વેરાવળના જોડીયાનગર પ્રભાસપાટણ ગામમાંથી સોમનાથ મંદિરે જવાના રસ્તા આડે ગતરાત્રીના એકાએક દિવાલ બનાવી દઈ બંધ કરી દેવાતા ગ્રામજનોમાં રોષ વ્યાપી ગયો હતો. આજે સવારથી ગામની તમામ દુકાનોએ સજ્જડ બંધ રાખી રેલી કાઢીને જીલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવી રસ્તો ખોલાવવા માંગણી કરી છે. જો માંગણી નહીં સ્વીકારાય તો ગાંધી ચીંધ્યા માર્ગે આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે.
સોમનાથ મંદિરના દિગ્વિજય દ્વાર સામે ગામમાંથી આવવાના રસ્તાની આડે ગત મોડીરાત્રી દરમ્યાન કોઈપણ આગોતરી જાણ કર્યા વગર સોમનાથ ટ્રસ્ટ દ્વારા દિવાલ બાંધી દઈ લોકોની અવર જવર અટકાવી હતી. જેની જાણ આજે સવારે પ્રભાસપાટણના ગ્રામજનો થતા રોષ વ્યાપી ગયો હતો. ગામના ચોકમાં આગેવાનો અને લોકો એકત્ર થવા લાગ્યા હતા. ત્યારે ટ્રસ્ટના રસ્તા બંધ કરવાના કામના વિરોધમાં પ્ર.પાટણ ગામની તમામ બજારોની દુકાનોના તાળા ન ખોલી સજ્જડ બંધ વિરોધ પ્રદર્શીત કરવામાં આવ્યો હતો.વધુમાં આ મામલે પક્ષ જાણવા માટે સોમનાથ ટ્રસ્ટના અધિકારી વિજયસિંહ ચાવડાનો દિવસ દરમ્યાન અનેકવાર સંપર્ક કરતા ફોન સ્વીચ ઓફ આવ્યો હતો.
બપોરે સ્થાનિક આગેવાનો હેમલ ભટ્ટ, લાલુ માખેચા, રામ સોલંકી, જયદેવ જાની, દિનેશ બામણિયા, ઇશા પટેલ સહિત તમામ આગેવાનો અને મોટી સંખ્યામાં એકત્ર થઈ કચેરીએ જઈ જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવ્યુ હતું. જેમાં જણાવ્યા મુજબ આ રસ્તા પરથી સોમનાથ મંદિરે દર્શને આવતા હજારો યાત્રિકો અને ગ્રામજનોને ગામમાંથી આવવા-જવા માટે એક જ રસ્તાનો ઉપયોગ કરે છે. પ્ર.પાટણ ગામમાં કોઈપણ અઘટીત ઘટના બને જેવી કે આગ લાગવી, કોઈને મેડીકલ ઈમરજન્સી આવે તો ફાયર ફાઇટર કે એમ્બ્યુલન્સ કોઇપણ રસ્તાથી ગામમાં આવી શકે તેમ નથી. આ મુખ્ય માર્ગ સિવાયના ગામને જોડતા બીજા રસ્તાઓ પણ સોમનાથ ટ્રસ્ટએ જડતા પૂર્વક ગામને વિશ્વાસમાં લીધા વગર બંધ કરી દીધા છે. ત્યારે આ બાબતે ગ્રામજનોના હીતમાં યોગ્ય અને સંતોષકારક નિર્ણય લેવામાં નહીં આવે તો ગાંધી ચીધ્યા માર્ગે આંદોલનને વેગ આપવાની ફરજ પડશે તેવી ચીમકી ઉચ્ચારી છે.


