રૈવત મન્વંતરની કથામાં શ્રીહરિ વિષ્ણુ ભગવાનનો પરિચય જોવા મળે છે. પાંચમા મનુનું નામ રૈવત. તેઓ ચોથા મનુ તામસના સગા ભાઈ થાય. રૈવત મન્વંતરના સમયમાં ઘણા સપ્તર્ષિઓ હતા. એમાંના એક શુભ્ર ઋષિ.
શુભ્ર ઋષિનાં પત્નીનું નામ વિકુંઠા હતું તેમના જ ગર્ભથી વૈકુંઠ નામના શ્રેષ્ઠ દેવો સહિત ભગવાનની માયાથી વૈકુંઠ નામનો અવતાર ધારણ કર્યો. આ વૈકુંઠે લક્ષ્મી દેવીની પ્રાર્થનાથી તેમને પ્રસન્ન કરવા માટે વૈકુંઠધામની રચના કરી હતી. આ વૈકુંઠધામ સમસ્ત લોકોમાં શ્રેષ્ઠ છે.
આ વૈકુંઠનાથ ભગવાન એટલે સાક્ષાત્ શ્રી હરિ વિષ્ણુ ભગવાન જ છે. છઠ્ઠા મન્વંતરમાં છઠ્ઠા મનુના પુત્ર હતા સાક્ષુષ. આ સમયમાં પણ જગતના સ્વામીએ વૈરાજની પત્ની સંભૂતિના ગર્ભથી અજિત નામે અંશાવતાર લીધો હતો. એ જ ભગવાને એક સમયે સમુદ્રમંથન કરીને દેવોને અમૃત પિવડાવ્યું હતું. તેમણે જ કચ્છપ (કૂર્મ) કાચબાનું રૂપ ધારણ કર્યું હતું અને તે જ સમયે તેઓ મોહિની રૂપે પણ અવતર્યા હતા. ખૂબ જ સુંદર કથા છે આ.
ભારતવર્ષમાં વૈશાખી પૂર્ણિમા કૂર્મ જયંતી રૂપે પ્રચલિત છે. શા માટે પ્રભુએ કૂર્મ અવતાર (કાચબાનો અવતાર) લીધો એ જ સમયે મોહિની રૂપ શા માટે ધારણ કર્યું?
પુરાતનકાળની આ વાત છે. અસુરોએ પોતાની માયાવી શક્તિથી અને તીક્ષ્ણ શસ્ત્રોથી દેવોને પરાજિત કરી દીધા હતા. યુદ્ધમાં ઘણા દેવતાઓના પ્રાણ પણ ગયા હતા. દેવતાનું તેજ દુર્વાસા મુનિના શાપથી ક્ષીણ થઈ ગયું. ત્રણેય લોક અને સ્વયં ઈન્દ્ર પણ શ્રીહીન થઈ ગયા. લક્ષ્મીજીની કૃપાથી દૂર થઈ ગયા. યજ્ઞાદિ કર્મ, ધર્મ, કર્મ સર્વનો લોપ થઈ ગયો. સમગ્ર સૃષ્ટિની દુર્દશા થઈ ગઈ. આ સમયે તમામ દેવતાઓ સુમેરુ પર્વત ઉપર બ્રહ્માજીની સભામાં ગયા અને નમ્રપણે ઘટનાની જાણ કરી. બ્રહ્માજી પણ મૂંઝાયા. તેઓ સર્વ દેવતાઓને લઈને ભગવાન અજિતના નિજ વૈકુંઠધામમાં વૈકુંઠનાથ ભગવાન (શ્રીહરિ વિષ્ણુ) પાસે ગયા. આ વૈકુંઠધામ તમોમયી પ્રકૃતિથી પર છે. બ્રહ્માજીએ સઘળી હકીકત પ્રભુને જણાવી. આ સમયે શ્રીહરિ બ્રહ્માજી તથા દેવોની મુશ્કેલીનું નિવારણ બતાવે છે.
