- ઘઉં સહિતના પાક માટે પાણીની તાતી જરૂર હોય ખેડૂતોએ કેનાલ સફાઈ કરી
- હાલ અમારે રવિ પાકો માટે કેનાલના પાણીની વધારે જરૂરિયાત છે
- સત્વરે કેનાલની સાફ્-સફાઇ કરી પાણી છોડવા ખેડૂતોમાં માગ ઉઠવા પામી
પાટણ જિલ્લાના રાધનપુર અને સાંતલપુર તાલુકામાં પસાર થતી નાની કેનાલોની રાધનપુર નર્મદા વિભાગના અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરની બેદરકારીને કારણે સમયસર કેનાલોની સફાઇ ન થતા ખેડૂતોને પાણી વગર ભારે પરેશાની ભોગવવાનો વારો આવ્યો છે.
રાધનપુર તાલુકામાં શેરગંજ અને મહેમદાવાદ ગામ વચ્ચે પસાર થતી કેનાલની છેલ્લા ઘણા સમયથી સાફ્-સફાઇ કરવામાં ન આવતા કેનાલમાં પાણી આવતું નથી. જે કેનાલમાં પાણી છોડવા તેમજ કેનાલની સાફ્-સફાઇ કરવા માટે ખેડૂતોઓએ અનેકવાર નર્મદા વિભાગમાં રજૂઆતો પણ કરી છે. પરંતુ આજદિન સુધી કેનાલની સાફ્-સફાઇ ન થતા અંતે ખેડૂતોએ રવિવારે મોટી સંખ્યામાં એકઠા થઈને શ્રમયજ્ઞ આદરીને કેનાલની સાફ્-સફાઇ કરવાની ફરજ પડી હતી. આ બાબતે મેમદાવાદના ખેડૂત રાજેશભાઈ જણાવ્યું હતું કે શેરગંજથી મેમદાવાદ ગામે આવતી કેનાલમાં પાણી છોડવામાં આવ્યું નથી અને કેનાલની સાફ્ સફાઇ પણ કરવામાં આવી નથી. આ કેનાલમાં ખૂબ જ કચરો ભર્યો છે. જે કેનાલ બાબતે રજૂઆત કરવામાં આવે છે. પરંતુ કેનાલની સમયસર સાફ્-સફાઇ થતી નથી. હાલ અમારે રવિ પાકો માટે કેનાલના પાણીની વધારે જરૂરિયાત છે. તો સત્વરે કેનાલની સાફ્-સફાઇ કરી પાણી છોડવામાં આવે તેવી ખેડૂતોમાં માગ ઉઠવા પામી છે.


