- કેનેડા સાથેના સંબંધો વણસતા ભારતીય વિદ્યાર્થીઓનો કેનેડા ક્રેઝ ઘટયો
- ભારત અને કેનેડા વચ્ચેના સંબંધો હવે પહેલાં જેવા નથી
- ભારતે કેનેડા સાથેના રાજકીય સંબંધોના મોરચે કડક વલણ અખત્યાર કર્યું છે
ભારત અને કેનેડા વચ્ચેના સંબંધો હવે પહેલાં જેવા નથી. નિજ્જરની હત્યા બાદ કેનેડિયન વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોના નિવેદનને લઈો ભારતે કેનેડા સાથેના રાજકીય સંબંધોના મોરચે કડક વલણ અખત્યાર કર્યું છે. બન્ને દેશો વચ્ચેના દ્વિપક્ષીય સંબંધોમાં શિક્ષણ પણ મહત્ત્વની ભૂમિકા ભજવે છે. મોટી સંખ્યામાં ભારતીય વિદ્યાર્થીઓ અભ્યાસ માટે કેનેડા જાય છે. લેટેસ્ટ ઘટનાક્રમમાં ભારતીય વિદ્યાર્થીઓનો કેનેડા ક્રેઝ ઘટયો હોવાની વાત સામે આવી છે. રિપોર્ટ અનુસાર કેનેડાના ઇમિગ્રેશન મંત્રી માર્ક મિલરે પણ જણાવ્યું હતું કે નજીકના ભવિષ્યમાં ભારતથી આવતાં વિદ્યાર્થીઓની સંખ્યામાં વધારો થાય તેની સંભાવના ઘણી ઓછી છે. કેનેડા જતાં વિદ્યાર્થીઓને જે પરમિટ મળે છે તેમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. રિપોર્ટ્સ અનુસાર ભારતીય વિદ્યાર્થીઓને મળતી પરમિટમાં લગભગ 86 ટકાનો ઘટાડો થયો છે. પાછલા વર્ષના અંતમાં પરમિટમાં તીવ્ર ઘટાડો જોવા મળ્યો છે. જો કે આવું એટલા માટે થયું કે ભારતે પરમિટની પ્રક્રિયા પૂરી કરનારા કેનેડિયન રાજદૂતોને દેશની બહાર કરી દીધા હતાં.
કેનેડાની તિજોરીમાં દર વર્ષે રૂ. 13.64 અબજની આવક
એ બાબત પણ રોમાંચક છે કે 2022માં કેનેડા જનારા કુલ વિદ્યાર્થીઓમાં ભારતીય વિદ્યાર્થીઓનું પ્રમાણ 41 ટકા એટલે કે 2,25,835 વિદ્યાર્થીનું હતું. આટલી મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ જવાના કારણે કેનેડાની આર્થિક સ્થિતિ પણ મજબૂત થાય છે. અનુમાન અનુસાર કેનેડા દર વર્ષે લગભગ 22 અબજ કેનેડિયન ડોલર એટલે કે 16.4 અબજ અમેરિકન ડોલરની કમાણી કરે છે. ભારતીય રૂપિયામાં તેનું મૂલ્ય 13.64 અબજ રૂપિયા થાય છે.


