શ્રી રામનો અવતાર માત્ર રાક્ષસોનો સંહાર કરવા માટે થયો ન હતો, પરંતુ મનુષ્યોને ઉચ્ચ આદર્શ બતાવવા માટે થયો હતો. આદર્શ માનવ ધર્મ સમજાવવા માટે થયો હતો.
સાંસારિક સુખોમાં રાચનાર માટે પરમાનંદ રાત્રિ સમાન છે, તેવા પુરુષોને પરમાત્માનું જ્ઞાન થતું નથી. વસુદેવજી-દેવકીની સ્થિતિ જુઓ. સંપત્તિ ગઈ, રાજ્ય ગયું, સંતતિ ગઈ, અપરાધ વગર હાથ-પગમાં બેડીઓ પડી છે, તેમ છતાં આવા દુ:ખમાં પણ ભગવાનનું હંમેશાં સ્મરણ કરે છે. માટે દુ:ખમાં પ્રભુના નામનું વિસ્મરણ ન થાય તે જોજો. દુ:ખમાં સાવધાન રહીને જે ઈશ્વરનું ભજન કરે, તેને ત્યાં ભગવાન આવે છે.
વિદ્યારણ્ય સ્વામીએ કહ્યું છે, `નળ અને રામ જેવા લોકોના જીવનમાં દુ:ખના પ્રસંગો આવ્યા હોય, તો આપણો શું હિસાબ? તેથી દુ:ખથી ડરશો નહીં.
વિયોગમાં કથા થાય. સંયોગ થયો એટલે કથા બંધ. જીવને ઈશ્વરનો વિયોગ હોય ત્યાં સુધી કૃષ્ણકથા. જીવ ઈશ્વરના મિલન પછી કથા કેવી?
ભાગવતમાં દશમાં સ્કંધના ચૌદમાં અધ્યાયમાં અને સુદામા ચરિત્ર વખતે શુક્રદેવજીએ પ્રેમને દબાવવો પડ્યો હતો. પ્રેમમાં સમાધિ લાગી જાય તો રાજાનું શું થાય?
દશરથ રાજાએ બાળસ્વરૂપ જોયું. હૃદય ભરાયું. દશરથ રાજાને થયેલા આનંદનું વર્ણન કરવાની શક્તિ માતા સરસ્વતીમાં પણ નથી. રામ-દશરથની ચાર આંખ મળી. રામલાલાએ સ્મિત કર્યું. દશરથ રાજા રામજીને જીભ ઉપર મધ ચટાડવા લાગ્યા. દશરથ રાજાએ વસિષ્ઠજીને વેદમંત્રો બોલવાનું કહ્યું.
વસિષ્ઠજી કહે, `રામનાં દર્શન કરીને વેદો તો શું, મારું નામ પણ ભુલાઈ ગયું છે. હું શું મંત્ર બોલું?’
દર્શનમાં નામરૂપ ભુલાય ત્યારે દર્શનનો આનંદ આવે છે, બ્રહ્મદર્શનનો આનંદ આવે છે.
– તત્ર વેદા: અવેધ ભવન્તિ।
ઈશ્વરદર્શન થાય પછી વેદો પણ ભુલાય છે. ઈશ્વરનો સાક્ષાત્કાર થયા પછી પણ વેદો ભુલાય છે. ઈશ્વરનો સાક્ષાત્કાર થાય તો વેદની પણ જરૂર નથી. ઈશ્વરનો સાક્ષાત્કાર થાય તો વેદો ભુલાય, જગતના નામરૂપ ભુલાય અને પોતાનું ભાન પણ રહેતું નથી. એટલે વસિષ્ઠજી કહે છે, `મારું નામ શું છે તે પણ ભૂલી ગયો છું.’
કૌશલ્યાએ બાળકને ખોળામાં લીધું અને બહાર આવ્યાં. અયોધ્યાની પ્રજા રામલાલાનાં દર્શન કરે છે. કોઈને ભૂખ-તરસનું ભાન નથી. રામ વગર આરામ મળતો નથી. જીવમાત્ર આરામને શોધે છે. જીવમાત્ર શાંતિનો ઉપાસક છે. એવી શાંતિ મળે કે જે શાંતિનો ભંગ ન થાય. રામજીની મર્યાદાનું પાલન કરો તો જીવનમાં સાચી શાંતિ મળે. મનુષ્ય રામજીની જીવન મર્યાદાને જીવનમાં ઉતારતો નથી, એટલે સાચી શાંતિ મળતી નથી. ધર્મનું ફળ છે શાંતિ. અધર્મનું ફળ છે અશાતિ. ધર્મની મર્યાદાનું પાલન ન કરે તેને શાંતિ પ્રાપ્ત થતી નથી. સ્ત્રી સ્ત્રીની મર્યાદામાં રહે અને પુરુષ પુરુષની મર્યાદામાં રહે. મનુષ્ય જ્યારે મર્યાદા ઓળંગે છે ત્યારે અશાંતિ આવે છે. ધર્મ મર્યાદા વિનાનાં જ્ઞાન, ભક્તિ કે ત્યાગ સફળ થતાં નથી. પહેલાં કરતાં મંદિરમાં અને કથામાં ભીડ વધારે થાય છે. આજકાલ જ્ઞાન અને ભક્તિ વધ્યાં છે એમ લાગે છે, પણ કોઈને શાંતિ મળતી નથી તેનું કારણ એ છે કે કોઈ ધર્મમર્યાદા પાળતા નથી. લોકો આજે ધર્મને ભૂલ્યા છે. ધર્મ વિના શાંતિ નથી. ધર્મની મર્યાદા નહીં છોડો તો જ ભક્તિ સફળ થશે. ધર્મમર્યાદા પાળ્યા વગર ભક્તિ, જ્ઞાન નકામાં છે. ચંદ્ર-સૂર્ય ધર્મની મર્યાદામાં છે. સમુદ્ર પોતાની મર્યાદા છોડતો નથી. ત્યારે લોકોને જરા પૈસા મળે, માન મળે એટલે એવું સમજે છે હું મોટો સાહેબ છું. મને પૂછનાર કોણ? તને જ્ઞાન આપ્યું છે તે ધર્મની મર્યાદા પાળવા માટે આપ્યું છે, મર્યાદા તોડવા માટે નહીં.
