હિન્દુ ધર્મમાં તમામ શક્તિપીઠનું અનેરું ધાર્મિક મહત્ત્વ છે. વિશ્વભરમાં કુલ 52 શક્તિપીઠ આવેલાં છે. જોકે, શક્તિપીઠની સંખ્યા 51 માનવામાં આવે છે, પરંતુ તંત્ર ચૂડામણિમાં કુલ 52 શક્તિપીઠ દર્શાવવામાં આવ્યાં છે.
આ તમામ શક્તિપીઠના અસ્તિત્વ પાછળ એક ધાર્મિક કારણ છે. પુરાણોમાં દર્શાવ્યા પ્રમાણે ભગવાન શિવની પહેલી પત્ની સતીએ પોતાના પિતા રાજા દક્ષની મરજી વિના જ ભગવાન ભોલેનાથ સાથે લગ્ન કર્યાં હતાં. આ તરફ રાજા દક્ષે એક વાર વિરાટ યજ્ઞનું આયોજન કર્યું હતું જેમાં તેમણે ભગવાન શિવ અને સતિને આમંત્રણ આપ્યું ન હતું. તેમ છતાં માતા સતી તેમના પિતાના નિમંત્રણ વગર જ યજ્ઞમાં પહોંચી ગયાં હતાં. જોકે, યજ્ઞમાં ન જવા માટે ભગવાન શિવે તેમને મનાઈ પણ ફરમાવી હતી. હવે જ્યારે માતા સતી તે હવનમાં પહોંચે છે ત્યારે રાજ દક્ષ માતા સતીની સામે જ તેમના પતિ ભગવાન શિવને અપશબ્દ કહે છે અને અપમાનિત પણ કરે છે. પોતાના પિતાના મુખે પતિનું અપમાન માતા સતીથી સહન ન થતા તેઓએ અગ્નિકુંડમાં કૂદીને પોતાના પ્રાણની આહુતિ આપી દીધી હતી. પત્નીનો વિયોગ સહન ન થતા શિવ માતા સતીનું શબ લઇને તાંડવ કરવા લાગ્યા.
ભગવાન શિવના તાંડવથી બ્રહ્માંડમાં પ્રલય વ્યાપી જાય છે, જેથી ભગવાન વિષ્ણુ તેમને રોકવા માટે સુદર્શનચક્રનો ઉપયોગ કરે છે. આ સુદર્શનચક્ર વડે માતા સતીના શરીરના ટુકડા થાય છે અને આ ટુકડાઓ જે જગ્યાએ પડ્યા હતા તે આજે શક્તિપીઠ તરીકે ઓળખાય છે. આ શક્તિપીઠો ભારત, પાકિસ્તાન, બાંગ્લાદેશ, નેપાળ અને તિબેટમાં આવેલી છે. અહીં દર્શનાર્થીઓ માતાનાં દર્શન કરી ધન્યતા અનુભવે છે. આવી જ એક શક્તિપીઠ ભારતના હિમાચલ પ્રદેશમાં આવી છે જે `શ્રી નૈના દેવી’ મંદિર તરીકે ઓળખાય છે. આ મંદિર પંજાબ હિમાચલ સીમા પર આવેલા આનંદપુર સાહિબથી માત્ર 18 કિમી.ના અંતરે એક પહાડ પર આવેલું છે.
મંદિરનું નામ નૈના દેવી શા પરથી પડ્યું?
વિશ્વવિખ્યાત શક્તિપીઠ શ્રી નૈના દેવી 52 શક્તિપીઠ પૈકીનું એક મંદિર છે. ઉપરોક્ત પૌરાણિક કથા પ્રમાણે અહીં માતા સતીની આંખ (નૈના) પડી હતી જેથી તેમનું નામ શ્રી નૈના દેવી પડ્યું હતું.
શ્રી નૈના દેવીની પૌરાણિક કથા
માતા નૈના દેવીનો ઉલ્લેખ પૌરાણિક કથાઓમાં પણ જોવા મળે છે. એક કથા પ્રમાણે જ્યારે માતા નૈના દેવીએ મહિષાસુરનો વધ કર્યો હતો ત્યારે તમામ દેવતાઓ ખુશ થઇને નૈના માનો જયજયકાર કરે છે. તેથી પણ આ તીર્થસ્થળનું નામ શ્રી નૈનાદેવી પડ્યું હતું. જ્યારે અન્ય એક કથા પણ પ્રચલિત છે, જેમાં એક ગોવાળ પોતાની ગાયો અહીં ચરાવતો હોય છે. ગાયો ચરાવતા અહીં અચાનક જ ગાયોના આંચળમાંથી દૂધ વહેવા લાગ્યું હતું! ત્યારબાદ ગોવાળના સપનામાં રાત્રે માતા નૈના દેવી આવે છે અને અહીં તેમના મંદિરનું નિર્માણ કરવાનું કહે છે. માતા નૈના સપનામાં આવી હોવાથી તે બીજા દિવસથી માતા માટે મંદિરનું નિર્માણ ચાલુ કરી દે છે. મંદિર વિધિવત્ સ્થપાયા બાદ નૈના ગુર્જરના નામ પરથી જ આ મંદિરનું નામ શ્રી નૈના દેવી રાખવામાં આવ્યું હતું.
