બજેટમાં મુકાયેલી યોજના-પ્રોજેક્ટની તંદુરસ્ત ચર્ચા કરવાના બદલે લાંબા…લચક ભાષણ થયા
રાજકોટ મહાનગરપાલિકાના આગામી નાણાકીય વર્ષ ૨૦૨૪-૨૫ના બજેટને બહાલી આપવા માટે આજે યોજાયેલા ખાસ જનરલ બોર્ડમાં વરને વરની મા જ વખાણે એ કહેવત મુજબ ૭૨માંથી શાસકપક્ષના ૬૮ નગરસેવકોની બહુમતીએ બજેટને ફૂલડે વધાવ્યુ હતુ. તો બીજીબાજુ સભામાં હાજર માત્ર ૨ વિપક્ષી સભ્યમાંથી એકમાત્ર ભાનુબેન સોરાણી બોલવા ઉભા થયા અને જયશ્રી રામના નારા સાથે તેમની બજેટ સ્પીચ શરૂ કરીને શાસકોને એવો ટોણો માર્યો હતો કે, નવા નાણાકીય વર્ષના બજેટમાં આજી રિવર ફ્રન્ટ, સાંઢિયાપુલનું નવીનીકરણ સહિતની થોકબંધ કામ એવા છે કે, જે વર્ષોથી માત્ર બજેટના કાગળ પર જ રહે છે. આવા પેન્ડીંગ કામ પુરા કરવા માટે ભગવાન શ્રીરામ શાસકોને અને તંત્રને શક્તિ આપે!
કોંગ્રેસના પાંચ વર્ષના શાસનમાં થયા નકરા કૌભાંડ, ભાજપના શાસનમાં થયો વિકાસ : જયમીન ઠાકર
બજેટ બોર્ડના પ્રારંભે સ્ટેન્ડીંગ ચેરમેન જયમીન ઠાકરે કહ્યુ હતુ કે, આજે રાજકોટથી માંડી ગુજરાત અને કેન્દ્રમાં ભાજપની સરકાર છે. પ્રજાએ ભાજપના શાસન પર એટલા માટે ભરોસો રાખ્યો છે તે વિકાસને નજરે જુએ છે. રાજકોટ શહેરની વાત કરીએ તો ૧૯૭3થી રાજકોટને મહાનગરપાલિકાનો દરજ્જો મળ્યો. ત્યારથી લઇને વચ્ચે ૨૦૦૫થી ૨૦૧૦ના પાંચ વર્ષ કોંગ્રેસના શાસનને બાદ કરતા ભાજપ શાસનમાં રાજકોટ વિકાસની જેટ ગતિએ આગળ વધ્યુ છે. ૨૦૦૫થી ૨૦૧૦માં કોંગ્રેસના શાસનમાં કેવા કૌભાંડો થયા તે ઓનપેપર છે. કોંગ્રેસનના શાસનમાં મેયર વિદેશ જાય ત્યારે ત્યાંથી મનપા તરફથી મળતી મોબાઇલ ફોનની સુવિધાનો કેવો ગેરઉપયોગ થયો હતો એ સૌ કોઇ જાણે છે. પણ ભાજપના શાસનમાં એ ગૌરવ લેવા જેવી બાબત છે કે, વર્તમાન મેયર મનપા તરફથી મળતી મોબાઇલ ફોનની સુવિધાના બદલે પોતાનો પર્સનલ ફોન જ ઉપયોગ કરી જનતાના નાણાની બચત કરે છે. વધુમા સ્ટેન્ડીંગ ચેરમેન જયમીન ઠાકરે કહ્યુ હતુ કે, હું તમામ નગરસેવકો વતી ખાતરી આપુ છું કે, નવા નાણાકીય વર્ષના બજેટમાં જે કામ સુચવાયા છે તે પુરા કરવા તમામ કોર્પોરેટરો પ્રજાની વચ્ચે રહેશે.
નગરસેવકોની ગ્રાન્ટમાં થયેલો વધારો સીધો પ્રજાને લાભ : ડો.ડવ
પૂર્વ મેયરે બજેટને વધાવતા કહ્યુ હતુ કે, નગરસેવકોની ગ્રાન્ટમાં વધારો કરવાનો જે નિર્ણય થયો છે તેનો સીધો લાભ શહેરના વિકાસને થશે. બીજી એક યોજના નવી આધુનિક લાયબ્રેરી બનતા તેમા સ્પર્ધાત્મક પરીક્ષાના પુસ્તકોની સુવિધાથી ભવિષ્યમાં રાજકોટથી આઇ.પી.એસ., આઇ.એ.એસ. અધિકારી જનતાની સેવા કરતા હશે.
