વિજ કચેરીમાં ફોનનું રીસીવર નીચે મૂકી દેવાતા ગ્રાહક અને કર્મચારી વચ્ચે માથાકૂટ
સોરઠીયાવાડી સબડિવિઝનમાં થયેલી માથાકૂટનો વીડિયો સોશ્યલ મીડિયામાં વાયરલ
અગ્ર ગુજરાત, રાજકોટ
ગઇકાલે વરસેલા કમોસમી વરસાદ અને ભારે પવનથી રાજકોટમાં લાઈટ ગૂલ થતા અનેક જગ્યાએથી ગ્રાહકોએ કસ્ટમર કેર સેન્ટર અને સબ ડિવિઝન કચેરીમાં ફોન કર્યા હતા પરંતુ ફોન રીસીવ ન થતા ગ્રાહકો વિફર્યા હતા. આ દરમિયાન સોરઠીયાવાડી સબડિવિઝનમાં ટેલિફોનનું રીસીવર નીચે મૂકી દીધું હોવાનો વિડીયો વાયરલ થયો હતો. જેમાં ગ્રાહક દ્વારા કર્મચારી સાથે માથાકૂટ પણ કરવામાં આવે છે. આ મામલે PGVCL દ્વારા તપાસના આદેશ આપવામાં આવ્યા છે અને એક્ઝિક્યુટિવ એન્જિનિયર પાસે ખુલાસા રિપોર્ટ માગવામાં આવ્યો છે.
PGVCL ના ચીફ એન્જિનિયર પી.જે.મહેતાએ જણાવ્યું હતું કે, 19 માર્ચના સવારે ભુજ, અંજાર, મોરબી, સુરેન્દ્રનગર સહિતના વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદના કારણે વીજ પુરવઠો ખોરવાઈ ગયો. જ્યારે બપોર બાદ અમરેલી, ભાવનગર અને બોટાદમાં વીજ સપ્લાયને અસર પહોંચી હતી. જોકે અમારી 573 ટીમો કાર્યરત હતી. જે બાદ સાંજ સુધીમાં 2645 ગામડાઓમાં વીજ પુરવઠો ખોરવાયો હતો. જેમાંથી 2440 ગામડાઓમાં વીજ પુરવઠો કાર્યરત કરી દેવામાં આવ્યો છે. 800 જેટલા વીજ પોલ ધરાશયી થયા હતા અને 28 ટ્રાન્સફોર્મર પડી ગયા હતા. જેથી રૂ.101.86 લાખ જેટલું નુકશાન થયું છે.
જ્યારે સોરઠીયાવાડી સબ ડિવિઝનમાં ફોન રીસીવર નીચે મૂકી દીધાનો વીડિયો વાયરલ થયો હતો તે બાબતે જણાવ્યું હતું કે, પીજીવીસીએલમાં 60 લાખ જેટલા ગ્રાહકો છે અને લાઇટ ગૂલ થાય ત્યારે ગ્રાહકોના ફોન ચાલુ થઈ જતા હોય છે આમ છતાં પણ કર્મચારીઓને સૂચના આપવામાં આવી છે કે ગ્રાહકોના ફોન આવે ત્યારે તેમની ફરિયાદ તાત્કાલિક નોંધી વીજ પુરવઠો પૂર્વવત કરવા કાર્યવાહી કરવી. આ ઉપરાંત પીજીવીસીએલના રાજકોટ શહેરના અધિક્ષક ઇજનેર જીગ્નેશ ઉપાધ્યાયે જણાવ્યું હતું કે, સોરઠીયાવાડી સબ ડિવિઝનનો વિડીયો મળ્યા બાદ એક્ઝિક્યુટિવ એન્જિનિયર પાસે રિપોર્ટમાં ગયો છે અને તપાસ માટે આદેશ આપ્યો છે. રિપોર્ટ આવ્યા બાદ જેમની જવાબદારી નક્કી થશે તેમની સામે કાર્યવાહી કરવામાં આવશે.


