આજરોજ ૨૧મી જુનના આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિતે શહેરમાં જુદા-જુદા પાંચ સ્થળોએ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા યોગના વિવિધ કાર્યક્રમોનું આયોજન થયું હતું. જેમાં રેસકોર્ષ ખાતે શહેરના વિવિધ વર્ગના અગ્રણીઓ, અધિકારીઓ, પદાધિકારીઓ, યોગાચાર્યોની ઉપસ્થિતિમાં યોગ શિબિર યોજાઇ હતી.
શહેરમાં પાંચ સ્થળો રેસકોર્ષ, નાનામવા ચોક, ગ્રીનલેન્ડ પાર્ટી પ્લોટ, મહાત્મા ગાંધી મ્યુઝિયમ અને જીજાબાઈ સ્વીમીંગ પુલ ખાતે યોગનુ આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં કર્ણાટકના પૂર્વ રાજયપાલ વજુભાઇ, સાંસદ રામભાઇ મોકરીયા, મ્યુનિ.કમિશનર દેવાંગ દેસાઇ, ડે.મેયર નરેન્દ્રસિંહ જાડેજા, કોર્પોરેટર કેતન પટેલ સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતાં. આ ઉપરાંત યોગ દિવસ નિમિતે પોલીસ હેડ કવાર્ટર ખાતે પોલીસ કમિશનર બ્રિજેશકુમાર ઝાના માર્ગદર્શન હેઠળ યોગ શિબિર યોજાઇ હતી. ડીસીપી સજ્જનસિંહ પરમાર, ડીસીપી ટ્રાફિક પૂજા યાદવ, ટ્રાફિક એસીપી જયવીર ગઢવી સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.