નગરસેવકોના મોટાભાગના સુચનો બજેટમાં સ્વીકારાયા એ આવકાર્ય : સુરેન્દ્રસિંહ વાળા
સમાજ કલ્યાણ સમિતિના ચેરમેન સુરેન્દ્રસિંહ વાળાએ કહ્યુ હતુ કે, બજેટ સ્ટેન્ડીંગ કમિટીમાં આવ્યુ ત્યારે નગરસેવકો પાસેથી જેટલા સુચનો મગાવ્યા હતા તે મોટાભાગનો સમાવેશ કરાયો છે. કરવેરાના બોજ વગરનું આ બજેટ વાસ્તવિક છે અને તેમા શહેરના મેટ્રો વિકાસનું પ્રતિબીંબ છે.
પ્રજાલક્ષી ઐતિહાસિક યોજનાઓ-સેવા બજેટમાં મુકાઇ છે. નરેન્દ્ર ડવ
નરેન્દ્ર ડવે બજેટ પ્રતિક્રિયા આપતા કહ્યુ હતુ કે, દિવ્યાંગો તેમજ સિનિયર સિટીઝનને સિટી બસ, બીઆરટીએસ તેમજ લાયબ્રેરીમાં વિનામુલ્યે સેવા આપવા સહિત અનેક પ્રજાલક્ષી ઐતિહાસિક યોજનાઓ છે. બીજુ એ કે, મારા વોર્ડમાં આજી નદી પર દેવપરા તરફ બ્રિજ બનાવવાના પ્રોજેક્ટથી હજારો લોકોને લાભ થવાનો છે.
વિકસિત વિસ્તારમાં સુવિધાનો નવો સુર્યોદય : બાબુ ઉધરેજા
વોર્ડ નં.3ના નગરસેવક બાબુ ઉધરેજાએ કહ્યુ હતુ કે, રાજકોટ મનપામાં ભળેલા વોર્ડ મારા વોર્ડના વિસ્તારમાં નવુ સ્મશાન, વોંકળા પાકા કરવા, વોર્ડ ઓફિસનું આધુનિકરણ સહિત સંખ્યાબંધ નવા કામ મુકાયા છે જેનાથી શહેરના સીમાડાનો વિકાસ પૂરઝડપે થશે તેવો આશાવાદ છે.
વર્ષ ૨૦૨3-૨૪માં બજેટના 3૬ ટકા જ કામ થયા, વિકાસ છેતરામણો : વિપક્ષ
વિપક્ષી સભ્ય ભાનુબેન સોરાણીએ કહ્યુ હતુ કે, સ્ટેન્ડીંગ ચેરમેન જયમીન ઠાકરનું આ પ્રથમ બજેટ હોય એટલે આયોજનમાં કાચુ કપાયુ છે. આ અગાઉના સ્ટેન્ડીંગ ચેરમેન પુષ્કર પટેલના કાર્યકાળમાં ૬ વખત બજેટ રજૂ થયા છે. પણ કામ થયા છે માત્ર 3૬ ટકા જ કામ થયા છે. પછેડી એટલી સોળ તાંણવી જોઇએ. વિકાસની વાત માત્ર છેતરામણી છે.
વિપક્ષી સભ્ય મકબૂલ દાઉદાણી મુકપ્રેક્ષકની જેમ બેઠા રહ્યા
ખાવા-પીવા એક બે વિપક્ષી સભ્ય, બોલ્યા માત્ર એક જ
૭૨ નગરસેવકોમાંથી ચાર કોંગ્રેસના ચૂંટાયા હતા. તેમાથી વશરામ સાગઠિયા સહિત બે નગરસેવકો આપ પાર્ટીમાં જતા રહ્યા હતા ત્યારે કોંગ્રેસે પક્ષાંતરના પગલાં લઇને પાર્ટીમાંથી સસ્પેન્ડ કરતા હાલ વિપક્ષમાંથી બે જ સભ્ય ખાવા-પીવા રહ્યા છે. તેમાથી બજેટ બોર્ડમાં મકબુલ દાઉદાણી મુક પ્રેક્ષકની જેમ જ બેઠા રહ્યા હતા.
ભાનુબેન સોરાણીને લખેલુ વાંચતા પણ ન આવડ્યુ, હાંકી રહ્યા!
વિપક્ષી સભ્ય ભાનુબેન સોરાણીની સ્પીચ જાણે બાલમંદિરના છોકરા રટો મારતા હોય તેમ બોલતા હતા. સ્પીચ લખેલી અને જોઇ જોઇને બોલતા હતા તો પણ આવડતુ ન હતુ અને તેની સ્પીચ ભરીસભામાં હાસ્યાસ્પદ બની રહી હતી. એક તબક્કે તો બોલતા બોલતા હાંફી રહ્યા, ચાલુ સ્પીચે માઇક લઇને બેસી ગયા. એ જોઇ ભાજપના નગરસેવકોમાંથી સામુહિક પ્રહાર થયો કે સભ્ય બહેનને કોઇ પાણી પીવડાવો