- ખેડૂત – વેપારીઓએ શુભ મુહૂર્તમાં વિવિધ જણસીના સોદા કર્યા
- ખેડૂતોને મ્હોં મીઠા કરાવી ખરીદ કરવામાં આવી
- બીટી કપાસના 1601થી 1611 ભાવ હરાજીમાં બોલી થઈ
દીપાવલી પર્વની ઉજવણી બાદ નૂતન વર્ષ વિક્રમ સંવત 2080માં લાભ પાંચમના શુભ દિન શનિવારે વિરમગામ તેમજ માંડલ ખાતેના માર્કેટયાર્ડમા ખેડૂતોની વિવિધ જણસીના વેચાણ હરાજી શરૂ કરવામાં આવી હતી. વિરમગામ માર્કેટયાર્ડમાં કપાસ, ડાંગર સહિત એરંડા વગેરે પાકની ખેડૂતોને મ્હોં મીઠા કરાવી ખરીદ કરવામાં આવી હતી. યાર્ડમાં ડાંગરની આઠ હજાર જેટલી બોરીઓ તેમજ કપાસ બે હજાર મણ જેટલી આવક રોજની થાય છે. ત્યારે મુહૂર્તમાં ગુજરી ડાંગરના 401 અને મોતી ડાંગરના 411 તેમજ બીટી કપાસના 1601થી 1611 ભાવ હરાજીમાં બોલી થઈ હતી. લાભ પાંચમના મુહર્ત પ્રસંગે ધારાસભ્ય હાર્દિક પટેલ, જિલ્લા સંગઠન પદાધિકારી અને યાર્ડ સભ્ય નવદીપસિંહ ડોડીયા, માર્કેટ યાર્ડ પ્રમુખ ભરતભાઇ સીંધવ, ઉપપ્રમુખ ડાહ્યાભાઈ પટેલ, સભ્ય પોલાભાઈ કો.પટેલ સહિત આગેવાનો, વેપારીઓ, યાર્ડના કર્મચારી ગણ તેમજ મોટીસંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા. જ્યારે માંડલ ખાતેના શ્રી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિમાં એક સપ્તાહના વેકેશન બાદ શનિવારથી માર્કેટયાર્ડ ફરીથી ધમધમતું થયું હતું તેમજ શુભ મુહુર્તમાં સવારે 8.30 કલાકે એપીએમસીના હોદ્દેદારો, ડીરેકટર્સ ઉપસ્થિત રહ્યાં હતાં. આ પ્રસંગે અનાજના ઢગલા અને વેબ્રીજ(વજનકાંટા)નું પૂજન કર્યુ હતું અને મુહૂર્તની હરાજીનો પ્રારંભ કરાવાયો હતો. શનિવારે માર્કેટયાર્ડમાં એરંડાની 5 બોરીની આવક થઈ હતી. જેના પ્રતિ મણના 1121થી 1125નો ભાવ, જીરુની 7 બોરીની આવક, જેનો રૂ. 8501 રૂપિયાથી લઈ 9901 નો ભાવ, ઘઉંના 5 કટ્ટા જેનો 501થી લઈ 531 સુધીના ભાવો તેમજ ચણાની 5 બોરી જેનો 1051થી 1201 સુધીની હરાજી, અજમાની 5 બોરીની આવક સામે 2501થી 31પ1 સુધીનો ભાવ, અડદના 50 કટ્ટા જેના 1451થી લઈને 2151ના સુધીના ભાવો ખેડૂતોને આપવામાં આવ્યો હતો આજે માર્કેટયાર્ડની શરૂઆત થતાની સાથે મોટા પ્રમાણમાં ખેડૂતો અને વેપારીઓ પણ ઉપસ્થિત રહ્યાં હતાં.


