- 1 થી 3 માર્ચ દરમિયાન હળવા વરસાદની આગાહી
- વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે વરસાદની શક્યતા
- 1 માર્ચે બનાસકાંઠા, સાબરકાંઠામાં વરસાદની સંભાવના
રાજ્યના ખેડૂતો માટે માઠા સમાચાર સામે આવ્યા છે. જેમાં રાજ્યમાં કમોસમી વરસાદની આગાહી છે. તેમજ 1 થી 3 માર્ચ દરમિયાન હળવા વરસાદની આગાહી છે. તેમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે વરસાદની શક્યતા છે. 1 માર્ચે બનાસકાંઠા, સાબરકાંઠામાં વરસાદની સંભાવના સાથે મહીસાગર, દાહોદ, છોટાઉદેપુર તથા સુરેન્દ્રનગર અને બોટાદમાં હળવા વરસાદની આગાહી છે.
2 માર્ચે વલસાડ, નવસારી અને સોમનાથમાં વરસાદની આગાહી
2 માર્ચે વલસાડ, નવસારી અને સોમનાથમાં વરસાદની આગાહી છે. દરિયા કિનારે 45 કિમીની ઝડપે પવન ફુંકાશે. બે દિવસ તમામ જિલ્લાઓમાં વાદળછાયું વાતાવરણ રહેશે તેમજ લઘુત્તમ તાપમાનમાં 1 ડિગ્રી સુધી વધારો થશે. શિયાળો અંતિમ ચરણમાં છે અને ઉનાળાના આગમનની તૈયારી છે. આવા સમયે જ ઉત્તર ગુજરાતમાં કમોસમી વરસાદની આગાહીથી ખેડૂતોમાં ચિંતા પ્રસરી છે. હવામાન વિભાગે તા.1 માર્ચના રોજ અરવલ્લી, સાબરકાંઠા અને બનાસકાંઠા જિલ્લામાં છૂટા છવાયા સ્થળોએ કમોસમી વરસાદ પડવાની વધુ શક્યતાઓ હોવાની આગાહી કરી છે.
હવામાન વિભાગની આ આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી દીધી
હવામાન વિભાગની આ આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી દીધી છે. ગયા વર્ષે પણ માર્ચ મહિનાના પ્રારંભે જ કમોસમી વરસાદ થયો હતો. હોળીના સમયગાળા દરમિયાન તો જાણે ચોમાસુ મંડાઈ ગયુ હોય તેવો વરસાદ પડયો હતો. જેના કારણે ખેડૂતોને વ્યાપક નુકસાન થયુ હતુ. ઘઉંનો મોટાભાગનો પાક પલળી જતાં ખેડૂતોને મણ દીઠ 200 રૂપિયા જેટલો ઓછો ભાવ મળ્યો હતો. દરમિયાન સતત બીજા વર્ષે કમોસમી વરસાદની આગાહીથી ખેડૂતોના જીવ અધ્ધર થયા છે. ઉત્તર ગુજરાતમાં જીરું, વરિયાળી, ચણા, રાયડો, બટાકા, દિવેલા સહિત 13 લાખ હેક્ટરમાં રવી પાકો લગભગ તૈયાર થઈ ગયા છે. કેટલાક વિસ્તારોમાં ઘઉંની લણણી ચાલુ છે પરંતુ મોટાભાગના ખેડૂતો હોળી બાદ ઘઉંની લણણી કરતા હોય છે ત્યારે આવા સાયે વરસાદ થાય તો ખેડૂતોની હાલત બગડી શકે છે.