રઘુનાથજી મર્યાદા પુરુષોત્તમ અને સર્વ સદ્ગુણોના ભંડાર છે. રામ એ પરમાત્મા હોવા છતાં ધર્મ અને મર્યાદાઓનું પાલન કરે છે. બધા દિવ્ય સદ્ગુણો જેમાં એક થાય છે તે પરમાત્મા છે. લક્ષ્મણજી વિવેકનું. ભરતજી વૈરાગ્યનું અને શત્રુઘ્ન સદ્વિચારનું સ્વરૂપ છે. ભરત અને શત્રુઘ્ન એટલે કે વૈરાગ્ય અને સદ્વિચાર જો અયોધ્યામાં ન હોય તો દશરથ કૈકેયીને આધીન થાય નહીંતર નહીં.
ચંદન અને પુષ્પથી રામજીની સેવા કરો એ ઠીક છે, પણ રામજીની આજ્ઞાનું પાલન કરો એ રામજીની સૌથી ઉત્તમ સેવા છે. ભગવાનની ઉત્તમ સેવા એ છે કે ભગવાનની આજ્ઞાઓનું પાલન કરવું. જો તેમ કરવામાં ન આવે તો ઈશ્વર પણ કહે કે મારું કહેલું કરતો નથી અને સેવા કરે છે તે યોગ્ય નથી. તેથી તારી સેવા હું સ્વીકારતો નથી. રામજીનું ચરિત્ર એટલું પવિત્ર છે કે તેમનું સ્મરણ કરતાં આપણે પવિત્ર થઈ જઈએ છીએ. વર્તન રાવણ જેવું રાખે અને રામ નામનો જપ કરે તો જપનું ફળ મળતું નથી. વર્તન રામ જેવું રાખો. રામજીનો એક એક સદ્ગુણ જીવનમાં ઉતારવાનો પ્રયત્ન કરો.
શ્રીરામનો અવતાર માત્ર રાક્ષસોનો સંહાર કરવા માટે થયો ન હતો, પરંતુ મનુષ્યોને ઉચ્ચ આદર્શ બતાવવા માટે થયો હતો. આદર્શ માનવધર્મ સમજાવવા માટે થયો હતો. રામજીનો અવતાર જગતને માનવધર્મનો ઉપદેશ આપવા માટે છે.
વાલ્મીકિ રામને ઉપમા આપવા ગયા, પરંતુ કોઈ ઉપમા ન જડી. રામ જેવા તો માત્ર રામ જ છે. મનુષ્ય ગમે તે દેવને, શંકરને, વિષ્ણુને માને, પરંતુ વર્તન રામજી જેવું રાખે. જેનું વર્તન રામ જેવું હશે તેની ભક્તિ સફળ થશે.
કૃષ્ણલીલા એ અનુકરણ માટે નથી, પરંતુ શ્રવણ કરી તન્મય થવા માટે છે. ગોકુળલીલામાં પુષ્ટિ છે, દ્વારકાલીલામાં મર્યાદા છે.
શ્રીરામની અમુક લીલા અનુકરણીય અને અમુક લીલા ચિંતનીય છે એવું નથી. સમગ્ર વર્તન અનુકરણીય છે. રામ સર્વ ગુણોના ભંડાર છે. પ્રત્યેક સ્ત્રીમાં શ્રીરામ માતૃભાવ રાખતા. કોઈ સ્ત્રીને રઘુનાથજી કામભાવથી નહોતા જોતા. મનુષ્ય એક બાજુ પુણ્ય કરે છે અને બીજી બાજુ પાપ પણ ચાલુ રાખે છે. સરવાળે કાંઈ પણ હાથમાં આવતું નથી.
રામ હંમેશાં માતા-પિતાની આજ્ઞા પાળતા. સ્વતંત્ર-સ્વછંદ રીતે કોઈ દિવસ ન વર્તો. રામ હંમેશાં દશરથ અને કૌશલ્યાને પ્રણામ કરતા. આજકાલનાં સંતાનોને માતા-પિતાને પ્રણામ કરતાં પણ શરમ આવે છે. માતા-પિતા લક્ષ્મીનારાયણ સ્વરૂપ છે, તેથી તેમને વંદન કરો.