મોટાભાગના વિસ્તારોમાં ભુગર્ભ ગટરની કુંડીઓ ચોકઅપ, વરસાદી પાણીની ગંદકી રોડ પર જ થાય છે જમા
રાજકોટમાં બે દિવસથી વરસાદ વચ્ચે મ્યુનિ. કમિશ્નર દેવાંગ દેસાઇ વિવિધ વિસ્તારમાં ફરી રહ્યા છે. સામાન્ય વરસાદમાં પણ શહેરની શું હાલત થાય છે તેનો જાત અનુભવ કમિશનરને થઇ રહ્યો છે સાથે કહેવાતી પ્રિ-મોન્સુન કામગીરીની પોલ પણ કમિશનર નજરે નિહાળી રહ્યા છે. દરમિયાન આજે સવારે સામાકાંઠે પૂર્વ ઝોનમાં જુદા જુદા વિસ્તારમાં પાણી નિકાલની કામગીરીનું નિરીક્ષણ કર્યુ હતું. એ દરમિયન કોઠારિયા પાસે રોડમાં પડેલા ગાબડાંમાં ભરાયેલા પાણીમાં કમિશનરને પગડૂબ ચાલવાની નોબત પણ આવી હતી.
મ્યુનિ.કમિશનર દેવાંગ દેસાઇએ કોઠારીયાના રિધ્ધિ સિધ્ધિ નાલા, દૂધસાગર રોડ પર ભરાતા પાણીનું નિરીક્ષણ પગે ચાલીને કર્યુ હતું. લોકોની આવી કાયમી સમસ્યાનો અનુભવ મોટરમાં બેસીને નહીં પરંતુ રસ્તા પર ચાલીને જ થઇ શકે તેવી અનુભૂતિ કમિશ્નરે કાયમ મોટરમાં જ બેસીને સમસ્યાનો ઉકેલ લાવતા અધિકારીઓને પણ કરાવી હતી. રિધ્ધિ સિધ્ધિ નાલાથી કમિશ્નર પગપાળા ખાડાઓમાંથી પસાર થયા હતા. કમિશ્નર અને તેમની સાથે અધિકારીને પણ પાણી ભરેલા ખાડામાં મનેકમને ચાલવાની નોબત આવી હતી!
કમિશનર દેવાંગ દેસાઈએ આજે આજી જી.આઈ.ડી.સી. ખાતે આવેલ વોંકળાની મુલાકાત, ઉપરાંત દૂધસાગર રોડ ફારૂકી મસ્જીદ પાસે અને ભગવતીપરા ખાતે વોટર લોગીંગની સ્થિતિમાં પાણીના નિકાલ માટેની વ્યવસ્થા સુનિશ્ચિત કરાવી હતી. ઈસ્ટ ઝોનમાં વોર્ડ નં.18માં આવેલ રિદ્ધિ સિદ્ધિના નાલે પણ વરસાદી પાણીના નિકાલની વ્યવસ્થા અને સફાઈ અંગે નિરીક્ષણ કર્યું હતું. આજે ચાલુ વરસાદ દરમ્યાન ડે.કમિશ્નર સ્વપ્નિલ ખરે અને ચેતન નંદાણી, સિટી એન્જિનિયરો વગેરે અધિકારીઓએ વિવિધ વિસ્તારોમાં જઈને ખાડાઓમાં ભરાતા વરસાદી પાણીનો બદસુરત નજારો નિહાળ્યો હતો. આ મુલાકાતમાં સિટી એન્જી. અઢીયા, ના. પર્યાવરણ ઈજનેર પ્રજેશ સોલંકી, ડી.ઇ.ઇ. અંબેશ દવે, નિકેશ મકવાણા અને બોરણીયાભાઈ હાજર રહ્યા હતા. અહીં હાજર અધિકારીઓ અને પ્રિ-મોન્સુન કામગીરી સાથે જોડાયેલા વિભાગના અધિકારીઓ તેમજ સ્ટાફ માટે શરમજનક બાબત એ કહેવાય કે, રસ્તા પર પડેલા ભ્રષ્ટાચારના ખાડામાં ભરાયેલા વરસાદી પાણીની ગંદકીને ઉલેચતા-ઉલેચતા મ્યુનિ.કમિશનર દેવાંગ દેસાઇને ચાલીને નીકળવુ પડ્યુ હતુ.
