અર્જુન મોઢવાડિયાના ટ્વીટ બાદ અંબરીશ ડેરે પણ કર્યુ ટ્વીટ
ભગવાન શ્રી રામ કરોડો હિન્દુઓના આસ્થાનું કેન્દ્ર છે : લોકોને ઠેસ પહોંચે તેવા નિવેદનથી દૂર રહેજો
શકિતસિંહે મોઢવાડિયાના ટ્વીટ બાદ વળતા ટ્વીટમાં કહ્યું કે રામ મંદિર પ્રતિષ્ઠા મહોત્સવ ભાજપ પ્રેરિત છે
રામ મંદિર મામલે ભાજપ અને કોંગ્રેસનું રાજકારણ બરાબરનુ ચગ્યું છે. રામ મંદિર મહોત્સવમાં કોંગ્રેસના નેતાઓને આમંત્રિત કરાયા બાદ તેમના દ્વારા આ કાર્યક્રમમાં નહી જવાનો નિર્ણય લેવાતા દેશભરમાં આ મામલે ચર્ચા શરૂ થઇ છે. હવે ગુજરાતમાં ખુદ કોંગ્રેસમાં આ મામલે લાગી પડી છે. સૌ પ્રથમ પોરબંદરના ધારાસભ્ય અર્જુન મોઢવાડિયાએ ગઇકાલે ટ્વીટ કરી ભગવાન શ્રી રામમાં શ્રધ્ધા વ્યકત કરી હતી. આ ટ્વીટ બાદ શકિતસિંહ મેદાનમાં આવ્યા હતા અને તેમણે લોકો સમજયા વિના નિવેદન કરે છે તેવુ કહી આડકતરી રીતે અર્જુન મોઢવાડિયાને નિશાન બનાવ્યા હતાં. આ વિવાદ હજુ પૂરો થાય ત્યાં રાજુલાના કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય અંબરિશ ડેર મેદાનમાં આવ્યા છે. તેમણે આડકતરી રીતે શકિતસિંહને નિશાન બનાવી એવુ કહ્યું છે કે ભગવાન શ્રી રામ કરોડો હિન્દુઓના આસ્થાનું કેન્દ્ર છે. આ બાબતે લોકોએ નિવેદનથી દૂર રહેવું જોઇએ.
અત્રે એ યાદ આપવુ જરૂરી છે કે જયારથી રામ મંદિરનો મુદ્દો ચર્ચામાં આવ્યો છે ત્યારથી કોંગ્રેસની પીછેહટ શરૂ થઇ છે. ગુજરાતમાં તો કોંગ્રેસનું પતન થઇ ગયું છે. લોકસભાની ૨૬માંથી એક પણ બેઠક કોંગ્રેસના ફાળે ગઇ નથી. કેન્દ્રમાં પણ કોંગ્રેસનું સતત બે ટર્મ સુધી ધોવાણ થયું છે. તાજેતરમાં અયોધ્યા ખાતે ભગવાન શ્રી રામના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં ઉપસ્થિત રહેવા માટે કોંગ્રેસના નેતાઓને આમંત્રણ અપાયુ હતું. પરંતુ કોંગ્રેસના સોનિયા ગાંધી, ખડગે સહિતના નેતાઓએ આ મહોત્સવમાં હાજર ન રહેવાનો નિર્ણય જાહેર કર્યો છે. ભારતીય જનતા પાર્ટી કોંગ્રેસ પર લઘુમતી તુષ્ટિકરણના આક્ષેપ કરતું રહ્યું છે. સમગ્ર દેશ જયારે આ મહોત્સવ માટે ખૂબ જ આસ્થાભેર ઉજવણી કરવાનો હોય ત્યારે કોંગ્રેસના નેતાઓ આ મહોત્સવથી દૂર રહી ભાજપના આક્ષેપોને સમર્થન કરતું હોય તેવો ઘાટ થયો છે.
આગામી દિવસોમાં લોકસભાની ચૂંટણી છે. તેથી ભારતીય જનતા પાર્ટી રામજન્મભૂમિના મુદ્દે ભરપૂર લાભ લઇ રહી છે ત્યારે કોંગ્રેસ આ બાબતે હજુ દ્વિધામાં હોય તેવુ લાગે છે. ખાસ કરીને ગુજરાતમાં કોગ્રેસની હાલત કફોડી થઇ છે. છેલ્લા ૨૮ વર્ષથી ગુજરાતમાં કોંગ્રેસ સત્તાનો વનવાસ ભોગવી રહી છે.


