વચ્ચેની ઓપનિંગ મેચ સાથે વર્લ્ડ કપનો પ્રારંભ થશે. બે એસોસિયેટ ટીમની મેચ સાથે ટી20 વર્લ્ડ કપનો પ્રારંભ થશે તેવું પ્રથમ વખત બનશે. ભારત લીગ રાઉન્ડમાં ચારમાંથી ત્રણ મેચ ન્યૂયોર્કમાં રમશે અને એક મેચ લોડર હિલ ખાતે રમશે. ભારત પાંચમી જૂને આયરલેન્ડ સામે રમ્યા બાદ નવમી જૂને પરંપરાગત હરીફ પાકિસ્તાન સામે રમશે. 12મી જૂને અમેરિકા સામે અને 15મી જૂને કેનેડા સામે પોતાની છેલ્લી લીગ મેચ રમશે.