એ પૂર્વે કમિશનર દેવાંગ દેસાઈએ 150 ફૂટ રિંગ રોડ પર ઉમિયા ચોક સહિતના વિસ્તારોમાં રૂબરૂ મુલાકાત લઈને પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો. આ ઉપરાંત તેમને નાનામવા ચોક ખાતે સ્થિત આઇસીસીસી (ઇન્ટીગ્રેટેડ કમાંડ એન્ડ કંટ્રોલ સેન્ટર) ખાતે બેસી સીસીટીવી કેમેરાના માધ્યમથી શહેરના વિવિધ વિસ્તારોની પરિસ્થિતિ ઉપર પણ ચાંપતી નજર રાખી હતી. રેડ અને યલ્લો ઝોન હેઠળના વિસ્તારોમાં જો વરસાદી પાણી ભરાયાનું જાણમાં આવે તો નાગરિકોની ફરિયાદ આવે તેની વાટ જોયા વગર તુર્ત જ પાણીના નિકાલ માટેની કામગીરી આગળ ધપાવવા કમિશનરસૂચના આપી હતી.
આ ઉપરાંત ચાલુ વરસાદ દરમિયાન તેમજ વરસાદ બંધ થાય ત્યારબાદ પણ વરસાદી પાણીના નિકાલ માટે હાથ ધરવાની થતી કામગીરી ઝડપભેર થાય તે સુનિશ્ચિત કરવા આપેલા આદેશ મુજબ જ ચાલુ વરસાદ દરમ્યાન તેમજ વરસાદ બંધ થયા બાદ પણ જુદાજુદા વિસ્તારોમાં સ્ટોર્મ વોટરના નિકાલ માટેની જાળીઓમાં પાણીનો પ્રવાહ અવરોધાય નહીં તે મુજબ કામગીરી કરવામાં આવી હતી.
સીસીટીવી કન્ટ્રોલ રૂમમાં જોય પાણી ભરાતુ હોય ત્યાં તાત્કાલિક પગલા લેવા કમિશનરનો આદેશ
શહેરના રાજમાર્ગો પર મુકાયેલા સીસીટીવી કેમેરાના માધ્યમથી શહેરના જુદાજુદા એરિયામાં વરસાદ દરમિયાન અને વરસાદ બંધ થયા પછીની પરિસ્થિતિ કેવી છે અને જે તે સ્થળે કેવી કામગીરી કરવાની આવશ્યકતા છે તેનું સતત નિરીક્ષણ કરતા રહેવા અધિકારીઓને સૂચના આપી હતી. તેમજ આ કંટ્રોલ ખાતેથી ઉપલબ્ધ થતી આ પ્રકારની માહિતી સત્વરે જે તે વોર્ડના ડે. એન્જિનિયરને પહોંચાડી જે તે સ્થળ ખાતે હાથ ધરવાની થતી કામગીરી વિના વિલંબે થાય તે સુનિશ્ચિત કરવા તથા શહેરના રેડ અને યલ્લો ઝોન હેઠળના વિસ્તારોની પરિસ્થિતિ પર ખાસ નજર રાખવા સૂચના આપી હતી.
ગત વર્ષે ૨૦૨3માં ભૂગર્ભ ગટર ચોકઅપ થવાની 3.૮૨ ફરિયાદ નોંધાઇ હતી
રાજકોટ દેશના શ્રેષ્ઠ સ્વચ્છ શહેરોના સ્વચ્છતા સર્વેક્ષણ રેન્કીંગમાં શા માટે નંબર ૧ નથી આવતુ તે વધુ એકવખત સામે આવ્યું છે. ગંદકીની તો થોકબંધ ફરિયાદો આવે જ છે સાથે શહેરને ગોબરુ કરતી ભુગર્ભ ગટર લીકેજની ફરિયાદોનો આંકડો પણ મોટો હોવાનું સામે આવ્યુ છે. ગત વર્ષ ૨૦૨3માં 3 લાખ ૮૨ હજાર ફરિયાદોથી કોલ સેન્ટરના ફોન ધણધણતા રહ્યા હતા. તેમા સૌથી વધુ ભૂગર્ભ ગટરને લગતી ૨ લાખ ૨૧ હજાર ફરિયાદો છે. ખાસ કરીને ચોમાસા દરમિયાન વધુ ફરિયાદ આવી હતી.