નર્મદા જિલ્લામાં વિકાસના કામોમાં 75 લાખ રૂપિયાની લાંચ માગવાના આક્ષેપે ગુજરાતના રાજકારણમાં ગરમાવો લાવી દીધો છે. ભાજપના પીઢ સાંસદ મનસુખ વસાવાએ સીધો આક્ષેપ કર્યો છે કે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાએ આ માતબર રકમની માગણી કરી છે. સાંસદે દાવો કર્યો છે કે તેમને આ અંગેની જાણકારી ખુદ જિલ્લા કલેક્ટર સંજય મોદીએ આપી હતી. આ ગંભીર આક્ષેપ બાદ મનસુખ વસાવાએ પોતાની જ સરકાર સામે મોરચો માંડ્યો છે અને ચીમકી ઉચ્ચારી છે કે જો આ મામલે યોગ્ય તપાસ નહીં થાય અને ભ્રષ્ટાચારીઓ સામે પગલાં નહીં લેવાય, તો તેઓ ભાજપ સાથે છેડો ફાડી દેશે.
કલેક્ટર પર આકરા પ્રહાર અને પક્ષ છોડવાની સાંસદની ખુલ્લી ચીમકી
સાંસદ મનસુખ વસાવાએ માત્ર ચૈતર વસાવા જ નહીં, પરંતુ જિલ્લા કલેક્ટર સંજય મોદીની ભૂમિકા સામે પણ સવાલો ઉઠાવ્યા છે. તેમણે કલેક્ટરને ‘ડરપોક’ ગણાવતા કહ્યું કે, અધિકારીઓ દબાણમાં આવીને સત્ય છુપાવી રહ્યા છે. સાંસદના મતે, જો સરકાર પોતાની જ પાર્ટીના પ્રતિનિધિઓની રજૂઆત પર ધ્યાન નહીં આપે અને ભ્રષ્ટાચારને છાવરશે, તો તેમને પક્ષમાં રહેવામાં કોઈ રસ નથી. આ નિવેદને ભાજપ સંગઠનમાં દોડધામ મચાવી દીધી છે, કારણ કે મનસુખ વસાવા આદિવાસી પટ્ટામાં ખૂબ જ મજબૂત પકડ ધરાવે છે.
ચૈતર વસાવાનો પલટવાર
બીજી તરફ, ધારાસભ્ય ચૈતર વસાવાએ આ તમામ આક્ષેપોને પાયાવિહોણા ગણાવી ફગાવી દીધા છે. તેમણે જણાવ્યું કે, તેઓ પોતે આ મુદ્દે કલેક્ટરને મળ્યા હતા અને કલેક્ટરે આવી કોઈ વાત થઈ હોવાનો સ્પષ્ટ ઇનકાર કર્યો છે. ચૈતર વસાવાએ સામો પ્રહાર કરતા કહ્યું કે, મનસુખ વસાવા પોતાના મળતિયા કોન્ટ્રાક્ટરોને બચાવવા માટે અને તેમની (ચૈતરની) વધતી જતી રાજકીય લોકપ્રિયતાને નુકસાન પહોંચાડવા માટે આ ખેલ રમી રહ્યા છે. હાલમાં આ આક્ષેપ-પ્રતિઆક્ષેપ વચ્ચે નર્મદાનું રાજકારણ ચરમસીમાએ પહોંચ્યું છે અને સમગ્ર રાજ્યની નજર હવે સરકારના આગામી પગલાં પર છે.
આ પણ વાંચો : Surat News : મોત અને જિંદગી વચ્ચે જંગ, 10 માં માળેથી નીચે ખાબક્યા વૃદ્ધ, 8 માં માળે ફસાયા અને પછી…