ભગવાન વિષ્ણુએ તમામ દેવતાઓને દાનવો સાથે મિત્રતા કરી લેવા જણાવ્યું. સર્વને જ્ઞાન આપ્યું કે દેવો તથા દાનવો ભેગા થઈ સમુદ્રનું મંથન કરો તેમાંથી અમૃત નીકળશે. તેનું તમને હું પાન કરાવીશ જેથી તમે સહુ અજરઅમર બની જશો. તમારું કાર્ય પૂર્ણ થાય એટલે તમે દાનવો સાથે સર્પ-મૂષક ન્યાયે વર્તી શકો છો.
આ રીતે દેવરાજ ઈન્દ્રએ દૈત્યરાજ બલી સાથે મિત્રતા કરી અને શ્રીહરિની આજ્ઞા અને સૂચન પ્રમાણે સમુદ્રમંથનની વાત કરી.
દૈત્યરાજ બલીએ તમામ દાનવોને સંધિ કરવા આદેશ કર્યો. અસુરના સેનાપતિ શંબર અને અરિષ્ટનેમિ તેમજ ત્રિપુરવાસી સહુએ બલીરાજની વાત સ્વીકારી લીધી.
ભગવાન શ્રીહરિની આજ્ઞાથી અને તેની સૂચનાથી મંદરાચલ પર્વતને સમુદ્રમાં લાવવા કોશિશ કરી. દેવો તથા દાનવો-શક્તિવીરો અસહાય બન્યા ત્યારે શ્રીહરિએ ગરુડજી દ્વારા મંદરાચલ પર્વતને સમુદ્રમાં લાવીને મૂક્યો. ઘટના બની કે મંદરાચલ પર્વત સ્થિર રહી શકતો નહીં. તેથી પ્રભુને ફરી પ્રાર્થના કરી. એ સમયે ભગવાને વચન આપ્યા મુજબ કૂર્મનો અવતાર લીધો. વિશાળ કાચબા સ્વરૂપે સમુદ્રમાં પધાર્યા. તેની પીઠ ઉપર મંદરાચલને બેસાડ્યો. ભગવાન કૂર્મ રૂપે મંદરાચલ પર્વતના આધાર બન્યા. ભગવાને અગાઉ સૂચન કર્યું તે મુજબ તમામ પ્રકારની ઔષધી-વનસ્પતિ વગેરે સમુદ્રમાં પધરાવ્યાં. વાસુકી નાગનું દોરડું બનાવ્યું અને વલોણાંની માફક વાસુકી નાગને મંદરાચલની ફરતે વીંટાળ્યો. એક તરફ વાસુકી નાગનું મુખ અને બીજી તરફ પૂંછ. દેવોએ દાનવોને પૂંછ તરફ રહેવા કહ્યું, પરંતુ પૂંછ તરફ રહેવું અપશુકન કહેવાય એટલે દાનવોએ મુખ તરફ રહેવા સ્વીકાર્યું અને દેવતાઓ નાગની પૂંછડી તરફ રહ્યા. દેવો તથા દાનવોએ સમુદ્રને મંદરાચલ પર્વતથી મંથન કરવાનું શરૂ કર્યું.
