આરાસુરવાળી, ગબ્બરના ગોખવાળી, અરવલ્લીના ડુંગરમાં બિરાજમાન, આદ્યશક્તિમાં અંબાજીનું પાવન ધામ એકાવન શક્તિપીઠોમાં મુખ્ય છે. મા અંબાના માહાત્મ્યનું વર્ણન કરવામાં શબ્દો પણ ઓછા પડે. આદ્યશક્તિની આરતીના બીજા પદના શબ્દો ‘શિવશક્તિ જાણું’ આપણને સૂચવે છે કે શિવ અને શક્તિના બે રૂપો અહીં સમાયેલાં છે. શિવજીનાં પત્ની મા સતીના બાવનરૂપ પૈકીના મા અંબા સતીના હૃદયરૂપ હોઇ મુખ્ય રૂપે છે, તેથી અંબાજી શક્તિપીઠ મુખ્ય છે. પોષ માસની સુદ પૂનમનો દિવસ મા અંબિકાનો પ્રાગટ્ય દિવસ છે. આ દિવસે હજારો-લાખોની સંખ્યામાં ભાવિક ભક્તો શ્રદ્ધાપૂર્વક દર્શનાર્થે આવે છે અને માના ગુણગાન ગાઇને ધન્ય બને છે.
મા અંબાનું પ્રાગટ્ય એક રહસ્યપૂર્ણ ઘટના માનવામાં આવી રહી છે. ડુંગરાળ પ્રદેશમાં કેટલાંય વર્ષો અગાઉ ભયંકર દુષ્કાળ પડ્યો હતો ત્યારે અહિંયા રહેતા ભલાભોળા લોકો પશુધન અને પ્રાણીઓ દુષ્કાળથી અત્યંત પીડિત બની ગયાં હતાં અને ત્રાહિમામ્ ત્રાહિમામ્ પોકારી ગયાં હતાં. દુ:ખી થઇ ગયેલા લોકોને કોઇ જ ઉપાય સૂઝતો નહોતો. ત્યારે આ બધા લોકો ભેગા થયા અને શક્તિની દેવી મા અંબાજીને બે હાથ જોડીને પ્રાર્થના કરીને કરગરવા લાગ્યા અને કારમા દુષ્કાળમાંથી ઉગારવા અનેક વિનવણીઓ કરી. વિષમ પરિસ્થિતિમાં સપડાયેલા લોકોને ઉગારી લેવા કરેલી વિનંતી છેવટે કામ કરી ગઇ અને માં અંબા ભક્તોના વહારે આવ્યા. માએ કૃપા કરતાં જ એ સમયે પુષ્કળ પ્રમાણમાં શાકભાજી અને ધન-ધાન્ય ધરતીમાતાની ગોદમાં ઉત્પન્ન થયાં. માની અમીદૃષ્ટિથી દુષ્કાળની પરસ્થિતિ દૂર થતાં લોકોમાં મા પ્રત્યેના અહોભાવમાં અનેક ઘણો વધારો થયો. જેથી પોષી પૂનમ પહેલાં પોષ સુદ આઠમથી પવિત્ર શાકંભરી નવરાત્રિનો પ્રારંભ થયો. આમ, પરંપરાગત માના પ્રાગટ્ય દિવસને શાકંભરી પૂર્ણિમા તરીકે પણ ઊજવવામાં આવે છે. આ અવસરે અંબાજીના રહીશો તેમજ દેશ-વિદેશમાંથી આ દિવસે દૂર-દૂરથી આવતા હજારો-લાખો ભાવિક ભકતજનો ભાવવિભોર બની જાય છે.
સવારે જ્યારે શણગારેલા રથમાં માતાજીની શાહી સવારી નગરજનોની પરિક્રમાએ નીકળે છે ત્યારે ભાવિકો ‘જય અંબે… જય અંબે’ના ગગનભેદી નાદોથી નાચી ઊઠે છે. માતાજીના રથ આગળ બેન્ડવાજાં અને ભજન મંડળીઓની સુરાવલી સાથે ગામના તમામ ભાવિકો પોતાના નોકરી અને વ્યવસાયમાં રજા રાખીને હોંશે હોંશે જોડાય છે. ભજન મંડળીઓ માના ગુણલા ગાય છે ત્યારે સમગ્ર નગરમાં એક પવિત્ર અને સકારાત્મક માહોલ સર્જાય છે. માના ભક્તો પુષ્પોની વર્ષા કરીને માના જન્મ દિવસની આનંદ અને ઉત્સાહથી વધામણી કરે છે.
શક્તિની ઉત્પત્તિ અંગે પુરાણોમાં પણ કરાયેલા ઉલ્લેખ મુજબ પ્રજાપતિ દક્ષે ‘બૃહસ્તપતિસક’ નામના એક મહાયજ્ઞનું આયોજન કર્યું હતું. દક્ષે બધા જ દેવોને આ યજ્ઞમાં આમંત્રણ આપ્યું હતું, પરંતુ પોતાના જમાઇ ભગવાન શંકરને આમંત્રણ આપ્યું ન હતું. જ્યારે પિતાને ત્યાં યજ્ઞ હોવાના સમાચાર દક્ષપુત્રી સતીદેવીને મળ્યા ત્યારે શિવજીનો વિરોધ હોવા છતાં તેઓ પહોંચી ગયાં. આ મહાયજ્ઞમાં શિવજીને આમંત્રણ ન હોવાથી અને પિતાના મોઢે પતિની નિંદા સાંભળી સતી અત્યંત દુ:ખી થઇ ગયાં હતાં. જેથી તેમણે યજ્ઞકુંડમાં પડીને પોતાનો દેહ ત્યજી દીધો હતો.જેથી શિવજીએ સતીદેવીનો નિશ્ચેતન દેહ જોઇને તાંડવ આદર્યું અને સતીદેવીના દેહને ખભે ઉપાડી ત્રણેય લોકમાં ઘૂમવા માંડ્યા. ત્યારે સમગ્ર સૃષ્ટિનો ધ્વંસ થઇ જશે તેવા ડરથી ભગવાન વિષ્ણુએ પોતાના સુદર્શનચક્ર દ્વારા સતીદેવીના નિશ્ચેતન દેહના ટુકડે ટુકડા કરી પૃથ્વી ઉપર ચારેબાજુએ વેરી દીધા. તેમના શરીરના ભાગ અને આભૂષણો 51 સ્થળોએ પડ્યાં હતાં. આ સ્થળોએ એક-એક શક્તિપીઠ તથા એક-એક ભૈરવ સ્વરૂપ ધારણ કરીને ત્યાં સ્થિર થયા હતા.
દેવી ભાગવત અનુસાર અગ્નિદેવની કૃપાથી મહિષાસુર નામનો રાક્ષસ નરજાતિથી મરી ન શકે તેવું વરદાન ધરાવતો હોઇ અતિ બળવાન બની અત્યાચાર અને ત્રાસ વર્તાવતો હતો. આ બળવાન દાનવનો સંહાર કરવા દેવોએ ભગવાન શિવજીને પ્રાર્થના કરી અને તે સમયે એક તેજ પ્રગટ થયું અને મા આદ્યશક્તિ પ્રગટ થયાં. આ દાનવનો સંહાર માતાજીએ કરતાં તેઓ મહિષાસુરમર્દિની કહેવાયાં.આપણે સૌ પણ મા અંબાનાં પ્રાગટ્ય દિને માના ગુણલા ગાઈને તથા માનું પુજન- અર્ચન કરીને કૃત કૃત્ય થઈએ.