ઘૃતરાષ્ટ્ર કહે છે,
ધર્મક્ષેત્રે કુરુક્ષેત્રે સમવેતા યુયુત્સવ : I
મામકા: પાણ્ડવા: ચ એવ કિમ અકુર્વત સંજય II1II
હે સંજય, ધર્મભૂમિ એવા કુરુક્ષેત્રમાં મારા પુત્રોએ તથા પાંડુના પુત્રોએ યુદ્ધની ઇચ્છાથી ભેગા થઇને પછી શું કર્યુ તે કહો.
સંજય કહે છે,
દ્રષ્ટવા તુ પાંડવાનીકમ વ્યુઢમ દુર્યોધન: તદા I
આચાર્યમ ઉપસંગમ્ય રાજા વચનમ અબ્રવીત II2II
પાંડવોની સેનાને વ્યૂહ આકારમાં ગોઠવાયેલી જોઇ તે સમયે રાજા દુર્યોધન આચાર્ય દ્રોણની પાસે જઇને બોલ્યો.
પશ્ય એતામ પાણ્ડુપુત્રાણામ આચાર્ય મહતીમ યમૂમ I
વ્યુઢામ દ્રુપદ પુત્રેણ તવ શિષ્યેણ ધીમતા II3II
હે આચાર્ય, આપના બુદ્ધિમાન શિષ્ય દ્રુપદ પુત્ર ધૃષ્ટદ્યુમ્ને વ્યૂહાકારમાં ગોઠવેલી પાંડુપુત્રોની આ મોટી સેના જૂઓ.
અત્ર: શૂરા: મહેષ્વાસા: ભીમાર્જુનસમા: યુધિ I
યુયુધાન: વિરાટ: ચ દ્રુપદ: ચ મહારથ: II4II
ધૃષ્ટકેતુ: ચેકિતાન: કાશિરાજ: ચ વીર્યવાન્ I
પુરુજિત કુંતિભોજ: ચ શૈબ્ય: ચ નરપુંગવ: II5II
યુધામન્યુ:ચ વિક્રાંત: ઉત્ત્મૌજા: ચ વીર્યવાન I
સૌભદ્ર: દ્રૌપાદેયા: ચ સર્વ એવ મહારથા: II6II
અર્થ : આ સેનામાં મોટા ધનુર્ધારી તથા યુદ્ધમાં શૂરવીર એવા ભીમ, અર્જુન, યુયુધાન, વિરાટ, મહારથી દ્રુપદરાજ ધૃષ્ટકેતુ, ચેકિતાન, તેજસ્વી કાશીરાજ, પુરુજિત, કુન્તિભોજ, પુરુષોમાં શ્રેષ્ઠ શૈબ્ય તેમ જ પરાક્રમી યુધામન્યુ, બળવાન ઉત્તમૌજા, સુભદ્રાપુત્ર અભિમન્યુ તથા દ્રૌપદીના પાંચ પુત્રો એ બધા જ મહારથીઓ છે.
અસ્માકમ તુ વિષિષ્ટા:યે તાન નિબોધદ્વિજોત્તમ I
નાયકા: મમ સૈન્યસ સંજ્ઞાર્થમ તાન બ્રવિમિ તે II7II
ભવાન ભીસ્મ: ચ કર્ણ: ચ કૃપ: ચ સમિંતિજય:
અશ્વથામા વિક્ર્ણ” ચ સૌમ દત્તિ: તથા એવ ચ II8II
અન્યે ચ બહવ: શૂરા: મદર્થે ત્યક્ત જીવિતા: I
નાના શસ્ત્ર પ્રવણા: સર્વે યુધ્ધ વિશારદા: II9II
અર્થ : હે દ્વિજોત્તમ, આપણામાં પણ જે મુખ્ય યોદ્ધાઓ છે તેને આપ જાણી લો. આપની જાણ માટે મારી સેનાનાં નાયકોનાં નામ કહું છું. આપ (દ્રોણાચર્ય, ભીષ્મ પિતામહ, કર્ણ, સમરવિજયી કૃપાચાર્ય, અશ્વથામા, વિકર્ણ, સોમદત્તનો પુત્ર ભૂરિશ્રવા તેમ જ બીજા પણ ઘણા શૂરવીરો છે, કે જે સર્વ મારે માટે જીવ આપવા તૈયાર થયા છે. તેઓ સઘળા વિવિધ પ્રકારનાં શસ્ત્રો વાપરનારા ને યુદ્ધમાં કુશળ છે.
મહાભારતમાં થયેલ યુદ્ધ એ માત્ર ધૃતરાષ્ટ્રના પુત્રમોહનું જ પરિણામ છે. તેથી યુદ્ધના આરંભે એ હવે આગળ શું થશે એની જિજ્ઞાસાથી સંજયને સવાલ પૂછે છે કે મારા અને પાંડુના પુત્રોએ શું કર્યું? વળી ધુતરાષ્ટ્ર પોતાના પુત્રો માટે મારા(મામકા) અને પાંડુના પુત્રો કે જે તેમના સગા ભાઇના જ પુત્રો હોવા છતાં તેમને પારકા પુત્રો માને છે તેથી તેમને પોતાના પુત્રો માનવાને બદલે `પાંડુના પુત્રો’ એમ કહીને સંબોધે છે. સંજય મહારાજ બંને સેનામાં કોણ કોણ મહારથીઓ આવ્યા છે તેનું વર્ણન તેમની શૈલીથી કરે છે.