- કથળતી અર્થવ્યવસ્થાને જોતા માલદીવે ભારતને કરી વિનંતી
- અમારા લોકો અને સરકાર મુલાકાતી ભારતીયોનું ઉષ્માભર્યું સ્વાગત કરશે: માલદીવના મંત્રી
- પ્રવાસન મંત્રી તરીકે હું ભારતીયોને કહેવા માંગુ છું કે કૃપા કરીને માલદીવના પ્રવાસનનો હિસ્સો બનો
માલદીવના રાષ્ટ્રપતિ મોહમ્મદ મુઈઝુ ચીન સાથે મળીને ભારત પર આંખ આડા કાન કરતા હતા પરંતુ હવે તેમની અક્કલ ઠેકાણે આવી છે. કથળતી અર્થવ્યવસ્થાને જોતા માલદીવે ભારતને વિનંતી કરી છે કે તેમનો દેશ પ્રવાસન પર નિર્ભર છે તેથી ભારતના લોકોએ માલદીવ આવવું જોઈએ. માલદીવના પ્રવાસન મંત્રી તરફથી આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે ભારત અને માલદીવ વચ્ચેના સંબંધો તંગ બની ગયા છે.
પ્રવાસન મંત્રીએ સોમવારે ભારતીયોને તેમના દેશની અર્થવ્યવસ્થામાં યોગદાન આપવા વિનંતી કરી હતી જે પર્યટન પર નિર્ભર છે. માલદીવના પ્રવાસન મંત્રી ઈબ્રાહિમ ફૈસલે દુબઈમાં એક ઈન્ટરવ્યુમાં માલદીવ અને ભારત વચ્ચેના ઐતિહાસિક સંબંધો પર ભાર મૂક્યો હતો. તેમણે કહ્યું હતું કે, માલદીવ એક ટાપુ દેશ છે ત્યાંની આજીવિકાનો મુખ્ય સ્ત્રોત પર્યટન છે.
તેમણે કહ્યું હતું કે, અમારો ઈતિહાસ છે. અમારી સરકાર પણ ભારત સાથે કામ કરવા માંગે છે. અમે હંમેશા શાંતિ અને મૈત્રીપૂર્ણ વાતાવરણને પ્રોત્સાહન આપીએ છીએ. અમારા લોકો અને સરકાર મુલાકાતી ભારતીયોનું ઉષ્માભર્યું સ્વાગત કરશે. પ્રવાસન મંત્રી તરીકે હું ભારતીયોને કહેવા માંગુ છું કે કૃપા કરીને માલદીવના પ્રવાસનનો હિસ્સો બનો. આપણું અર્થતંત્ર પ્રવાસન પર નિર્ભર છે.
ભારત અને માલદીવ આ છે વિવાદ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 6 જાન્યુઆરીએ ઈન્સ્ટાગ્રામ પર લક્ષદ્વીપની કેટલીક તસવીરો અને વીડિયો શેર કર્યા હતા જેના પર માલદીવના 3 મંત્રીઓએ સોશિયલ મીડિયા પર ભારત અને વડાપ્રધાન મોદી વિરુદ્ધ અપમાનજનક ટિપ્પણીઓ કરી હતી. આ ઘટનાને લઈને ભારતમાં આકરી પ્રતિક્રિયા જોવા મળી હતી અને લોકોએ સોશિયલ મીડિયા પર માલદીવનો બહિષ્કાર કરવા અને પર્યટન માટે ત્યાં ન જવાની માંગ કરી હતી.
ભારતીય પ્રવાસીઓમાં 42%નો ઘટાડો
ભારતમાંથી માલદીવ પહોંચનારા પ્રવાસીઓની સંખ્યામાં લગભગ 42 ટકાનો ઘટાડો થયો છે. એક રિપોર્ટ અનુસાર, ગયા વર્ષના પ્રથમ 4 મહિનાની સરખામણીમાં આ વર્ષના પ્રથમ 4 મહિનામાં ભારતમાંથી માલદીવ પહોંચનારા પ્રવાસીઓમાં 42 ટકાનો ઘટાડો થયો છે. ભારતીયો માલદીવને બદલે લક્ષદ્વીપ અથવા આંદામાન નિકોબારને વધુ પ્રાધાન્ય આપી રહ્યા છે તેથી માલદીવ સૌથી વધુ પ્રભાવિત થઈ રહ્યું છે.


