– ઓગસ્ટની સરખામણીએ સપ્ટેમ્બરમાં ઈક્વિટી નેટ ઈન્ફલોઝમાં ઘટાડો
Updated: Oct 12th, 2023
મુંબઈ : દેશમાં મ્યુચ્યુઅલ ફન્ડ રોકાણકારોની સંખ્યા સપ્ટેમ્બરમાં ચાર કરોડના આંકને વટાવી ગઈ છે. આમાંથી એક કરોડ રોકાણકારો છેલ્લા ૨૧ મહિનામાં ઉમેરાયા છે. દેશમાં મ્યુચ્યુઅલ ફન્ડ રોકાણકારોની સંખ્યા વર્તમાન વર્ષમાં ફાઈલ થયેલા કુલ આવક વેરા રિટર્ન્સના ૫૭ ટકા અને જારી થયેલા કુલ પાન કાર્ડના ૬.૫૦ ટકા જેટલી છે.
રોકાણકારોની સંખ્યા મ્યુચ્યુઅલ ફન્ડ ઉદ્યોગ સમક્ષ નોંધાયેલા કુલ પાન પ્રમાણેની છે.
કુલ સિસ્ટમેટિક ઈન્વેસ્ટમેન્ટ પ્લાન્સ (એસઆઈપી) ઈન્ફલોઝમાં સતત વધારાવચ્ચે મ્યુચ્યુઅલ ફન્ડ ઉદ્યોગે આ સિદ્ધિ હાંસલ કરી છે. ગયા મહિને મ્યુચ્યુઅલ ફન્ડ ઉદ્યોગે એસઆઈપી રુટ મારફત પ્રથમ જ વખત રૂપિયા ૧૬૦૦૦ કરોડથી વધુ એકત્રિત કર્યા હતા.
જો કે સક્રિય ઈક્વિટી સ્કીમમાં નેટ ઈન્ફલોઝ સપ્ટેમ્બરમાં માસિક ધોરણે ૩૦ ટકા ઘટી રૂપિયા ૧૪૦૯૦ કરોડ રહ્યો હોવાનું પ્રાપ્ત આંકડા જણાવે છે. સ્મોલ તથા મિડકેપ ફન્ડસમાં પ્રોફિટ બુકિંગને કારણે નેટ ઈન્ફલોઝમાં ઘટાડો થયાનું માનવામાં આવે છે.
સ્મોલ તથા મિડકેપ મૂલ્યાંકનો ઊંચા હોવાની શકયતાને કારણે પણ આ સેગમેન્ટસમાં નેટ ફલોઝ ઘટયાનું મ્યુચ્યુઅલ ફન્ડ ઉદ્યોગના સુત્રોએ જણાવ્યું હતું.
જો કે નાણાં વર્ષ ૨૦૨૪ના સરેરાશ ઈન્ફલોઝની સરખામણીએ સપ્ટેમ્બરનો ઈન્ફલોઝ ઊંચો રહ્યો છે.