ભગવાન કૂર્મ તેની પીઠ ઉપર અતિશય ભાર અને કષ્ટ સહન કરતાં રહ્યાં. સહુ પ્રથમ કાલકુટ હલાહલ વિષ નીકળ્યું. આ ઝેર સૃષ્ટિનો નાશ કરનાર હતું. સહુ મૂંઝાયા. સહુએ સદાશિવને વિનંતી કરી. સૃષ્ટિના તારણહાર કાલકુટ વિષ પોતાના કંઠમાં પી ગયા. તેનો કંઠ નીલો ઝેરી બની ગયો. ત્યારથી સદાશિવ નીલકંઠ નામે પ્રખ્યાત થયા. ત્યારબાદ એક પછી એક એમ વિવિધ રત્નો નીકળ્યાં જેમાં ઉચ્ચેશ્રવા ઘોડો, ઐરાવત હાથી, કૌસ્તુભ મણિ, કામધેનુ ગાય, કલ્પ વૃક્ષ, દેવી લક્ષ્મીજી, અપ્સરા રંભા, પારિજાત વૃક્ષ, વારુણી દેવી, શંખ, ચંદ્ર અને અમૃત કુંભ લઈને અંતમાં સંસારના મહાન વૈદ્ય ધન્વંતરિ પ્રગટ થયા. અમૃત કળશ જોઈને દાનવો અને દેવો તેને લૂંટવા દોડ્યા. ઝપાઝપી થઈ ગઈ તે સમયે શ્રીહરિ વિષ્ણુ સનાતન ધર્મની રક્ષા કરવા અને દેવોએ જે મહેનત કરી તેને યોગ્ય ન્યાય અને ફળ આપવા માટે ખૂબ જ સુંદર માયાવી-મોહિની સ્ત્રીનું રૂપ ધારણ કર્યું. અતિ સુંદર મનમોહક રૂપ, સુંદર નવયૌવન, લાંબા સુગંધીદાર વાળ, પાતળી કમર, મલ્લિકા પુષ્પની સુગંધી માળા ધારણ કરી હતી. તેણે અમૃત કુંભ લઈ લીધો. બંનેને દેવો-દાનવોને અલગ અલગ હરોળમાં બેસાડી દીધા. અતિ મોહક રૂપથી દાનવો તેમાં મોહિત થઈ ગયા અને શાંતિથી બેસી ગયા. દેવોને અમૃતપાન કરાવવા લાગ્યા. દેવોની હારમાળામાં રાહુ આવીને છાનોમાનો બેસી ગયો. જે સૂર્ય અને ચંદ્રએ તેને છતો કરી દીધો. એ સમયે શ્રીહરિએ ચક્ર વડે રાહુનું માથું ધડથી અલગ કરી નાખ્યું. માથું જમીન ઉપર પડ્યું. માથું અમર બની ગયું. બ્રહ્માજીએ રાહુને ગ્રહ બનાવી દીધો. ગ્રહ થયા પછી રાહુ પર્વના દિવસે યાને કે અમાસે અને પૂર્ણિમાએ બદલો લેવા સૂર્ય અને ચંદ્રની ઉપર આક્રમણ કરતો રહે છે. જે ઘટનાથી સૂર્યગ્રહણ અને ચંદ્રગ્રહણ થાય છે.
કહેવાય છે કે અમૃતની લાલચમાં દેવો અને દાનવો વચ્ચે કુંભની ઝપાઝપી થઈ તે વખતે અમૃતનાં ટીપાં- અમૃતબિંદુઓ ચોક્કસ જગ્યાએ પડ્યાં. એ સમયે ચંદ્રએ કળશને વધુ પડતો છલકવાથી બચાવ્યો. સૂર્યએ અમૃત કળશને તૂટતા બચાવ્યો. દેવગુરુ બૃહસ્પતિએ તેની રક્ષા કરી. જેથી જે ચાર સ્થાનમાં અમૃતનાં બિંદુ પડ્યાં તે સ્થાન નાસિક, ઉજ્જૈન-હરિદ્વાર અને પ્રયાગમાં સૂર્ય,ચંદ્ર, ગુરુ આ ત્રણ ગ્રહોની વિશિષ્ટ કાલસ્થિતિમાં કુંભપર્વ યોજાય છે.
આ રીતે જગતના નાથ વૈકુંઠનાથે કૂર્મ અવતાર અને તેની સાથે સાથે મોહિની સ્વરૂપ ધારણ કરીને દેવતાનું અમૃતપાન કરાવી તેનું તેજ કાયમ રખાવી અમરત્વ પ્રદાન કરીને સનાતન ધર્મની રક્ષા કરી છે.
કૂર્મ અવતાર રૂપ શ્રી હરિએ સમુદ્રમંથન દરમિયાન અનમોલ રત્ન ઉત્પન્ન કરી સૃષ્ટિનો અને ત્રણેય લોકનો વૈભવ વધાર્યો. દેવોને અમરત્વનું પ્રદાન કર્યું. એક જ સમયે એક સાથે બે સ્વરૂપ ધારણ કર્યાં. `કૂર્મ રૂપ’ અને `મોહિની રૂપ.’