- સુપ્રીમે હાઇકોર્ટ સમક્ષ જવા કહેતાં મુસ્લિમ પક્ષે હાઇકોર્ટમાં કરી અરજી
- નીચલી અદાલતને તેના આદેશનો અમલ રોકીને 15 દિવસની મુદત આપવા કરી વિનંતી
- હિંદુ પક્ષ દ્વારા પહેલેથી કેવિયેટ દાખલ થઇ ચૂકી છે
જ્ઞાનવાપી સંકુલમાં આવેલા વ્યાસ ભંડકિયામાં પૂજાની મંજૂરી વારાણસી જિલ્લા કોર્ટ તરફથી મળી ગઇ છે. મંજૂરી મળ્યા પછી બુધવારે મોડી રાતે ભંડકિયામાં મૂર્તિઓ મૂકીને પૂજા પણ શરૂ કરવામાં આવી હતી. બીજી તરફ વ્યાસજીના ભંડકિયામાં પૂજાના અધિકાર વિરુદ્ધ મુસ્લિમ પક્ષે હાઇકોર્ટના દરવાજા ખટખટાવ્યા છે. નીચલી અદાલતે આપેલા ચુકાદાને હાઇકોર્ટમાં પડકારતાં અંજુમન ઇંતેજામિયા કમિટીએ હાઇકોર્ટને ઝડપી સુનાવણી કરવા વિનંતી કરી છે. ઉલ્લેખનીય છે કે હિંદુ પક્ષ દ્વારા પહેલેથી કેવિયેટ દાખલ થઇ ચૂકી છે.
વારાણસી જિલ્લા અદાલતમાં આ કેસ ફરી પહોંચ્યો છે. મુસ્લિમ પક્ષે અદાલત પાસે 15 દિવસનો સમય માંગ્યો છે. અરજીમાં કહેવામાં આવ્યું છે કે 15 દિવસ સુધી કોર્ટના આદેશનો અમલ ના કરવામાં આવે. નીચલી કોર્ટ પાસે હાઇકોર્ટમાં અરજી કરવા સમયની માગણી કરી છે. મસ્જિદ સમિતિએ આ કેસમાં પહેલાં સુપ્રીમના દ્વાર ખટખટાવ્યા હતા.
જિલ્લા કોર્ટે શું કહ્યું હતું?
હિંદુ પક્ષના વકીલ મદનમોહન યાદવે એક દિવસ પહેલાં જ તે વાતને સમર્થન આપ્યું હતું કે જિલ્લા ન્યાયાધીશ અજય કૃષ્ણા વિશ્વેશે જ્ઞાનવાપીના ભંડકિયામાં પૂજાપાઠના અધિકાર વ્યાસજીના સગા શૈલેન્દ્ર પાઠકને આપી દીધા છે. મુસ્લિમ પક્ષે નીચલી અદાલતના આ આદેશને અદાલતમાં પડકારવા નિર્ણય લીધો હતો. જિલ્લા ન્યાયાધીશે પોતાના આદેશમાં જિલ્લા કલેક્ટરને આદેશ કર્યા હતા કે શૈલેન્દ્ર વ્યાસ તેમ જ કાશી વિશ્વનાથ ટ્રસ્ટ દ્વારા નક્કી થયેલા પૂજારી પાસે વ્યાસજીના ભંડકિયામાં રહેલી મૂર્તિઓની પૂજા, ભોગ ચઢાવવાની વ્યવસ્થા સાત દિવસમાં કરવામાં આવે.


