- એક દેશમાં બે-બે વડાપ્રધાન બે-બે બંધારણ અને બે-બે ધ્વજો કેવી રીતે હોઈ શકે? : અમિત શાહ
- સંસદમાં વિપક્ષી સાંસદોએ મોંઘવારી અને બેકારી જેવા મુદ્દા ઉઠાવવા પ્રયાસ કર્યો હતો
- ડીએમકે સાંસદે હિન્દી ભાષી રાજ્યોને ગૌમૂત્ર રાજ્યો કહેતા હોબાળો
સંસદનાં શિયાળુ સત્રનાં બીજા દિવસે લોકસભામાં કેન્દ્રનાં ગૃહપ્રધાન અમિત શાહ દ્વારા જમ્મુ-કાશ્મીર પુનઃ રચનાને લગતા સુધારા બિલ રજૂ કરાયા હતા જેના પર ચર્ચા કરવામાં આવી હતી. ચર્ચા વખતે એક તબક્કે અમિત શાહે કહ્યું કે એક દેશમાં બે બે વડાપ્રધાન બે બે બંધારણ અને બે બે ધ્વજો કેવી રીતે હોઈ શકે? જેમણે આવું કર્યું છે તે ખોટું કરવામાં આવ્યું છે. પીએમ મોદીએ કલમ 370 રદ કરીને યોગ્ય નિર્ણય લીધો છે. અમે 1950થી એવું કહી રહ્યા છીએ કે દેશમાં એક વડાપ્રધાન, એક નિશાન અને એક વિધાન હોવું જોઈએ. અમે કાશ્મીરમાં આવું જ કર્યું છે. બીજી તરફ ડીએમકે નેતા ટી. આર. બાલુ અને ટીડીપીનાં જયદેવ ગલ્લાએ મિચૌંગ વાવાઝોડાથી તામિલનાડુ અને આંધ્રમાં થયેલા નુકસાનની આકારણી કરવા કેન્દ્રીય દળ મોકલવાની માગણી કરી હતી. સંસદમાં વિપક્ષી સાંસદોએ મોંઘવારી અને બેકારી જેવા મુદ્દા ઉઠાવવા પ્રયાસ કર્યો હતો જેને કારણ બંને ગૃહની કાર્યવાહી બપોરે 2 વાગ્યા સુધી સ્થગિત કરવામાં આવી હતી.
ડીએમકે સાંસદે હિન્દી ભાષી રાજ્યોને ગૌમૂત્ર રાજ્યો કહેતા હોબાળો
ડીએમકે સાંસદ ડી.એન.વી.સેંથિલ કુમારે હિન્દી ભાષી રાજ્યોને ગૌમૂત્ર રાજ્યો કહેતા ગૃહમાં હોબાળો મચ્યો હતો. તેમણે કહ્યું હતું કે ભાજપની તાકાત ફક્ત હિન્દી રાજ્યોમાં જ ચૂંટણી જીતવાની છે. જેને અમે સામાન્ય રીતે ગૌમૂત્ર રાજ્ય તરીકે ઓળખીએ છીએ.
મોઈત્રા રિપોર્ટ રજૂ કરવા લોકસભા સ્પીકરનાં આદેશની રાહ
એવું માનવામાં આવતું હતું કે મંગળવારે લોકસભામાં મહુઆ મોઈત્રાને લગતો એથિક્સ કમિટીનો રિપોર્ટ રજૂ કરવામાં આવશે પણ ભાજપ સાંસદ અપરાજિતા સારંગીએ કહ્યું હતું કે આ મામલે અમે લોકસભા સ્પીકરનાં આદેશની રાહ જોઈ રહ્યા છીએ. રિપોર્ટ રજૂ કર્યા પછી અમે તેનાં પર ચર્ચા કરવા તૈયાર છીએ. કેટલાક સાંસદોએ મહુઆ મોઈત્રા રિપોર્ટ પર ચર્ચા કરવાની માગણી કરી હતી.
મહુઆ મોઈત્રાને કોંગ્રેસનો ટેકો : ટીએમસી સાંસદ મહુઆ મોઈત્રાને સંસદમાંથી હાંકી કાઢવાની એથિક્સ કમિટીએ ભલામણ કરી છે જેનો કોંગ્રેસે વિરોધ કર્યો હતો. કોંગ્રેસ મોઈત્રાનાં સમર્થનમાં ઊતરી હતી. જયરામ રમેશે કહ્યું હતું કે, મોઈત્રાને રાજકીય ષડ્યંત્ર હેઠળ ટાર્ગેટ બનાવાઈ રહ્યા છે.


