અમદાવાદ શહેરના દધીચી બ્રિજ પર આજે એક ગમગીન ઘટના બનતા રહી ગઈ હતી. એક 25 વર્ષીય યુવકે કોઈ અગમ્ય કારણોસર બ્રિજ પરથી નદીમાં કૂદીને આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હતો. યુવક બ્રિજની રેલિંગ પર ચઢી ગયો હતો અને નીચે છલાંગ લગાવવાની તૈયારીમાં હતો. જોકે, આ સમયે ત્યાંથી પસાર થઈ રહેલા બે જાગૃત યુવાનોની નજર આ યુવક પર પડી હતી. બંને યુવાનોએ જરાય સમય બગાડ્યા વિના તાત્કાલિક હિંમત દાખવીને યુવક તરફ ધસી ગયા હતા.
દિલધડક બચાવ
દિલધડક પ્રયાસ બાદ બંને યુવાનોએ યુવકને પકડીને રેલિંગ પરથી નીચે ખેંચી લીધો હતો અને તેનો જીવ બચાવ્યો હતો. આ બે યુવાનોની સમયસૂચકતા અને બહાદુરીના કારણે યુવકનો જીવ બચી ગયો હતો. પોલીસને જાણ કરવામાં આવતા યુવકને જરૂરી પૂછપરછ અને કાઉન્સેલિંગ માટે પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યો છે. આ ઘટનાએ ફરી એકવાર સાબિત કર્યું છે કે સમયસરની મદદ કઈ રીતે કિંમતી જીવ બચાવી શકે છે.


