- સુરત બેઠક માટે નિતીન ભજિયાવાલાએ ટિકિટ માગી
- મુકેશ દલાલ અને ધીરુભાઈ ગજેરાએ ટિકિટ માગી
- સાંસદ, પૂર્વ ધારાસભ્યો સહિત સંગઠનના આગેવાનોના સેન્સ લેવાયા
લોકસભાની ચૂંટણીને લઈ ભાજપમાં ચહલ-પહલ શરૂ થઈ ચૂકી છે. લોકસભાની ચૂંટણીને લઈ અપેક્ષિત કાર્યકરોને સાંભળવા પ્રદેશ કક્ષાએથી નિરીક્ષકોની ટીમ હાલ સુરત આવી પહોંચી છે. જે ત્રણ સભ્યોની નિરીક્ષકોની ટીમ દ્વારા સુરતના ઉધના સ્થિત ભાજપ કાર્યાલય ખાતે કાર્યકરોના સેન્સ લેવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. ઉધના સ્થિત ભાજપ કાર્યાલય ખાતે પ્રદેશ ભાજપ તરફથી મીનાક્ષીબેન પટેલ, જયસિંહ ચૌહાણ અને દિલીપ ઠાકોર દ્વારા અપેક્ષિત કાર્યકરોના સેન્સ લેવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે.
આ વચ્ચે દરેક ઉમેદવારના સેન્સ લેવામાં આવ્યા છે. આ વચ્ચે સુરત બેઠક માટે નિતીન ભજિયાવાલાએ ટિકિટ માગી છે. જેઓ ભાજપના પૂર્વ શહેર પ્રમુખ રહી ચુક્યા છે. આ ઉપરાંત મુકેશ દલાલ અને ધીરુભાઈ ગજેરાએ ટિકિટ માંગી છે. જેમાં સાંસદ, પૂર્વ ધારાસભ્યો સહિત સંગઠનના આગેવાનોના સેન્સ લેવાયા છે.
આ સાથે જ સેન્સ લેવાની પ્રક્રિયામાં ભાજપના જુના જોગીઓ પણ જોડાયા છે. જેમાં અગાઉ કોર્પોરેટર થી લઈ પૂર્વ ધારાસભ્યો પણ રહી ચૂક્યા છે. આજે ઉધના સ્થિત ભાજપ કાર્યાલય ખાતે ચાલનારી આ સેન્સ પ્રક્રિયા દરમ્યાન અંદાજીત 120 જેટલા લોકોના સેન્સ લેવામાં આવી શકે છે.
વિવિધ જિલ્લાઓમાં શરૂ થઈ કાર્યવાહી
લોકસભાની ચૂંટણીની જાહેરાત ગમેત્યારે થઈ શકે છે. ત્યારે રાજકીય પક્ષોએ તડામાર તૈયારીઓ શરૂ કરી દીધી છે.કોંગ્રેસ અને આપનું ગઠબંધન નક્કી થઈ ગયું છે તેમજ બેઠક વહેચણી પણ કરાઈ દીધી છે.તો બીજી તરફ ભાજપમાં પણ બેઠક વાઈઝ સેન્સ પ્રક્રિયા હાથ ધરાઈ છે. ભાજપના વિવિધ હોદ્દેદારો દ્વારા જૂનાગઢ,બનાસકાંઠા, મહેસાણા, રાજકોટ સહિતની બેઠક માટે સેન્સ પ્રક્રિયા હાથ ધરાઈ હતી.


