- ગાર્બેજ કચરો દૂર ન થવા મામલે રિવ્યૂ મીટિંગમાં જ અધિકારીનો ઉધડો લીધો
- આખા વર્ષની નહીં, 15 દિવસની કામગીરી બતાવો : CNCDની ઝાટકણી કાઢી
- સફાઈ કર્મચારીઓની હાજરી પે- રોલ સાથે લિન્ક કરવા સૂચના આપવામાં આવી
AMC કમિશનર એમ. થેન્નારસને અમદાવાદમાં રોડ સાઈડ પર ગાર્બેજ- કચરો દૂર કરવા મામલે પાંગળો બચાવ કરનાર અધિકારીને ખખડાવી નાંખીને રોકડું પરખાવ્યું હતું કે, ‘ડોન્ટ ડાઈવર્ટ ધ ઈસ્યુ’. જ્યારે CNCD વિભાગના અધિકારીને આખા વર્ષની કામગીરીને બદલે છેલ્લાં બે સપ્તાહમાં કેવી કામગીરી કરી, તે બતાવો. શહેરમાં 10 જેટલા ભરચક ટ્રાફિક ધરાવતા રોડ નક્કી કરીને તે રસ્તા પરની ટ્રાફિક સમસ્યા દૂર કરવા માટે નક્કર આયોજન કરવા સૂચના આપી હતી. શહેરમાં સ્વચ્છતા જાળવવા સઘન સફાઈ કામગીરી પર ભાર મૂક્યો હતો. સરકારી ગ્રાન્ટનો ઉપયોગ કરાતો ન હોવાની બાબતને ખૂબ ગંભીર ગણીને સરકારી ગ્રાન્ટનો ઉપયોગ કરવા માટે યોગ્ય અને વ્યવસ્થિત પ્લાનિંગ કરવા તાકીદ કરવામાં આવી છે. આગામી મહિને યોજનાર ફ્લાવર શો માટેની કામગીરી ઝડપથી પૂરી કરવા સૂચના આપી હતી.
AMC કમિશનર એમ. થેન્નારસને વીકલી રીવ્યુ મીટિંગમાં એક અધિકારીને કહ્યું કે, તમારા વિસ્તારમાં ગાર્બેજ પડેલો જોવા મળે છે, સફાઈ કામગીરી થતી નથી. આ મામલે અધિકારીએ પાંગળો બચાવ કરતાં કહ્યું કે, અમાર વિસ્તારમાં વોલ ટુ વોલ રસ્તા ન હોવાને કારણે સફાઈ કામગીરી વ્યવસ્થિત થઈ શકતી નથી અને તેના કારણે ગાર્બેજ જોવા મળે છે. આ પ્રકારે ડહાપણ કરતા અધિકારીને મ્યુનિ. કમિશનર એમ. થેન્નારસને ચોખ્ખે ચોખ્ખું સુણાવી દીધું હતું કે, ‘ડોન્ટ ડાઈવર્ટ ધ ઈસ્યુ’. યોગ્ય રીતે સફાઈ કરો અને કચરો ઉપાડી લેવાની કામગીરી પર ધ્યાન આપો. વર્ષ દરમિયાનની કામગીરીને બદલે છેલ્લાં બે સપ્તાહમાં કરેલી કામગીરીની માહિતી આપવા CNCD વિભાગના અધિકારીને તાકીદ કરી હતી. સફાઈ કર્મચારીઓની હાજરી પે- રોલ સાથે લિન્ક કરવા સૂચના આપવામાં આવી છે. આમ સફાઈ કામદારોની હાજરી બાયોમેટ્રિક પદ્ધતિથી પૂરવાની હિલચાલ હાથ ધરવામાં આવશે. મ્યુનિ. ટેક્સ વિભાગમાં 60 ટકા કર્મચારીની ઘટ હોવાથી ટેક્સ વસૂલાતને માઠી અસર થતી હોવાની રજૂઆત કરાઈ હતી.


