– ભારતીય ચા માટે ઈરાન ત્રીજું મોટું નિકાસ મથક છે
Updated: Oct 12th, 2023
મુંબઈ : ઈઝરાયલ-હમાસ યુદ્ધ પશ્ચિમ એશિયાના અન્ય વિસ્તારો સુધી પ્રસરવાની શકયતાથી દેશના ચાના નિકાસકારો ચિંતીત બન્યા છે. ઈઝરાયલ ખાતે ભારતની ચાની નિકાસ ઘણી સામાન્ય છે, પરંતુ જો ઈરાન સુધી યુદ્ધની અસર લંબાશે તો દેશમાંથી ચાની નિકાસ પર અસર પડવાની શકયતા રહેલી છે. ભારતની ચા માટે ઈરાન મુખ્ય નિકાસ મથક છે.
૨૦૨૨ દરમિયાન ભારતની ચાની સૌથી વધુ નિકાસ ૪.૨૩ કરોડ કી. ગ્રા. સાથે યુએઈ ખાતે થઈ હતી જ્યારે ૪.૧૧ કરોડ કી. ગ્રા. સાથે રશિયા રહ્યું હતું અને ૨.૧૬ કી. ગ્રા. સાથે ઈરાનનો ક્રમ ત્રીજો રહ્યો હતો. જો કે ભારતની કેટલીક ચા યુએઈ મારફત પણ ઈરાનમાં જાય છે.
દેશના ચાના નિકાસકારો સ્થિતિ કેવા વળાંક લઈ રહી છે, તેના પર ચિંતા સાથે નજર રાખી રહ્યા છે, એમ ઈન્ડિયન ટી એકસપોર્ટર્સ એસોસિએશનના એક હોદ્દેદારે જણાવ્યું હતું.
ઈરાન પર કોઈપણ અસર ભારતના ચા ઉદ્યોગ માટે ચિંતાનો વિષય બની શકે છે. ચાની નિકાસ માટે કેટલાક ઓર્ડર રવાના થવાના બાકી છે, તો કેટલાક મધદરિયે છે.
ઈરાનના ટેકા સાથે હમાસ યુદ્ધ લડી રહ્યું હોવાના અહેવાલો આવી રહ્યા છે. જો કે આ સંદર્ભમાં કોઈ ચોક્કસ પુરાવા હજુ જોવા મળ્યા નહીં હોવાનું ઈઝરાયલ દ્વારા જણાવાયું છે. પરંતુ જો યુદ્ધ વધુ ઉગ્ર બનશે તો ભારતના ચા ઉદ્યોગ પર અસર જોવા મળશે એેમ હોદ્દેદારે ઉમેર્યું હતું.
આસામ તથા દક્ષિણ ભારતના વિસ્તારો ખાતેથી ઈરાનમાં મોટી માત્રમાં ચાની નિકાસ થાય છે. યુદ્ધને કારણે ઈરાન ખાતેથી પેમેન્ટને લઈને પણ અનિશ્ચિતતા ઊભી થઈ હોવાનું સાઉથ ઈન્ડિયા ટી એકસપોર્ટર્સ એસોસિએશનના સુત્રોએ જણાવ્યું હતું.