મંદિરનો હવનકુંડ
આ મંદિર વિશ્વભરમાં પ્રચલિત છે તેમજ અન્ય ચમત્કારોથી પણ જાણીતું છે. અહીં માતાજીનો જે પ્રાચીન કુંડ આવેલો છે તેમાં કેટલાય હવન કરવામાં આવે છે તો તેમાં શેષ (હવનની રાખ) ઉઠાવવી પડતી નથી! હવનની તમામ રાખ-ભભૂતિ તે હવનની અંદર જ સમાઇ જાય છે. વિજયપ્રાપ્તિ માટે, દુઃખ દૂર કરવા કે અન્ય બીમારી-રોગ દૂર કરવા માટે ઉપરાંત ધનપ્રાપ્તિ માટે અહીં અનેક પ્રકારના હવન કરવામાં આવે છે. અેક ધાર્મિક માન્યતા પ્રમાણે અહીં એક હવન કરવો એ 100 હવન થવા બરાબર છે!
પાંચ વાર આરતી
શ્રી નૈના દેવી મંદિરમાં દરરોજ કુલ પાંચ વાર આરતી કરવામાં આવે છે. આ પાંચ આરતીમાં બે સ્નાન અને શૃંગાર આરતીનો સમાવેશ થાય છે. માતા શ્રી નૈના દેવીની પ્રથમ આરતી સવારે 4 વાગ્યે થાય છે. આ સવારની પ્રથમ આરતીમાં પાંચ માવાનો ભોગ ચડાવવામાં આવે છે. જ્યારે આ આરતી બાદ દ્વિતીય આરતી સવારે 6 વાગ્યે કરવામાં આવે છે. જેમાં માતાજીને બરફીનો ભોગ ચડાવાય છે. ત્યારબાદની ત્રીજી આરતી બપોરના સમયે કરવામાં આવે છે જેમાં તેમને રાજશ્રી ભોગ ચડાવવામાં આવે છે, આ ભોગની સાથે સાથે તેમને પાંચ શાકભાજી, બાસમતી ચોખા અને ખીર પણ અર્પણ કરવામાં આવે છે. અલબત્ત, આ તમામ આરતી થયા બાદ સંધ્યાઆરતી 7-30 વાગ્યે કરવામાં આવે છે. જેમાં માતાજીને ચણા-પૂરીનો ભોગ ચડાવવામાં આવે છે અને ત્યારબાદ રાત્રીના સમયે 9-30 વાગ્યે માતાજીની શયનઆરતી કરવામાં આવે છે. જેમાં માતાજીને ફળ અને દૂધનો ભોગ ચડાવવામાં આવે છે. મોટાભાગના શ્રદ્ધાળુઓ આ પાંચેય આરતીનો લાભ લે છે અને માતાજીના આશીર્વાદ લઈને ધન્યતા અનુભવે છે.
આંખોની દૃષ્ટિ પાછી મળે છે
આ મંદિર સાથે એક ચમત્કારિક માન્યતા પણ જોડાયેલી છે. જો કોઈ વ્યક્તિને આંખોમાં કોઈ પ્રકારની સમસ્યા હોય કે બીમારી હોય અને માતાજીને ચાંદીના નેત્ર ચઢાવે છે તેમની આંખોની દૃષ્ટિ ઠીક થઈ જાય છે. આંખ સંબંધિત રોગ હોય તો તે મટી જાય છે. પ્રાચીન સમયથી શ્રદ્ધાળુઓ નૈના દેવીના દર્શને આવે ત્યારે ચાંદીના નેત્ર જરૂર અર્પણ કરે છે.
માતા નૈના દેવી મંદિરમાં ઉજવાતા તહેવારો
માતા નૈના દેવી મંદિરમાં આમ તો તમામ હિન્દુ તહેવારોની ઉજવણી કરવામાં આવે છે. અહીં નવરાત્રી ખૂબ જ ધામધૂમથી અને સંપૂર્ણ ભક્તિભાવથી ઊજવવામાં આવે છે. ભક્તો નવરાત્રીનો ઉપવાસ કરીને માતાજીની આરતીમાં પૂરી શ્રદ્ધાથી ભાગ લે છે. અહીં હોળી પણ ધામધૂમથી ઊજવવામાં આવે છે. હોળીના તહેવાર પર ભક્તો માતાજીને રંગીન ચંદન અને ફૂલો ચઢાવે છે તેમજ અહીં પરંપરાગત રીતે હોળી-ધુળેટી પણ ઊજવવામાં આવે છે. માતા નૈના દેવીના મંદિરમાં દિવાળી પર્વ નિમિત્તે દીપોત્સવનું આયોજન કરવામાં આવે છે. મંદિરને ફૂલો અને દીપ વડે ખૂબ જ આકર્ષક રીતે સજાવવામાં આવે છે. દિવાળી દરમિયાન અહીં ભક્તોની વિશેષ ભીડ જોવા મળતી હોય છે.