- ઈઝરાયલ અને હમાસ વચ્ચે છેલ્લા ચાર મહિનાથી યુદ્ધ યથાવત્
- બંને પક્ષે ભારે ખુવારી છતાં કોઈપણ પક્ષ ટસનું મસ થવા તૈયાર નહીં
- ઈઝરાયલના પીએમએ રફાહની વસ્તીને હટાવવાનું પણ કર્યું આયોજન
ઈઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુએ સેનાને રફાહમાંથી લોકોને બહાર કાઢવાની યોજના તૈયાર કરવાનો આદેશ આપ્યો છે. તેમના કાર્યાલય (PMO) એ ગ્રાઉન્ડ એટેક પહેલા એક નિવેદનમાં આ માહિતી આપી હતી. રફાહ એ દક્ષિણ ગાઝા પટ્ટીમાં આવેલું એક શહેર છે. જ્યાં હાલ ગાઝાના તેર લાખ લોકો રહે છે. યુનાઈટેડ નેશન્સ (UN) અનુસાર, આ શહેરમાં રહેતા મોટાભાગના લોકો એવા છે જેમને ગાઝાના અન્ય ભાગોમાંથી બહાર કાઢવામાં આવ્યા છે. નેતન્યાહુએ ગુરુવારે કહ્યું હતું કે ઇઝરાયેલ ડિફેન્સ ફોર્સિસ (IDF) ટૂંક સમયમાં હમાસના છેલ્લા ગઢ રફાહમાં જશે.
જેમ જેમ IDF ઝુંબેશ ઉત્તર અને મધ્ય ગાઝા તરફ આગળ વધી રહી છે તેમ, ઘણા પેલેસ્ટિનિયનો પોતાનો જીવ બચાવવા શહેરમાં ભાગી ગયા હતા. પરંતુ તેઓ આગળ ક્યાં જશે તે સ્પષ્ટ નથી. કારણ કે ઇજિપ્ત સાથેની સરહદ રફાહ ક્રોસિંગથી શરૂ થાય છે. પરંતુ, ઇજિપ્તની બાજુથી સરહદ મહિનાઓથી બંધ છે.
ઈઝરાયેલના વડાપ્રધાન કાર્યાલયે શું કહ્યું?
સીએનએન અનુસાર, ઇઝરાયેલના વડાપ્રધાન કાર્યાલયે એક નિવેદનમાં કહ્યું કે રફાહમાં હમાસની ચાર બટાલિયનને ખતમ કર્યા વિના આતંકવાદી સંગઠનને ખતમ કરવું અશક્ય છે. બીજી બાજુ, રફાહમાં મોટા પાયે ઓપરેશન માટે યુદ્ધ ઝોનમાંથી નાગરિક વસ્તીને બહાર કાઢવાની જરૂર છે. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે આ જ કારણે વડાપ્રધાને IDF અને સંરક્ષણ સંસ્થાને કેબિનેટ સમક્ષ વસ્તીને બહાર કાઢવા અને હમાસ બટાલિયનને ખતમ કરવા માટે બેવડી યોજના લાવવાની સૂચના આપી છે.
પેલેસ્ટિનિયન રાષ્ટ્રપતિએ ટીકા કરી હતી
તે જ સમયે, શુક્રવારે એક નિવેદનમાં, પેલેસ્ટિનિયન રાષ્ટ્રપતિ મહમૂદ અબ્બાસના કાર્યાલયે લશ્કરી યોજનાની ટીકા કરી. તેણે રફાહમાંથી પેલેસ્ટિનિયન નાગરિકોને બહાર કાઢવાને વાસ્તવિક ખતરો ગણાવ્યો હતો. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે હવે સમય આવી ગયો છે કે દરેક વ્યક્તિ આ બરબાદીને રોકવા માટે પગલાં લે. આ સમગ્ર પ્રદેશને અનંત યુદ્ધ તરફ ધકેલશે.
ચાર મહિનાથી વધુ સમય સુધી યુદ્ધ ચાલી રહ્યું છે
ઇઝરાયેલ અને હમાસ વચ્ચે યુદ્ધ ગયા વર્ષે 7 ઓક્ટોબરે શરૂ થયું હતું. હમાસના હુમલામાં લગભગ 1,200 ઇઝરાયેલી નાગરિકો માર્યા ગયા હતા. જ્યારે, અઢીસો ઇઝરાયલીઓને બંધક બનાવવામાં આવ્યા હતા. તેમાંથી ઘણા હજુ પણ બંધક છે. આ પછી ઈઝરાયેલે યુદ્ધની જાહેરાત કરી અને હમાસ પર જવાબી કાર્યવાહી કરી. આ યુદ્ધમાં 26 હજારથી વધુ પેલેસ્ટિનિયન માર્યા ગયા છે.


