પ્રાણમય કોશ અથવા ઊર્જા શરીરમાં 7ર,000 નાડીઓ છે. આ 7ર,000 નાડીઓ ત્રણ મુખ્ય નાડીઓમાંથી નીકળે છે – ડાબી, જમણી અને મધ્ય – ઈડા, પિંગળા અને સુષુમ્ના. `નાડી’ શબ્દનો અર્થ જ્ઞાનતંતુ નથી. નાડીઓ શરીરમાં પ્રાણ વહેવાના માર્ગો કે ચેનલો છે. આ 7ર,000 નાડીઓનું ભૌતિક અસ્તિત્વ નથી. એટલે કે જો તમે શરીરને કાપીને અંદર જુઓ તો તમને એ નહીં મળે, પણ જેમ જેમ તમે વધુ જાગરૂક થાઓ છો, તમને ખબર પડશે કે ઊર્જા આડેધડ રીતે નથી ફરતી, એ નક્કી થયેલા માર્ગો પર ફરે છે. એવા 7ર,000 અલગ અલગ રસ્તા છે જેમાં ઊર્જા કે પ્રાણ ફરે છે.
ઈડા અને પિંગળા અસ્તિત્વમાં રહેલા મૂળભૂત દ્વૈતને દર્શાવે છે. આ એ જ દ્વૈત છે જેને આપણે પરંપરાગત રીતે શિવ અને શક્તિ તરીકે ઓળખીએ છીએ અથવા તમે એને સીધો પુરુષ ગુણ અને સ્ત્રી ગુણ કહી શકો છો અથવા તમારું તાર્કિક પાસું અને સ્ફુરણાને લગતું પાસું પણ કહી શકો. આના આધાર પર જ જીવન બને છે. આ બે દ્વૈત વગર જીવન જેવું અત્યારે છે એવું ન હોત. શરૂઆતમાં બધું જ મૂળભૂત હોય છે, કોઈ દ્વૈત નથી. પણ એકવાર સૃષ્ટિ ઘટિત થાય છે, ત્યારે દ્વૈત આવે છે. જ્યારે હું પુરુષ ગુણ અને સ્ત્રી ગુણની વાત કરું છું, ત્યારે હું જાતિના સંદર્ભમાં, પુરુષ કે સ્ત્રી હોવા વિશે નહીં, પણ કુદરતમાં રહેલા અમુક ગુણો વિશે વાત કરું છું. કુદરતમાં અમુક ગુણોને પુરુષ ગુણ તરીકે ઓળખવામાં આવ્યા છે. અન્ય અમુક ગુણોને સ્ત્રી ગુણ તરીકે ઓળખવામાં આવ્યા છે. તમે પુરુષ હોઈ શકો છો, પણ જો તમારી ઈડા વધુ સક્રિય હોય, તો તમારામાં સ્ત્રી ગુણ વધારે હોઈ શકે. તમે સ્ત્રી હોઈ શકો છો, પણ જો તમારી પિંગળા વધુ સક્રિય હોય, તો તમારામાં પુરુષ ગુણ વધારે હોઈ શકે.
ઈડા અને પિંગળા વચ્ચે સંતુલન લાવવાથી તમે દુનિયામાં વધુ અસરકારક બનશો, તેનાથી તમે જીવનનાં પાસાંઓને સારી રીતે સંભાળી શકશો. મોટાભાગના લોકો ઈડા અને પિંગળામાં જ જીવે છે અને મરે છે. સુષુમ્ના, જે મધ્ય જગ્યા છે, તે સુષુપ્ત રહે છે, પણ સુષુમ્ના માનવ શરીરનો સૌથી મહત્ત્વપૂર્ણ ભાગ છે. ફક્ત જ્યારે ઊર્જા સુષુમ્નામાં પ્રવેશે છે, ત્યારે જ જીવન ખરેખર શરૂ થાય છે.
મૂળભૂત રીતે સુષુમ્ના ગુણ વગરની છે, એનો પોતાનો કોઈ ગુણ નથી. એ ખાલી જગ્યા જેવી છે. જો ખાલી જગ્યા હોય, તો તમે જે ઈચ્છો તે બનાવી શકો છો. એકવાર ઊર્જા સુષુમ્નામાં પ્રવેશે, ત્યારે આપણે કહીએ છીએ કે તમે વૈરાગ્ય પ્રાપ્ત કરો છો. `રાગ’ એટલે રંગ. `વૈરાગ’ એટલે કોઈ રંગ નહીં, તમે પારદર્શક બની ગયા છો. જો તમે પારદર્શક બન્યા છો, તો જો તમારી પાછળ લાલ છે, તો તમે પણ લાલ થઈ જાઓ છો. જો તમારી પાછળ વાદળી છે, તો તમે પણ વાદળી થઈ જાઓ છો. જો તમારી પાછળ પીળું છે, તો તમે પણ પીળા થઈ જાઓ છો. તમે નિષ્પક્ષ છો. તમે જ્યાં પણ હોવ, તમે એનો ભાગ બની જાઓ છો, પણ કંઈ પણ તમને ચોંટતું નથી. ફક્ત જો તમે આવા હોવ, ફક્ત જો તમે વૈરાગ્યની સ્થિતિમાં હો, તો જ તમે અહીં રહીને જીવનનાં બધાં પાસાંઓની ખોજ કરવાની હિંમત કરશો.
અત્યારે તમે ઠીક ઠીક સંતુલિત છો, પણ જો કોઈ કારણસર બહારની પરિસ્થિતિ વિચિત્ર થઈ જાય, તો તમે પણ એની પ્રતિક્રિયામાં ગાંડા થઈ જશો, કેમ કે એ ઈડા અને પિંગળાનો સ્વભાવ છે. એ બહારની પરિસ્થિતિ પર પ્રતિક્રિયા આપે છે, પણ એકવાર ઊર્જા સુષુમ્નામાં પ્રવેશે, ત્યારે તમે નવા પ્રકારનું સંતુલન મેળવો છો. એક આંતરિક સંતુલન જ્યાં બહાર ગમે તે થાય, તમારી અંદર એક એવી જગ્યા છે જે ક્યારેય ખલેલ પામતી નથી, જે ક્યારેય કોઈ પણ પ્રકારની અશાંતિમાં નથી, જેને બહારની પરિસ્થિતિઓ અડી શકતી નથી. ફક્ત જો તમે તમારી અંદર આ સ્થિર સ્થિતિ બનાવો, તો જ તમે ચેતનાનાં શિખરો સર કરવાની હિંમત કરશો.